ધમનીકાઠિન્ય, મેદજન્ય (atherosclerosis) : મધ્યમ કે મોટા કદની સ્નાયુઓવાળી અને સ્થિતિસ્થાપક ધમનીઓમાં થતો ચરબીવાળા જાડા અને કઠણ વિસ્તારવાળો વિકાર. તે ધમનીને બંધ કરી દઈને હૃદય-રોગનો હુમલો કે લકવો કરે છે. તેને કારણે વિકસિત દેશોમાં તે મૃત્યુનું પ્રથમ કારણ ગણાય છે.
કોઈ પણ કદની ધમની જ્યારે કોઈ પણ વિકારને કારણે જાડી અને કઠણ બને ત્યારે તેને ધમનીકાઠિન્ય (arteriosclerosis)
કહે છે. તેનાં વિવિધ કારણો છે; જેમ કે, મૉન્કબર્ગનું પૃથક્સ્થાની કૅલ્શીકૃત (focal calcified) ધમનીકાઠિન્ય, ધમનિકાકાઠિન્ય (arteriolosclerosis) તથા મેદજન્ય ધમનીકાઠિન્ય. જ્યારે ધમનીની અંદરની દીવાલ પર ચરબી જામે અને તેથી વિકારગ્રસ્ત દોષવિસ્તાર (lesion) થાય ત્યારે તેને મેદજન્ય ધમનીકાઠિન્ય અથવા ધમનીનું મેદકાઠિન્ય કહે છે. તેમાં ધમનીની અંદરની દીવાલ પર મેદકાઠિન્યની ચકતીઓ (atheroma) બને છે. જ્યારે આવા વિસ્તારો વધુ પ્રમાણમાં અને મોટા કદના બને ત્યારે ક્યારેક તે ધમનીને બંધ કરી દે છે. તેના પરિણામ રૂપે ક્યારેક હૃદયરોગનો હુમલો, લકવો કે આંગળીઓનો પેશીનાશ અથવા કોથ(gangrene) થાય છે. ક્યારેક અચાનક મૃત્યુ પણ નીપજે છે.
સામાન્ય ધમની : સામાન્ય ધમની પોલી સ્નાયુઓવાળી સ્થિતિસ્થાપક નળી છે. તેની દીવાલમાં 3 પડ અથવા સ્તર આવેલાં છે. સૌથી અંદરનું પડ અંતછદ(endothelium)નું બનેલું છે. તેને અંત:સ્તરિકા (intima) કહે છે. તેની બહાર વચલું પડ આવેલું છે. તે અરૈખિક સ્નાયુતંતુઓનું બનેલું હોય છે. તેને મધ્યસ્તરિકા (media) કહે છે. સૌથી બહાર તંતુઓ, તંતુબીજકોષો (fibroblasts) તથા અરૈખિક સ્નાયુતંતુઓનું અને ઢીલી (loose) પેશીનું બનેલું આવરણ હોય છે. તેને અધિસ્તરિકા (adventitia) કહે છે. સ્નાયુકોષો સંકોચન પામીને ધમનીની અંદરનું દબાણ જાળવી રાખે છે. તેથી હૃદયના સંકોચન તથા વિકોચનના સમયે લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે છે. સ્નાયુકોષોના સંકોચનથી ધમનીદીવાલમાં જે દબાણ ઉત્પન્ન થાય છે તેને ધમની-સ્નાયુ સજ્જતા (arterial tonus) કહે છે. ધમનીની અંત:સ્તરિકા લોહી અને ધમનીની દીવાલ વચ્ચેની આંતરસપાટી (interface) તરીકે કાર્ય કરે છે. આ આંતરસપાટી પર મેદ જામે છે, જેથી તેમાં મેદજન્ય ધમનીકાઠિન્ય થાય છે. મેદજન્ય ધમનીકાઠિન્યના ઉદભવમાં લોહીના ગંઠનકોષો (platelets), એકકેન્દ્રી કોષો (monocytes) તથા લસિકાકોષો (lymphocytes) ભાગ લે છે.
