ધર્મયુદ્ધો (crusades) : ઈ. સ. ની અગિયારમી સદીથી તેરમી સદી દરમિયાન ખ્રિસ્તી અને મુસલમાનો વચ્ચે જેરૂસલેમ પર કબજો મેળવવા માટે ધર્મયુદ્ધો લડાયાં. ઈ. સ. 1095થી 1292 પર્યંત લડાયેલાં આ યુદ્ધોમાં આઠ યુદ્ધો જાણીતાં છે. તેમાં માનવપ્રેમ, ભ્રાતૃભાવ તથા માનવકલ્યાણનો બોધ આપનાર એ બંને ધર્મોના અનુયાયીઓએ ધર્મના નામે અસંખ્ય નિર્દોષ માનવીઓનું લોહી રેડ્યું હતું.
મધ્યયુગમાં ઈસુના જન્મસ્થળ જેરૂસલેમની યાત્રા ખ્રિસ્તીઓ માટે પુણ્યશાળી ગણાતી. ખ્રિસ્તીઓ ખૂબ શ્રદ્ધાપૂર્વક જેરૂસલેમ તથા બેથલેહેમની યાત્રા કરતા હતા. પરંતુ પૂર્વીય રોમન સામ્રાજ્ય નિર્બળ બનતાં જેરૂસલેમ આરબોના કબજામાં ગયું. તેમ છતાં ખલીફા ઉમર અને તેમના પછીના ખલીફાઓના શાસન દરમિયાન ખ્રિસ્તીઓને યાત્રામાં મુસીબતો પડતી નહિ, કારણ કે આરબો સહિષ્ણુ હતા. પરંતુ ઈ. સ. 1076માં સેલ્જુક તુર્કોએ જેરૂસલેમ જીતી લીધું. તેઓ ક્રૂર અને ઝનૂની હતા. તેમણે યાત્રાએ જતા ખ્રિસ્તીઓને પકડી રાખીને મોટી રકમની માગણી કરવા માંડી. આમ જેરૂસલેમની યાત્રા ખ્રિસ્તીઓ માટે વિકટ બની. આ દરમિયાન યુરોપના રાજાઓ સાથેના સંઘર્ષને કારણે પોપની સત્તા નબળી પડી હતી. તેણે પોતાની સત્તા વધારવા માટે આ તક ઝડપી લીધી. ધર્મને નામે, પવિત્ર જેરૂસલેમના રક્ષણ માટે તથા યાત્રીઓની સલામતી માટે પોપે ખ્રિસ્તીઓને ઉશ્કેરી ધર્મને નામે જેહાદ જગાવી. પોપ ખ્રિસ્તી જગતનો વડો હતો. તે ધર્મયુદ્ધોમાં રસ લઈ, જનતામાં પોતાનું અગ્રિમ સ્થાન પુન: પ્રાપ્ત કરવા ઉત્સુક હતો. તેને આ એક સુવર્ણ તક મળી. મુસલમાનો વિરુદ્ધ જેહાદ જગાવી, ઇસ્લામ ધર્મના વિકાસને રોકી, તે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ વિસ્તારવા ઇચ્છતો હતો.
આ દરમિયાન યાત્રાએથી પાછા ફરેલા ખ્રિસ્તીઓએ, તુર્કો દ્વારા થયેલા અત્યાચારોનું હૃદયદ્રાવક વર્ણન કર્યું. તેમાં પણ રાજકુમાર રૉબર્ટની ફરિયાદને લોકોએ ઘણું મહત્વ આપ્યું. પીટર હર્મિટ નામના સંતપુરુષને અનેક યાતનાઓ તથા અપમાનો સહન કરવાં પડ્યાં હતાં. તેમણે તુર્કોના જુલમોનાં કરેલાં વર્ણનો સાંભળી અગ્નિમાં ઘી હોમાયું. પૂર્વીય રોમન સામ્રાજ્યના સમ્રાટ એલેક્સિયસને પણ આ તકનો લાભ લઈ મધ્ય એશિયા તથા જેરૂસલેમ જીતી લેવાની લાલસા જાગી. તેણે આ ધર્મકાર્યમાં પોપનો સહકાર માગ્યો. પોપ પણ આવી તકની શોધમાં હતો. તેણે તરત જ ક્લૅર મૉન્ટમાં ધર્મગુરુઓની એક પરિષદ, ઈ. સ. 1095માં બોલાવી. આ ધર્મસભાએ સમ્રાટ એલેક્સિયસને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ સહકાર આપવાનો સર્વે ખ્રિસ્તીઓને આદેશ આપ્યો.
