ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે બતાવ્યો. સમય જતાં મૃત્યુ પામેલાના રખેવાળનું સ્થાન તેઓ ભોગવે છે. ન્યાય આપનાર ધર્મરાજ તરીકે તેઓ ઓળખાય છે. સંસ્કૃત ગ્રંથો યમની મૂર્તિનું વર્ણન કરતાં કહે છે કે યમ શ્યામ વર્ણના (ઘનશ્યામ જેવા); તેમને બે હાથ, ધૂમ્રવર્ણી આંખો અને તીક્ષ્ણ દાંત હોય છે. તેઓ મુકુટ અને બીજા દાગીનાઓથી શોભે છે. રાતાં પુષ્પની માળા ધારણ કરે છે. લાલ ચંદનનું માર્જન કરે છે. રાતાં વસ્ત્રો પહેરે છે. સિંહાસન ઉપર અથવા મહિષ ઉપર બિરાજે છે. તેમના હાથમાં ખડ્ગ અને ખેટક અથવા ફળ અને કુમળાં પર્ણો અથવા દંડ અને પાશ હોય છે. યમને બે કૂતરા હોય છે. દરેકને ચાર આંખો અને પહોળાં નસકોરાં હોય છે, જે મૃત્યુના છેલ્લા નિવાસ સુધીના રસ્તાનું રક્ષણ કરે છે. યમની બે બાજુએ ચામરધારિણી (સ્ત્રીઓ) હોય છે. યમની આગળની બાજુએ બે બ્રાહ્મણો નામે ધર્મ અને અધર્મ તથા દરવાજા પાસે ચિત્રગુપ્ત અને કાલીમાતા રાતાં વસ્ત્રો પહેરીને ઊભેલાં હોય છે. યમ દેવો, અસુરો, અને પાપીઓથી વીંટળાયેલા હોય છે. આ બધા યમની પૂજા કરે છે. યમની બે બાજુએ મૃત્યુ અને સંહિતા તેમનાં વિકરાળ મુખો સાથે હોય છે. તેમનો વર્ણ અનુક્રમે વાદળી અને રાતો હોય છે. વિષ્ણુધર્મોત્તર(અ. 51)પુરાણમાં યમનાં વસ્ત્રોનો વર્ણ સોનેરી પીળો બતાવ્યો છે. તેમના ખોળાની ડાબી બાજુએ તેમની પત્ની ધૂમોર્ણા છે. તેના ચહેરાનો વર્ણ નીલોત્પલ પુષ્પ જેવો છે. યમને ચાર હાથ હોય છે. તેમની પત્નીને બે હાથ હોય છે. યમના જમણા હાથમાં દંડ અને ખડ્ગ તેમજ ડાબા હાથમાં જ્વાલાયુક્ત ત્રિશૂલ અને અક્ષમાલા હોય છે. ધૂમોર્ણાનો જમણો હાથ યમની કમરે વીંટળાયેલો હોય છે, જ્યારે ડાબા હાથમાં બિજોરું હોય છે. તેની જમણી બાજુએ પાશ્ચાત્યવેશધારી (ઊલટો વેશ ધારણ કરેલ) ચિત્રગુપ્ત ઊભેલા છે. તે દેખાવે સુંદર છે. તેમના જમણા હાથમાં કલમ અને ડાબા હાથમાં ભૂર્જપત્ર હોય છે, જેમાં માનવીઓનાં કૃત્યો નોંધાય છે. યમની ડાબી બાજુએ દેખાવમાં ભયંકર કાલ હોય છે. તેના હાથમાં પાશ હોય છે. તે દક્ષિણ દિશાનો અધિપતિ હોવાને કારણે તે દિશા યામ્યા પણ કહેવાય છે.
જૈન સંપ્રદાયમાં દિક્પાલોમાં યમનું સ્થાન છે. ત્યાં તે સૂર્યપુત્ર તરીકે ઓળખાય છે. તેમની બહેનનું નામ યમી છે.
દિક્પાલોની સ્વતંત્ર પૂજા ભાગ્યે જ થતી હોવાથી તેમનાં સ્વતંત્ર મંદિરો મળતાં નથી. તેમની ઉપાસના કર્મકાંડના જુદા જુદા પ્રયોગોમાં થતી હોવાનું જણાય છે. યમરાજનું પૂજન કેટલીક શ્રાદ્ધપ્રક્રિયાઓમાં કરવા માટેના પ્રયોગો છે. કાર્તિક સુદ બીજ જે યમદ્વિતીયા કહેવાય છે, તે દિવસે યમરાજનું પૂજન કરવાનું વ્રતોના ગ્રંથોમાં નોંધ્યું છે. પૂર્વકાળમાં યમરાજનાં મંદિરો હશે એમ માનવાનું કારણ છે. ‘મુદ્રારાક્ષસ’માં તે સંબંધી નોંધ છે. તે પરંપરા ગુજરાતમાં ઊતરી હોવાનું ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય ઉપરથી જણાય છે. યમયમીનો સંવાદ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેમના વિશે અનેક આખ્યાયિકાઓ જાણીતી છે.
પ્રિયબાળાબહેન શાહ