ધમ્મપાલ

March, 2016

ધમ્મપાલ (પાંચમું શતક) : બૌદ્ધ અને પાલિ શાસ્ત્રગ્રંથોના મહાન ટીકાકાર – અકથાકાર. જન્મ તમિળ દેશના કાંચીપુરમમાં. શિક્ષણ શ્રીલંકાના અનુરાધાપુરમા. તમિળ દેશના બદરિતિત્થવિહારમાં રહેતા હતા. બુદ્ધઘોષે બૌદ્ધ શાસ્ત્રગ્રંથો ઉપર પ્રસિદ્ધ ટીકાઓ – અટ્ઠકથાઓ રચી છે, તેમાં ‘ખુદ્દકનિકાય’ના સાત ગ્રંથો બાકી હતા. તેમના પછી તરત જ થયેલ ધમ્મપાલે તેના ઉપર ટીકા લખી તેમનું અધૂરું કામ પૂર્ણ કર્યું. એ સાતેની ટીકાનું સંયુક્ત નામ ‘પરમત્થદીપની’ રાખ્યું.

ધમ્મપાલના ગ્રંથો : (1) ‘ઉદાન અટ્ઠકથા’ કે ‘ઉદાન-પરમત્થદીપની’, (2) ‘ઇતિવુત્તક-અટ્ઠકથા’, (3) ‘નેત્તિપકરણ-અટ્ઠકથા’, (4) ‘ચરિયાપિટક-અટ્ઠકથા’, (5) ‘થેરગાથા-અકથા’, (6) ‘થેરીગાથા-અટ્ઠકથા’, (7) ‘વિમાનવત્થુ-અટ્ઠકથા’ કે ‘વિમલવિલાસિની’, (8) ‘પેતવત્થુ-અકથા’, (9) ચાર નિકાયોની અકથાઓ ઉપરની ટીકા ‘લીનત્થપકાસિની’, (10) બુદ્ધઘોષકૃત ‘વિસુદ્ધિમત્ર્ત્ર’ની ટીકા ‘પરમત્થમંજૂષા’, (11) ‘જાતક-અટ્ઠકથા’ની ટીકા ‘લીનત્થપકાસિની’, (12) ‘નેત્તિત્થ-કથાપટીકા’ અને (13) ‘લીનત્થવણ્ણના’.

‘વિમાનવત્થુટીકા’માં કર્માનુસાર મળતાં સ્વર્ગો-નરકોના આલેખનવાળી 68 કથાઓ છે. ‘પેતવત્થુટીકા’માં પ્રેતો વિશેની 45 કથાઓ છે. માઠાં કર્મથી પેત-પેતી થવાય; પોતે સત્કર્મ કરે કે બીજું કોઈ તેને માટે સત્કર્મ કરે ત્યારે તે યોનિમાંથી છૂટી શકાય. ‘નેત્તિપકરણ’નો અર્થ ‘ધર્મના જ્ઞાન તરફ લઈ જનારની વિગત’ એવો આપ્યો છે. ‘વિમાનવત્થુ’ની ટીકામાંની કેટલીક કથાઓ તો મૂળ ગ્રંથની કથાઓ કરતાંયે વધારે મહત્વપૂર્ણ બની ગઈ છે. ‘પેત્તવત્થુ’માંના રાજા પિંગળક બુદ્ધનિર્વાણનાં 200 વર્ષ પછી સૂરતમાં રાજ્ય કરતા હતા એવું ધમ્મપાલે નોંધ્યું છે. એ જ રીતે ‘થેરગાથાટીકા’માં ઉલ્લેખિત પ્રાચીન સ્થળોમાં ભરુકચ્છ (ભરૂચ) પણ છે. આ ટીકાઓ સિંહાલી ગ્રંથો પર આધારિત છે.

ટીકાઓમાં ચોક્કસ પદ્ધતિ છે. પ્રસ્તાવનામાં બધી કૃતિઓ એકત્રિત થવાનો પારંપરિક અહેવાલ છે. પછી દરેક કાવ્ય કેવી રીતે ક્યારે કોણે રચ્યું તે દર્શાવ્યું છે. છેવટે વાક્યેવાક્યની ભાષાકીય તથા વ્યુત્પત્તિદર્શક વિવેચના છે. પાલિ વ્યાકરણના અભાવે પાણિનિનો જ આધાર લીધો છે.

બધા ગ્રંથો માહિતીસભર હોઈ ધાર્મિક તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે.

જયન્ત પ્રે. ઠાકર