ધર્મપુરી : તમિળનાડુ રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા :  આ જિલ્લો 11 47´ ઉ. અ. થી 12 33´ ઉ. અ. અને 77 02´ પૂ. રે.થી 78 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 4,497.77 ચો.કિમી. જેટલો છે. જે તમિળનાડુ રાજ્યના કુલ વિસ્તારના 3.46% જેટલો થવા જાય છે. આ જિલ્લાની ઉત્તરે ક્રિશ્નનગરી જિલ્લો, પૂર્વે થિરુવન્નમલાઇ જિલ્લો, દક્ષિણે કલ્લાકુરુચી જિલ્લો અને સાલેમ જિલ્લો જ્યારે પશ્ચિમે કર્ણાટક રાજ્યનો ધર્મરાજનગર જિલ્લો સીમા રૂપે આવેલા છે.

અહીંનું ભૂપૃષ્ઠ રકાબી આકાર જેવું છે. ચોતરફ નાની ટેકરીઓ અને જંગલો આવેલાં છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ કાવેરી, ધેન પેન્નાઈ, થોપ્પીયારુ, ચિનાર, નાગાવથી, વન્નીયાર અને સનાથકુમારા છે. પાપ્પઇરીડ્ડીપટ્ટી વનિયારુ નદી ઉપરનો બંધ સૌથી મહત્ત્વનો છે. આ નદી હેઠવાસ તરફ જતાં જોનપેન્નાઈ નદી સાથે ભળી જાય છે. રામાક્કલ સરોવરનું પાણી ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. આ નદીઓના પૂરને કારણે સમતળ મેદાની ભૂમિ અહીં આવેલી છે. ઉપરોક્ત નદીઓ ખડકાળ પ્રદેશમાંથી વહેતી હોવાથી અને જમીન પ્રમાણમાં અછિદ્રાળુ હોવાથી પાણીનો સંગ્રહ જમીનમાં વધુ થઈ શકતો નથી. પરિણામે ખેતી માટે પાતાળકૂવાઓના પાણીનો આશરો લેવો પડે છે.

આ જિલ્લાની આબોહવા ઉષ્ણ કટિબંધીય ભેજવાળી કહી શકાય. શુષ્ક ઉનાળાનો સમયગાળો આ આબોહવાની વિશિષ્ટતા છે. અહીં 75% જેટલો વરસાદ સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન થાય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 36 સે. જ્યારે શિયાળામાં સરેરાશ તાપમાન 29 સે. રહે છે. વરસાદની માત્રા આશરે 900 મિમી.થી 1000 મિમી. પડે છે.

અર્થતંત્ર : અહીંની જમીન ફળદ્રૂપ છે. જેનો રંગ આછા ભૂખરાથી રાખોડી ભૂખરા વચ્ચે અને તેનું બંધારણ રેતાળથી કાંપની વચ્ચે જોવા મળે છે. કાંપની જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને જૈવિક પદાર્થની માત્રા વધુ હોય છે. આ જમીન સિંચાઈ માટે સાનુકૂળ છે, જેથી અહીં ડાંગર, ઘઉં, શેરડી, કપાસ, મકાઈ, રાગી, કઠોળની ખેતી વિશેષ લેવાય છે. વિવિધ પ્રકારની શાકભાજી અને હળદરની ખેતી થાય છે. ફળાઉ વૃક્ષોમાં નાળિયેરી અને કેરી મુખ્ય છે. આ જિલ્લામાં બાગાયતી ખેતીમાં કેરી અને નાળિયેરી છે. તમિળનાડુના કેરીના કુલ ઉત્પાદનમાં 70% કેરીનું ઉત્પાદન આ જિલ્લામાં થાય છે. કેટલાક ખેડૂતો ખજૂરની ખેતીમાં રસ લેતા થયા છે. આ જિલ્લામાં વિવિધ જાતની ડાંગરનું ઉત્પાદન થાય છે, જેમાં સોરનાવરી, કુરુવાઈ, કર, સામ્બા, થાલ્લાડી, પીસનમ, નવારાઈ, કોડઈ વગેરે છે.

