ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો સંકલ્પ કર્યો. પહેલાં અફઘાનિસ્તાન તરફ પ્રયાણ કરી કપિશા ગયા. ત્યાંથી મધ્ય એશિયાને રસ્તે કાશગર પહોંચ્યા. ત્યાં બે વર્ષ અને ત્યારબાદ કુચીમાં પણ બે વર્ષ ગાળ્યાં. કુચીથી અગ્નિદેશ, તુરફાન, હામી વગેરે માર્ગમાં આવતાં બૌદ્ધ કેન્દ્રોની મુલાકાત લઈ તાત્વિક ચર્ચાઓ કરતા કરતા છેવટે ઈ. સ. 590માં ચીનમાં ચેં ગેન પહોંચ્યા. ત્યાંના રાજાએ લોયાંગમાં રાજધાની બદલી હોઈ તે ધર્મગુપ્તને પણ પોતાની સાથે લઈ ગયો. ત્યાં રહી તેમણે ચીની ભાષામાં અનેક મહત્વના પાલિ ગ્રંથોના અનુવાદ કર્યા અને એ રીતે ચીનમાં બૌદ્ધ સાહિત્યની પરંપરાને સજીવન રાખવામાં ફાળો આપ્યો. ત્યાં તેઓ ઈ. સ. 619માં નિર્વાણ પામ્યા. ધર્મગુપ્તે પોતાના ચીનના પ્રવાસ દરમિયાન માર્ગમાં જે જે દેશોની મુલાકાત લીધેલી તે વિશે વિસ્તૃત ગ્રંથ લખેલો. તેમાં પેદાશ, હવાપાણી, મકાનો અને લોકોની રહેણીકરણી. રાજતંત્ર, રીતરિવાજો, ખાનપાન, પોશાક, શિક્ષણ, સંપત્તિ અને વેપાર તેમજ પર્વતો, નદીઓ, રાજ્યો, નગરો, પ્રસિદ્ધ વ્યક્તિઓ એમ 10 ખંડ હતા. હાલમાં આ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ તે ઉપલબ્ધ થયે મધ્ય એશિયાના એ દેશો વિશે વિપુલ માહિતી ઉપલબ્ધ થવાનો સંભવ છે.

પ્રવીણચંદ્ર પરીખ