યુરોપના રાજાઓને, આ સમયે તુર્કોની સત્તા ખૂંચતી હતી. તુર્કોએ યુરોપના રાજાઓ માટે ભય પેદા કર્યો હતો. કેટલાક રાજાઓને તો તુર્કોના હાથે સહન કરવું પડ્યું હતું. સામંતોના સહકાર પર જીવતા રાજાઓને લોકપ્રિય થવા માટે ધર્મયુદ્ધોએ તક પૂરી પાડી.
ધર્મયુદ્ધમાં જોડાવા ખ્રિસ્તીઓને કરાયેલી પોપની અપીલને વધાવી લેવામાં આવી. પીટર હર્મિટે પોપનો સંદેશો ગામેગામ પહોંચાડ્યો. જનતા દિનપ્રતિદિન વધુ ને વધુ યાતનાઓની કહાણી સાંભળવા લાગી. તેમનો જુસ્સો પ્રજ્વલિત થયો. તેઓ ધર્મને ખાતર બલિદાન આપવા તત્પર થયા. ધર્મયુદ્ધોમાં જોડાવા તેમનામાં તાલાવેલી જાગી.
વેપારીઓ પૂર્વના દેશોમાં વેપાર વિકસાવવા માગતા હતા. સાહસિક વેપારીઓ મુસલમાનો પાસેથી વેપારમાં પુષ્કળ નફો મેળવવાની અભિલાષા સેવતા હતા. તેથી તેમણે ધર્મયુદ્ધોમાં રસ લીધો. કેટલાક લોકો પૂર્વના પ્રદેશોમાંથી અઢળક ધન લૂંટવાની આકાંક્ષા રાખતા હતા. આમ વિભિન્ન હેતુઓને કારણે વિભિન્ન પ્રકારના લોકોએ, ધર્મયુદ્ધોમાં ભાગ લીધો. તેમ છતાં જનતાનો મોટો ભાગ, ધર્મયુદ્ધોમાં જોડાવાની બાબતમાં રાજકીય નેતાઓની ભરમાવનારી વાતોથી અંજાઈ ગયો હતો.
પ્રથમ ધર્મરક્ષક યુદ્ધ ઈ. સ. 1095થી 1099 સુધી લડાયું. તેમાં સામંતો તથા પાદરીઓએ ભાગ લીધો. સંત પીટર તથા વૉલ્ટર પેનીલેસના નેતૃત્વ હેઠળ આશરે એક લાખ ખ્રિસ્તીઓ ભેગા થયા. ફ્રેન્ચ ઉમરાવોની આગેવાની હેઠળ 30,000 સૈનિકોનું મુખ્ય દળ હતું. તેમણે જેરૂસલેમને મુસલમાનોની સત્તા હેઠળથી મુક્ત કર્યું અને ત્યાં લૅટિન રાજ્ય સ્થાપી, બુંઈલોના ગૉડફ્રેને રાજ્યશાસન સોંપ્યું. બીજા ધર્મરક્ષક યુદ્ધમાં (ઈ. સ. 1147–48) જર્મનીના કૉનરૅડ ત્રીજા તથા ફ્રાન્સના લુઈ સાતમાએ ભાગ લીધો. તેમનામાં એકતાના અભાવને કારણે આ યુદ્ધમાં સફળતા ન મળી. ત્રીજા ધર્મરક્ષક યુદ્ધ(ઈ. સ. 1189–92)માં જર્મનીના ફ્રેડરિક બારબોસાએ, ફ્રાન્સના ફિલિપ બીજાએ તથા ઇંગ્લૅન્ડના રિચાર્ડ ત્રીજાએ ભાગ લીધો હતો. પરંતુ ફિલિપ તથા રિચાર્ડ વચ્ચે ઝઘડો થવાથી ફિલિપ ફ્રાન્સ જતો રહ્યો. રિચાર્ડ બહાદુરીથી યુદ્ધમાં લડ્યો અને આખરે મુસલમાનો સાથે સંધિ કરી, જેમાં, ખ્રિસ્તીઓને યાત્રાએ જવા-આવવા માટે, પૅલેસ્ટાઇનની સરહદે એક સાંકડી પટ્ટી અલગ કાઢી આપવામાં આવી. પોપ ઇનોસન્ટ ત્રીજાએ ચોથા ધર્મરક્ષક યુદ્ધ (ઈ. સ. 1202–04) માટે ખ્રિસ્તીઓને આહવાન કરવાથી, યુરોપના સાહસિક ઉમરાવોએ તેમાં ભાગ લીધો. આ યુદ્ધમાં ધનલોલુપતા તથા વેરવૃત્તિને કારણે ઝારા તથા કૉન્સ્ટન્ટિનોપલ જેવા પ્રદેશો ઉપર હુમલા કરી, ત્યાં લૂંટ કરવામાં આવી. આ યુદ્ધથી પૅલેસ્ટાઇન પહોંચી શકાયું નહિ, પરંતુ તેનાથી વેનિસના વેપારીઓને લાભ થયો.
