ધમ્મોવએસમાલાવિવરણ

March, 2016

ધમ્મોવએસમાલાવિવરણ : જૈન સિદ્ધાંતગ્રંથ ‘ધર્મોપદેશમાલા’ પરનું ‘વિવરણ’. તેના લેખક કૃષ્ણમુનિશિષ્ય જયસિંહસૂરિ છે. આ ગદ્યપદ્યાત્મક પ્રકરણગ્રંથ પં. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધી દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રંથમાળામાં અઠ્ઠાવીસમા મણકા રૂપે મુંબઈથી 1949માં પ્રકાશિત થયો હતો. ધર્મદાસગણી(ચોથાથી છઠ્ઠા શતક)ની પ્રાકૃત ‘ઉપદેશમાલા’ના અનુકરણમાં રચાયેલા પ્રકરણગ્રંથોમાં મહત્વના આ ગ્રંથમાં પ્રાથમિક કક્ષાનાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને નિયમિત ભણવા માટેનાં દાન-શીલ-તપ-ભાવ વગેરે વિશે સામાન્ય ઉપદેશો છે. મૂળ ‘ઉપદેશમાલા’માં 541 ગાથામાં 70 કથાઓ હતી, જ્યારે આ 859માં રચાયેલ સૂચનાત્મક સંક્ષિપ્ત ગ્રંથમાં 98 ગાથાઓમાં 156 કથાઓની ગૂંથણી છે. ‘ઉપદેશમાલા’ ઉપર 857માં પોતે રચેલ વિસ્તૃત વિવરણનો ઉલ્લેખ વારંવાર આ ‘વિવરણ’માં કર્યો છે, અને તેમાં દર્શાવેલી કથાઓની પુનરુક્તિ નિવારી છે. આમાં તીર્થંકરોથી શરૂ કરી રાજાઓ, મંત્રીઓ તથા શ્રેષ્ઠીઓનાં ચરિતો મૂક્યાં છે. દાનના ફળ માટે ધન સાર્થવાહની કથા કહી છે, શીલ માટે રાજીમતીની. રાજીમતીના આખ્યાનમાં સ્ત્રીનિંદા છતાં તીર્થંકરોએ ભોગ ભોગવ્યા પછી જ સંસાર ત્યજેલો તેવી સ્પષ્ટતા કરી છે. રાજીમતીને પર્વતગુફામાં નિર્વસ્ત્ર જોઈને ભોગ માટે બોલાવતા રથનેમિને ધર્મોપદેશ આપવામાં આવ્યો છે. યથાર્થવાદના કથનમાં કાલકાચાર્યની કથા મૂકી છે. પુષ્પચૂલાની કથામાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-પૈશાચી-માગધી-મધ્યોત્તર-બહિરુત્તર-એકાલાપ-ગતપ્રત્યાગત પ્રશ્નોત્તરોનો ઉલ્લેખ છે. દ્વિજતનયની કથામાંથી લાટદેશમાં મામાની દીકરી સાથે, ઉત્તરમાં સાવકી મા સાથે અને કોઈક સ્થળે વળી ભાભી સાથે વિવાહ ઉચિત ગણાતા એવું સમજાય છે. વળી દેશો, મંદિરો, નદીઓ, સરોવરોનાં પ્રાકૃતિક ર્દશ્યોનાં વર્ણનો તેમજ પ્રેમપત્રિકા, પ્રશ્નોત્તર, પાદપૂર્તિ, વક્રોક્તિ, વ્યાજોક્તિ, ગૂઢોક્તિ વગેરેનાં ઉદાહરણો પણ છે.

આમાં કાદંબરી જેવી અલંકૃત શૈલી છે. વળી 275 જેટલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ઉદ્ધૃત કર્યાં છે. ‘મરહટ્ટય ભાસા’ મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષાને સુલલિત પદસંચારિણી હોવાથી અટવી તથા કામિની જેવી સુંદર કહી છે.

કેટલાક વિશિષ્ટ દેશી શબ્દપ્રયોગો નોંધવા જેવા છે; દા. ત., ‘ઝોજ્ઝ’ (યુદ્ધ), ‘કયવર’ (કચરો), ‘જોહાર’ (જુહાર), ‘પુટ્ટાલિયા’ (પોટલી). ગુજરાત માટે ‘ગુજ્જરત્તા’ શબ્દનો પ્રયોગ આ નવમા શતકના જૈન ગ્રંથમાં થયો છે.

મલધારી હેમચન્દ્રસૂરિના પટ્ટધર વિજયસિંહસૂરિએ સિદ્ધરાજના સમયમાં 1135માં 14471 શ્લોકનું બીજું વધારે વિસ્તૃત ‘વિવરણ’ રચ્યું છે, જેમાં આ પ્રથમ ‘વિવરણ’નાં જ કથાનકોને વિસ્તાર્યાં છે, જોકે વિજયસિંહસૂરિનો નામનિર્દેશ કર્યો નથી.

મદનચન્દ્રસૂરિશિષ્ય મુનિદેવે 1269માં ‘ધર્મોપદેશમાલા’ ઉપર વૃત્તિ રચી છે અને તેમાં આ ‘વિવરણ’નો ઉપયોગ છૂટથી કર્યો છે.

જયન્ત પ્રે. ઠાકર