આ જિલ્લો જંગલોથી સભર છે. સ્પાઇડર વેલી જે હોગેનાક્કલ પાસે આવેલી છે, જ્યાં વન્ય પ્રાણીઓનું પ્રમાણ વધુ છે. આ જિલ્લામાં સ્થળાંતર થતા હાથી માટેનો માર્ગ આવેલો છે. પરિણામે નાગરિકો અને હાથી વચ્ચે સંઘર્ષ થતો જ રહે છે. આ વિસ્તારમાં વસવાટ કરતી આદિવાસી પ્રજાની રોજીરોટી આ જંગલપેદાશો ઉપર નિર્ભર છે. શેરાવરાયન ટેકરીઓની હારમાળામાં આદિવાસી લોકો કૉફી અને ફણસનું વાવેતર કરે છે.

આ જંગલ વિસ્તારમાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય નિહાળવા શિયાળાની ઋતુમાં આવતા હોય છે. જંગલી રીંછ અને ટપકાંવાળાં હરણ મોરાપ્પુર અને હારુર જંગલ વિસ્તારમાં અધિક છે. થોપરઘાટ ધોરી માર્ગ નાની ટેકરીઓ અને જંગલમાંથી પસાર થતો હોવાથી પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે.

પશુપાલનપ્રવૃત્તિ ખેતી સાથે જ સંકળાયેલી છે. અહીં દુધાળા પશુઓનું પ્રમાણ વધુ છે. સારી ઓલાદનાં ઢોરોનું મોટું બજાર છે. કુટિરઉદ્યોગમાં હાથસાળના કાપડ બનાવવાનો ઉદ્યોગ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ જિલ્લામાંથી ઉત્તમ પ્રકારનો ગ્રૅનાઇટ પ્રાપ્ત થતો હોવાથી ખાણઉદ્યોગ પણ વિકસ્યો છે.

વસ્તી : આ જિલ્લામાં મહેસૂલી વિભાગને ધર્મપુરી અને હારુર તાલુકામાં વહેંચી નાખેલ છે. આ જિલ્લામાં કુલ સાત તાલુકા આવેલા છે. જ્યારે 10 નગરપંચાયત આવેલી છે. જિલ્લામથક ધર્મપુરી છે. અહીં સેક્સ રેશિયો 1000 પુરુષોએ 946 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 74.23% છે, જે તમિળનાડુ રાજ્યમાં સૌથી ઓછું છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 16.29% અને 4.18% છે. આશરે 17.32% શહેરી વસ્તી છે. અહીં હિન્દુઓની વસ્તી 96.42% છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી અનુક્રમે 2.54% અને 0.94% છે. 87.90% લોકો તમિળ ભાષા બોલે છે. જ્યારે તેલુગુ, કન્નડ અને ઉર્દૂ ભાષા બોલનારાઓની સંખ્યા અનુક્રમે 6.51%, 2.95% અને 2.26% છે.

ઇતિહાસ : ધર્મપુરી થાગાદૂર (Thagadur) તરીકે ઓળખાતું હતું. ‘Thagadu’ એટલે લોહઅયસ્ક, ‘ur’ એટલે સ્થળ – એમ અર્થ થાય છે. થાગાદૂરમાં ધર્મપુરી સંગમના સમયગાળામાં થયો હોવાનું મનાય છે. તે સમયે વિજયનગરનું સામ્રાજ્ય હતું. થાગાદૂર શબ્દનો ઉપયોગ આજે પણ કેટલાક લોકો કરે છે.

આશરે 8મી સદીમાં પલ્લવોનું સામ્રાજ્ય હતું. 9મી સદીમાં રાષ્ટ્રકુટાસે અધિપત્ય મેળવ્યું. 11મી સદીમાં ચૌલા વંશનું સામ્રાજ્ય આવ્યું. 18મી સદી સુધી મૈસૂર રાજ્યમાં ધર્મપુરી હતું. બ્રિટિશોના શાસનકાળમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદ્રાસ પ્રેસિડેન્સીમાં સમાવેશ કર્યો હતો. બ્રિટિશ કાયદા મુજબ ધર્મપુરીનો સમાવેશ સાલેમ જિલ્લામાં હતો. 2જી ઑક્ટોબર, 1965ના રોજ ધર્મપુરી અલગ જિલ્લો બન્યું. 2004માં ધર્મપુરી જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું જેથી ક્રિશનગરી તરીકે નવો જિલ્લો બનાવાયો.

ધર્મપુરી (શહેર) : તમિળનાડુ રાજ્યની વાયવ્ય દિશાએ ધર્મપુરી જિલ્લામાં આવેલું શહેર.

તે 11 47´ ઉ. અ. અને 12 33´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 25.32 ચો.કિમી. છે. સમુદ્રની સપાટીથી 482 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ શહેરથી ચેન્નાઈ શહેર 300 કિમી, બૅંગાલુરુ 130 કિમી, શિવકાશી, નાગરકોઈલ, તિરુનેલવેલી 300 કિમી., મૈસૂર, ચિત્તુર, તિરુપતિ, ત્રિશૂર, સાલેમ શહેરો 300 કિમી.ના અંતરે આવેલાં હોવાથી ભૌગોલિક દૃષ્ટિએ તેનું મહત્ત્વ વધુ છે.

આ શહેરની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી અને સૂકી છે. ઉનાળામાં મહત્તમ તાપમાન 38 સે., શિયાળામાં લઘુતમ તાપમાન 14 સે. જ્યારે વરસાદ સરેરાશ 910 મિમી. પડે છે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં મોટે ભાગે ઓછી ઊંચાઈનાં વૃક્ષો અને કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.

ખેત-પેદાશોની ખરીદ-વેચાણનું મુખ્ય કેન્દ્ર છે. જિલ્લાના જુદા જુદા વિભાગોમાંથી કેરીની આવક અહીં વધુ છે. ઉત્તમ પ્રકારની કેરીની નિકાસ થાય છે. આ શહેરને ‘Mango Capital of India’ કહે છે. અહીં ઉત્તમ ઓલાદનાં ઢોરોનું વેચાણ વધુ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચામડાં કમાવવાનાં કેન્દ્ર આવેલાં છે, પરિણામે ચર્મઉદ્યોગના એકમો સ્થપાયેલા છે. ઊનનાં વસ્ત્રો, હાથસાળના કાપડના એકમો, દીવાસળી બનાવવાના ઉદ્યોગો આવેલા છે. ગ્રૅનાઇટ અને કોરંડમ ખનિજની ખાણો નજીકના વિસ્તારમાં આવેલી છે.

આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44 પર આવેલું છે, જે શ્રીનગર અને કન્યાકુમારીને સાંકળે છે. બીજો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 844 પણ આ શહેરમાંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. 60 અને 60A સાથે સંકળાયેલ છે તેમજ જિલ્લામાર્ગો પણ અહીંથી પસાર થાય છે. આમ આ શહેરમાં સડક માર્ગોનું ગીચ જાળું પથરાયેલું હોવાથી તેનું મહત્ત્વ વધુ છે. ધર્મપુરીના બસસ્ટૅન્ડથી 1.6 કિમી. દૂર ધર્મપુરી રેલવેસ્ટેશન આવેલું છે. આ રેલવેસ્ટેશન દક્ષિણ-પશ્ચિમ રેલવિભાગમાં હતું. હવે તેનો બૅંગાલુરુ રેલવે વિભાગમાં સમાવેશ કરાયો છે. બૅંગાલુરુ-ચેન્નાઈના માર્ગ ઉપર ધર્મપુરી રેલવેનું મહત્ત્વનું જંકશન છે. આ શહેર દક્ષિણ ભારતનાં મહત્ત્વનાં રેલવેજંકશનો સાથે સંકળાયેલ છે. આ શહેરની નજીકનું હવાઈ મથક સાલેમ છે. જેનું અંતર 45 કિમી. છે. બૅંગાલુરુ પાસે આવેલું કેમ્પાગોવડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે 155 કિમી. દૂર છે.

આ શહેરમાં હિન્દુઓની વસ્તી 89%, મુસ્લિમોની 9.65%, ક્રિશ્ચિયનોની 0.99%  તે સિવાય શીખ, બૌદ્ધ, જૈન અને સ્થાનિક ધર્મના લોકો વસે છે. આ શહેરમાં સેક્સ રેશિયો 1000 પુરુષોએ 1013 મહિલાઓ છે. પછાત જાતિ અને આદિવાસીઓનું પ્રમાણ અનુક્રમે 6.92% અને 0.14% છે. ખેતી સાથે સંકળાયેલા મજૂરોની સંખ્યા આશરે 27,000 છે, જેઓ જુદા જુદા વ્યવસાયોમાં રોકાયેલા છે. સાક્ષરતાનું પ્રમાણ 77.08% છે.

ગિરીશ ચં. ભટ્ટ

નીતિન કોઠારી