ધરણીવરાહ

March, 2016

ધરણીવરાહ (ઈ. સ. દસમી સદી) : ગુજરાતના ઇતિહાસમાં ધરણીવરાહ નામના બે રાજાઓની વિગતો મળે છે. એક વઢવાણના ચાપ વંશમાં અને બીજો આબુ-ચંદ્રાવતીના પરમાર વંશમાં. વઢવાણના દાનશાસન(ઈ. સ. 914)માં ધરણીવરાહ ચાપ (ચાવડા) વંશનો રાજા હોવાનું જણાવ્યું છે.

નવમી સદીના પૂર્વાર્ધમાં વઢવાણમાં ચાપ કુલનો એક રાજવંશ સત્તારૂઢ થયો. એ વંશની ઉત્પત્તિ શિવના ચાપ(ધનુષ)માંથી ઉત્પન્ન થયેલા ચાપ નામે નૃપમાંથી થઈ હોવાની માન્યતા છે. આ વંશનો પહેલો રાજા વિક્રમાર્ક છે. એણે આશરે ઈ. સ. 805થી 830 સુધી રાજ કર્યું. એના પછી એનો પુત્ર અડ્ડક ગાદીએ બેઠો. અડ્ડકનો રાજ્યકાલ લગભગ ઈ. સ. 830થી 855નો મનાય છે. તેના પુત્ર પુલકેશીએ 855થી 880 સુધી રાજ્ય કર્યું. એનો પુત્ર ધ્રુવભટ (આશરે 880થી 895) ધાર્મિક વૃત્તિનો હતો.

ધ્રુવભટ પછી એનો અનુજ ધરણીવરાહ ગાદીએ બેઠો. એ દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજા અવનિવર્મા બીજાથી હાર્યો હતો એવો ઉલ્લેખ ઊના દાનશાસન(ઈ. સ. 900)માં આવે છે. ધરણીવરાહે ઈ. સ. 914માં વઢવાણમાંથી મહેશ્વરાચાર્ય નામે શૈવ-આમર્દક-આચાર્યને એક ગામ દાનમાં આપેલું. રાજા ધરણીવરાહની જેમ એના પૂર્વાધિકારીએ પણ આ સમયે પ્રતિહાર નરેશનું આધિપત્ય સ્વીકાર્યું લાગે છે. ધરણીવરાહના ઈ. સ. 914ના દાનશાસનમાં રાજાધિરાજ પરમેશ્વર શ્રીમહીપાલદેવના આધિપત્યનો નિર્દેશ કર્યો છે.

ધરણીવરાહ ‘મહાસામંતાધિપતિ’ કહેવાતો. તેના દાનશાસનના લખાણ પરથી એ ‘પરમમાહેશ્વર’ હોવાનું જણાય છે. એની પ્રશસ્તિમાં એનાં દાન, શૌર્ય અને સૌંદર્યની પ્રશંસા કરવામાં આવી છે. વઢવાણમાં ચાપોનું ખંડિયા રાજ્ય હતું. આ ચાપ વંશનો ઈ. સ. 914 પછીનો વૃત્તાંત ઉપલબ્ધ નથી.

આબુ-ચંદ્રાવતીમાં પરમાર વંશમાં ધરણીવરાહ નામે રાજા થયો. ધરણીવરાહનો જાણવામાં આવેલો પૂર્વજ સિંધુરાજ હતો, જેના ઉત્તરાધિકારી તરીકે ઉત્પલરાજ, એના પછી એનો પુત્ર અરણ્યરાજ, એનો કૃષ્ણરાજ અને એનો ધરણીવરાહ. મૂલરાજે ઈ. સ. 997 પૂર્વે ધરણીવરાહનો પરાભવ કરતાં એ હસ્તિકુંડી-મારવાડના રાષ્ટ્રકૂટ રાજા ધવલને શરણે ગયો હતો. પાછળથી ધરણીવરાહે મૂલરાજનું સામંતપદ સ્વીકારતાં એને એનું રાજ્ય પાછું સોંપવામાં આવ્યું હતું. ધરણીવરાહ પછી એનો પુત્ર ધંધુક ગાદીએ આવ્યો. આ બંને પાટણના રાજવંશના સામંત હતા. આબુમાં આ વંશની સત્તા ઈ. સ. 1311 સુધી રહી હોવાનું જણાય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા