ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કરી ધર્મનાથ તરીકે જન્મ્યા હતા.
વૈશાખ સુદ સાતમને દિવસે રત્નપુરના રાજા ભાનુ અને રાણી સુવ્રતાને ત્યાં ધર્મનાથ ગર્ભસ્થ થયા. ગર્ભસ્થ થયા પછી રાજા અને રાણીનો ધર્મ તરફ પ્રેમ વધવાથી તથા માતા રાણી સુવ્રતાને ધર્મસાધનાનું દોહદ થવાથી તેમનું નામ ધર્મનાથ પડ્યું. આખ્યાયિકા મુજબ માતા સુવ્રતાને તીર્થંકરનો જન્મ સૂચવનારાં ચૌદ સ્વપ્નો દેખાયાં. મહા સુદ ત્રીજને દિવસે થયેલા ધર્મનાથના જન્મનો ઉત્સવ પિતા રાજા ભાનુએ ધામધૂમથી યોજ્યો. યુવાન થયા પછી ધર્મનાથે રાજકુમારી સાથે લગ્ન કર્યું. અઢી લાખ વર્ષ પછી પિતાની આજ્ઞાથી રાજા બની પાંચ લાખ વર્ષ સુધી રાજ્ય કરી પુત્રને ગાદી સોંપી લોકાન્તિક દેવોની વિનંતીથી ધર્મનાથે દીક્ષા ગ્રહણ કરી. એક વર્ષ સુધી દાન આપી એક હજાર રાજાઓ સાથે મહા સુદ તેરસને દિવસે તેમણે દીક્ષા લીધેલી.
દીક્ષા લીધા પછી બે દિવસના ઉપવાસનાં પારણાં સૌમનસ નગરના રાજા ધર્મસિંહને ત્યાં કર્યાં. દેવોએ તે સ્થળે પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. બે વર્ષની કઠિન સાધના પછી પોષ સુદ પૂનમને દિવસે દધિપર્ણ વૃક્ષની નીચે ધ્યાન કરી કેવલજ્ઞાન મેળવ્યું. કેવલી બન્યા પછી લગભગ અઢી લાખ વર્ષો સુધી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થંકર બન્યા. તેમના સંઘમાં અરિષ્ટ વગેરે 43 ગણધરો, 64 હજાર સાધુઓ, 62 હજાર 4 સો સાધ્વીઓ, 2 લાખ 44 હજાર શ્રાવકો અને 4 લાખ 13 હજાર શ્રાવિકાઓનો સમાવેશ થાય છે. તેમના મુખ્ય શિષ્યો વાસુદેવ પુરુષસિંહ અને બલદેવ સુદર્શન હતા.
અંતે, આઠ મુનિઓ સાથે સમેતશિખર જઈ એક માસના ઉપવાસ કરી જેઠ સુદ પાંચમને દિવસે પુષ્ય નક્ષત્રમાં તમામ કર્મો ક્ષય કરી દસ લાખ વર્ષના આયુષ્યને ભોગવી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ધર્મનાથ નિર્વાણ પામ્યા.
રૂપેન્દ્રકુમાર પગારિયા