ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ

March, 2016

ધમ્મસંગહ અથવા સદ્ધમ્મસંગહ : પાલિ ભાષામાં લખાયેલો શાસ્ત્ર-બાહ્ય બૌદ્ધ ગ્રંથ. રાજા પરાક્રમબાહુ(1240 થી 1275)ના સમકાલીન, શ્રીલંકાના થેર ધમ્મકિત્તિ(ધર્મકીર્તિ)એ લંકારામવિહારમાં તે રચેલો. શ્રીલંકાના નેદિમાલે સદ્ધાનંદ દ્વારા સંપાદિત રોમન લિપિમાં પાલિ ટેક્સ્ટ સોસાયટીના ત્રૈમાસિકમાં લંડનથી 1890માં પ્રકાશિત કરેલ. 1941માં ડૉ. બિમલ શરણ લૉનો અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો. 11 પ્રકરણમાં વિભાજિત આ સંગ્રહગ્રંથમાં બૌદ્ધ ધાર્મિક-સાહિત્યિક ઇતિહાસની રૂપરેખા અંકાઈ છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મે ભજવેલ ભાગનો ઐતિહાસિક અહેવાલ આમાં મળે છે. ભારત તેમજ શ્રીલંકાના બૌદ્ધ રાજાઓના સિલસિલાબંધ ઇતિહાસની સામગ્રી તેમાં ભરેલી છે. ધર્મગ્રંથોને વ્યવસ્થિત કરવા મળેલી બધી સંગીતિઓની માહિતી તેમાં છે. ભારતમાં મળેલી પ્રથમ ત્રણ સંગીતિઓની આમાં રહેલી વિગત બુદ્ધઘોષ તથા બીજાઓના અહેવાલથી કંઈક જુદી પડે છે.

અશોકકાળની ત્રીજી સંગીતિ પછી થેર મોગ્ગલિપુત્ત તિસ્સે જુદા જુદા દેશોમાં થેરોને ધર્મપ્રચારાર્થે મોકલેલા તેની માહિતી પણ અહીં છે. થેર મજ્ઝન્તિકને કાશ્મીર-ગાન્ધાર મોકલેલા. મહિસમંડલમાં થેર મહાદેવને, વનવાસીમાં થેર રખ્ખિતને, અપરાન્તકમાં થેર ધમ્મરખ્ખિતને, મહારમાં થેર મહાધમ્મરખ્ખિતને, યોનદેશમાં થેર મહારખ્ખિતને, હિમાલયપ્રદેશમાં મજ્ઝિમ થેરને અને સોનક તથા ઉત્તરને સુવણ્ણભૂમિમાં મોકલ્યા. અશોકપુત્ર થેર મહિન્દ (મહેન્દ્ર) શ્રીલંકામાં ગયા અને રાજા દેવાનમ્પિય તિસ્સે 40,000 માણસો સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. મહેન્દ્રની બહેન થેરી સંઘમિત્તા(સંઘમિત્રા)એ  રાણી અનૂલા તથા તેની સખીઓને દીક્ષા આપી. આ રીતે પહેલી વાર ભિખ્ખુણીઓનો સંઘ સ્થપાયો.

સાતમા પ્રકરણમાં ત્રિપિટક આદિને સિંહાલીમાંથી પાલિમાં ઉતારનાર બુદ્ધઘોષની કથા છે. નવમામાં થેરોએ સંકલિત કરેલા ‘વિસુદ્ધિમગ્ગ’ વગેરે 30 ગ્રંથો અને તેના રચયિતાઓ તથા ટીકાકારોનાં નામ આપ્યાં છે. દસમામાં ‘બુદ્ધવચન’ તરીકે ઉતારેલી ગાથાઓનો મૂળ સ્રોત મળી શક્યો નથી. પુષ્પિકારૂપ અંતિમ સાત ગાથાઓમાં ધર્મકીર્તિની પ્રશસ્તિ છે.

ભાષા સરળ અને સુરુચિપૂર્ણ છે. પાઠ્યપુસ્તકકક્ષાના આ પુસ્તકમાં ગદ્ય-પદ્ય બંને છે. ગદ્ય બહુધા પદ્યની સમજૂતીરૂપ છે. ‘દીપવંસ’, ‘મહાવંસ’, ‘અટ્ઠકથા’ આદિમાંથી તેનું વસ્તુ લીધું છે ત્યાં તે ગ્રંથોનો ‘પોરાણા’ શબ્દથી જ નિર્દેશ કર્યો છે.

‘ધમ્મસંગહ’ વિશેષ ઉલ્લેખનીય બૌદ્ધ ગ્રંથોમાં સ્થાન પામેલો છે.

જયન્ત પ્રે. ઠાકર