ઉમરાવો, પાદરીઓ, વેપારીઓ વગેરેને ધર્મયુદ્ધોમાં નિષ્ફળતા મળી. તેથી કેટલાક ધર્મગુરુઓએ સૂચન કર્યું કે નિર્દોષ ખ્રિસ્તીઓ દ્વારા જો ધર્મયુદ્ધો લડવામાં આવે તો અવશ્ય વિજય મળે. આ હાકલને માન આપીને કિશોરો તથા સ્ત્રીઓને યુદ્ધમાં મોક્લવામાં આવ્યાં. તેથી તે કિશોરોના ધર્મયુદ્ધ (ઈ. સ. 1212) તરીકે જાણીતું છે. આ યુદ્ધ દરમિયાન કેટલાક દુષ્ટ વેપારીઓએ અનેક સ્ત્રી-બાળકોને છેતરીને, આફ્રિકામાં ગુલામો તરીકે વેચી દીધાં. કેટલાક કિશોરો યુદ્ધમાં માર્યા ગયા. બાકીનાંને પોપ ઇનોસન્ટ ત્રીજાએ યુરોપ પાછાં મોક્લી આપ્યાં. આમ આ યુદ્ધનો કરુણ અંત આવ્યો. આ યુદ્ધ પછીનાં યુદ્ધોમાં પણ ખ્રિસ્તીઓનો પરાજય થયો. ઈ. સ. 1291માં તો પૅલેસ્ટાઇનમાંથી ખ્રિસ્તીઓને હાંકી કાઢવામાં આવ્યા. આ રીતે ધર્મયુદ્ધો દ્વારા જેરૂસલેમ અને બીજાં પવિત્રધામો મુસલમાનોના કબજામાંથી મુક્ત કરવામાં ખ્રિસ્તીઓને નિષ્ફળતા મળી. સમગ્રપણે જોઈએ તો આ ધર્મયુદ્ધો ખ્રિસ્તીઓની નિર્બળતા તથા નિષ્ફળતા પુરવાર કરે છે.
આ ધર્મયુદ્ધોમાં ધાર્મિક, સામાજિક, આર્થિક, ભૌતિક વગેરે હેતુઓથી પ્રેરાઈને સમાજના બધા વર્ગોના લોકોએ ભાગ લીધો હતો. પોપે ખ્રિસ્તીઓને એવી ખાતરી આપી હતી કે ધર્મયુદ્ધોમાં ભાગ લેવાથી તેમનાં પાપનો નાશ થશે, તેથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ધર્મયુદ્ધોમાં ખ્રિસ્તીઓના પક્ષે માનવ-ખુવારી થઈ. આ યુદ્ધોમાં ઘણાખરા સામંતોને પોતાની જાગીરો વેચવી પડી. તેમણે પોતાનું લશ્કર, માણસો અને સંપત્તિ ગુમાવ્યાં. તેથી સામંતો નિર્બળ બન્યા અને વેપારવાણિજ્યમાં વધારો થવાથી, નવો વેપારી વર્ગ ઉદભવ્યો. યુરોપમાં સામંતશાહીનો અંત આવ્યો. ધર્મરક્ષક યુદ્ધોમાં ભાગ લઈને બહાદુરી બતાવવાથી કેટલાક રાજાઓ લોકપ્રિય થયા. મધ્યમ વર્ગના લોકોમાં તેમને પ્રતિષ્ઠા મળી. સામંતો નબળા પડવાથી રાજાઓની શક્તિ વધી.
આ યુદ્ધોમાં ખ્રિસ્તીઓએ માનવખુવારી માટે પોપની ઉશ્કેરણીને જવાબદાર ગણી. તેથી ખ્રિસ્તી દેવળ તથા પોપમાંથી લોકોની શ્રદ્ધા ઘટી અને પોપે લોકો તથા રાજસત્તા ઉપરનો કાબૂ ગુમાવ્યો. પરિણામે લોકોની ધર્માંધતા ઘટી અને તેઓ સ્વતંત્ર રીતે વિચારતા થયા. રાજસત્તામાં લોકોનો વિશ્વાસ પુનર્જાગ્રત થવાથી રાષ્ટ્રીય ભાવનાનો ઉદભવ થયો. ધર્મયુદ્ધોને પરિણામે પોપનું વર્ચસ નાબૂદ થતાં નવજાગૃતિ તથા ધર્મસુધારણાના આંતરપ્રવાહો ગતિશીલ બન્યા.
નવા વેપારી વર્ગે ધર્મયુદ્ધોનો લાભ લીધો. પૂર્વના દેશો સાથેના વેપારવાણિજ્યમાં વધારો થયો. ધર્મયુદ્ધોના લડવૈયાઓને લઈને જતાં વહાણો પાછાં ફરતાં ત્યારે જેરૂસલેમ, પૅલેસ્ટાઇન અને પૂર્વના પ્રદેશોમાંથી તે વહાણોમાં વેપારીઓ અનેક ચીજો સસ્તા ભાવે ખરીદી લાવતા અને યુરોપનાં બજારોમાં મોંઘા ભાવે વેચીને પુષ્કળ નફો મેળવતા. તે સાથે ધાતુઓ, ઊન, ચામડાં, કાપડ વગેરેની સારા પ્રમાણમાં યુરોપમાંથી નિકાસ કરવામાં આવતી. આ રીતે ધર્મયુદ્ધોને લીધે મધ્ય એશિયા તથા યુરોપના દેશો વચ્ચે કાયમી વેપારી સંબંધો વિકસ્યા. વહાણો બાંધવાના ઉદ્યોગનો પણ વિકાસ થયો. વેપારવાણિજ્યનો વિકાસ થવાથી જિનોઆ અને વેનિસ જેવાં વેપારનાં કેન્દ્રો સમૃદ્ધ થયાં અને નવજાગૃતિના પ્રવાહો ત્યાં શરૂ થયા. વેપારીઓની અવરજવરના કારણે કેટલાક જળ તથા જમીનમાર્ગો ખુલ્લા થયા, જેમણે ભૌગોલિક શોધખોળોની પૂર્વભૂમિકા તૈયાર કરી.
ધર્મયુદ્ધોને પરિણામે, પશ્ચિમ તથા પૂર્વના લોકો સંપર્કમાં આવ્યા. પશ્ચિમના લોકોને પોતાની પછાત સ્થિતિનો ખ્યાલ આવ્યો તથા પૂર્વની સંસ્કૃતિ ગણિતશાસ્ત્ર, તત્વજ્ઞાન, ધાતુવિદ્યા વગેરે બાબતોમાં સમૃદ્ધ હોવાની તેમને પ્રતીતિ થઈ. તેથી પશ્ચિમના વિદ્વાનો પૂર્વની આ વિદ્યાઓનો અભ્યાસ કરવા લાગ્યા. ઇસ્લામી શિક્ષણનાં કેન્દ્રોએ યુરોપિયનોને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું મહત્વ દર્શાવ્યું. પૂર્વના દેશોનાં જ્ઞાનવિજ્ઞાન પશ્ચિમના દેશોમાં પહોંચવા લાગ્યાં. કાગળ, હોકાયંત્ર તથા અન્ય નવીન ચીજવસ્તુઓ યુરોપના દેશોમાં જવા લાગી. નવજાગૃતિનાં બીજ ધર્મયુદ્ધો દ્વારા વવાયાં હતાં. પૂર્વની સંસ્કૃતિના સંપર્કને લીધે પશ્ચિમના સમાજમાં ખોરાક, પોશાક, રહેણીકરણી વગેરેમાં પરિવર્તન થયું. યુરોપના લોકો બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં રસ લેવા લાગ્યા. પૂર્વ તથા પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય થવાથી બંનેને લાભ થયો, જેણે સામાજિક તથા ધાર્મિક અંધશ્રદ્ધા દૂર કરીને નવજાગૃતિમાં મહત્વનું પ્રદાન કર્યું. એશિયા તથા આફ્રિકાના વિશાળ પ્રદેશોના સંપર્કમાં યુરોપના લોકો આવ્યા. તેનાથી યુરોપના સાહસવીરોમાં વિશાળ દુનિયા શોધી તેની સંપત્તિ મેળવવાની મહત્વાકાંક્ષા જાગ્રત થઈ.
જયકુમાર ર. શુક્લ