ધમ્મપરિકખા (988) : મેવાડના ધક્કડવંશીય ગોવર્ધનના પુત્ર, સિદ્ધસેનશિષ્ય હરિષેણે અચલપુરમાં રહીને અપભ્રંશ ભાષામાં રચેલો ગ્રંથ. તેની બે હસ્તપ્રતો જૈનોના આમેર શાસ્ત્રભંડારમાં સચવાઈ છે. તેના 11 સન્ધિમાંના 10મામાં સૌથી ઓછાં 17 કડવક અને 11મામાં સૌથી વધારે 27 કડવક છે. દરેક સન્ધિના અંતિમ ધત્તામાં તથા દરેકની પુષ્પિકામાં કર્તાનું નામ આવે છે. બ્રાહ્મણ ધર્મને ઉતારી પાડીને જૈન ધર્મમાં લોકોની આસ્થા-શ્રદ્ધા વધારવાના હેતુથી જ આ કૃતિ રચાઈ લાગે છે. રામાયણ-મહાભારતની તથા બીજી પૌરાણિક કથાઓ રજૂ કરી તે કેવી ખોટી છે તેવું વ્યંગ્ય દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા સન્ધિઓમાં આ જ વાત છે. ચોથામાં અવતારવાદ ઉપર સખત વ્યંગ્ય કર્યો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત ઉદ્ધરણો પણ મૂક્યાં છે. ગ્રંથમાં ધાર્મિક તત્વની પ્રધાનતા હોવાથી કવિત્વ વિશેષ પ્રસ્ફુટિત થઈ શક્યું નથી. ભાષા સરળ છે. અનુરણનાત્મક શબ્દો અનેક સ્થળે પ્રયોજાયા છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને વિરોધાભાસ જેવા અલંકારો પણ યોજાયા છે. માત્રામેળ તથા અક્ષરમેળ – એમ બંને પ્રકારના છંદોનો પ્રયોગ કરાયો છે. માત્રામેળ વધારે છે. ‘પદ્ધડિયા’ છંદ સૌથી વધારે યોજાયો છે.
હરિભદ્રસૂરિ(આઠમું શતક)ના પ્રાકૃત ‘ધૂર્તાખ્યાન’ને આધારે થયેલી રચનાઓમાં જયરામકૃત પ્રાકૃત ‘ધમ્મપરિકખા’ તથા હરિષેણની ‘ધમ્મપરિકખા’ મુખ્ય છે. જયરામની કૃતિનો હરિષેણે પોતાના આધાર તરીકે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. દિગંબર આચાર્ય અમિતગતિએ 1014માં બે માસમાં રચેલી સંસ્કૃત ‘ધર્મપરીક્ષા’નો આધાર આ જ છે. બંનેમાં કથાઓ, વર્ણનો, પદ્યો, વાક્યો સમાન છે, પાત્રોનાં નામ પણ તે જ છે.
આ જ નામની બીજી એક પ્રાકૃત કૃતિ છે. તે ઉપાધ્યાય યશોવિજયજી(અ. 1686)એ રચેલી છે. તેમાં ધર્મનું લક્ષણ, જૈનેતર મતોનું ખંડન, સૂત્રભાષકના ગુણો, કેવલી વિશેના પ્રશ્નો, સદગુરુ, અધ્યાત્મધ્યાનની સ્તુતિ ઇત્યાદિ વિષયોનું સરસ અને વિશદ વિવેચન કરેલું છે. આ ‘ધમ્મપરિક્ખા’ હેમચન્દ્રાચાર્ય સભાના જગજીવનદાસ ઉત્તમચન્દ્ર દ્વારા અમદાવાદથી 1922માં પ્રકાશિત થઈ છે.
આ રીતે બે પ્રાકૃત ભાષામાં અને એક અપભ્રંશમાં – એમ ત્રણ અલગ અલગ ‘ધમ્મપરિકખા’ નામના જૈન ગ્રંથો છે.
જયન્ત પ્રે. ઠાકર