મેદજન્ય ધમનીકાઠિન્યના દોષવિસ્તારો 2 પ્રકારના હોય છે : (1) શરૂઆતની મેદરેખાઓ (fatty streaks) અને (2) આગળ વધેલા તબક્કાની તંતુમય ચકતીઓ (fibrous plaques). જીવનના દરેક તબક્કે ધમનીની અંદરની દીવાલ પર મેદની રેખાઓ જામેલી જોવા મળે છે. તેમાં ચરબીવાળા ફીણકોષો (foam cells) અથવા મહાભક્ષી કોષો (macrophages) તથા T-પ્રકારના લસિકાકોષો હોય છે. લોહીમાંના એકકેન્દ્રી કોષોમાંથી મહાભક્ષી કોષો બને છે અને તે ધમનીની અંદરની દીવાલ તરફ આકર્ષાઈને ત્યાં ચોંટે છે. તે ચરબીયુક્ત બનીને ફીણકોષો બને છે તથા સાથે સાથે ગોઠવાઈને મેદરેખાઓ બનાવે છે. ધમનીના મધ્યસ્તરમાંના સ્નાયુકોષો દોષવિસ્તારમાં વિકસે છે. સાથે સાથે મેદકાઠિન્યનો વિસ્તાર મોટો થતો જાય છે, જેમાં લોહીના લસિકાકોષો પણ પ્રવેશે છે. આમ આ તબક્કે મેદકાઠિન્યના દોષવિસ્તારમાં ચરબીયુક્ત મહાભક્ષી કોષો, સ્નાયુકોષો અને લસિકાકોષો હોય છે. આવી મેદરેખાઓ કાં તો વિલાઈ જાય છે અથવા સતત ટકી રહે છે. લાંબી ટકી રહેતી મેદરેખાઓમાં તંતુઓ વિકસે છે. તેને તંતુતા (fibrosis) કહે છે. તેને કારણે કઠણ અને જાડી તંતુમય ચકતીઓ બને છે. તે ધમનીના પોલાણને પૂરે છે અને તેથી તેમાં લોહી વહેતું અટકે છે. સામાન્ય રીતે આવા દોષવિસ્તારની નીચેની ધમનીની દીવાલમાં કોષનાશ (necrosis) થાય છે. તેમાં ક્યારેક કૅલ્શિયમના ક્ષારો કે કૉલેસ્ટેરોલના સ્ફટિકો જામે છે. મેદરેખાઓ પીળા રંગની હોય છે અને તે નસમાં અવરોધ કરતી નથી. તંતુમય ચકતીઓ મોતી જેવી સફેદ અને ક્યારેક લાલાશ પડતી હોય છે. તે ક્યારેક અવરોધ કરે છે.
ક્યારેક તંતુમય ચકતી પૂરેપૂરી કૅલ્શીકૃત (કૅલ્શિયમવાળી) બને છે અથવા તેમાં ચાંદાં, તિરાડ કે ચીરા પડે છે. તે સમયે તેમાં લોહીના ગઠનકોષો જમા થાય છે અને લોહી ગંઠાવાની ક્રિયા ઝડપથી શરૂ થાય છે. ગંઠાયેલું લોહી રુધિર-ગુલ્મ (thrombus) બનાવે છે જે કાં તો તંતુમય બને છે અથવા ક્યારેક તેના ટુકડા લોહીમાં વહીને અન્ય નાની ધમનીના પોલાણને પૂરી દઈ અવરોધ ઊભો કરે છે. તેને શલ્ય-સ્થાનાંતરતા (embolism) કહે છે. તંતુમય ચકતીની કિનારી તૂટે છે ત્યારે તેમાં લોહી પ્રવેશે છે અને તે ધમનીની દીવાલમાં લાંબો ઊંડો ચીરો કરે છે. તેને દ્વિછેદક વિસ્ફારણ અથવા વાહિનીપેટુ (dissecting aneurysm) કહે છે. ક્યારેક તંતુમય ચકતીની કિનારી તૂટે ત્યારે ધમનીમાંથી લોહી બહાર વહેવા માંડે છે. આ ત્રણે પરિસ્થિતિઓ ક્યારેક અચાનક મૃત્યુ નિપજાવે છે.
સામાન્ય રીતે મહાધમની (aorta), હૃદયની ધમનીઓ, મગજની ધમનીઓ તથા પગની મોટી ધમનીઓમાં મેદજન્ય ધમનીકાઠિન્ય થાય છે. મહાધમનીની શાખાઓના મુખ આગળ ધમનીકાઠિન્ય થાય છે. ધૂમ્રપાન કરનારાના તથા મધુપ્રમેહના દર્દીના પગની નાની ધમનીઓમાં ધમનીકાઠિન્ય થાય છે. હૃદયની કે મગજની ધમનીઓમાં થતા ધમની-કાઠિન્યથી હૃદયરોગનો હુમલો કે લકવો થાય છે. હાથપગની નાની ધમની બંધ થાય ત્યારે આંગળીઓનાં ટેરવાં મરવા માંડે છે. તેને આંગળીઓનો પેશીનાશ (gangrene) કહે છે.
જોખમકારક ઘટકો (risk factors) : વિવિધ વસ્તીરોગવિદ્યા(epidemiology)ના અભ્યાસો દ્વારા મેદજન્ય ધમનીકાઠિન્ય કરતાં કેટલાંક પરિબળો અને ઘટકોને ઓળખી શકાયાં છે. ચરબી(મેદ)નું વહન કરતા પ્રોટીનને મેદપ્રોટીન (lipoprotein) કહે છે. લોહીમાંનાં મેદપ્રોટીનનો વધારો, ખાસ કરીને અલ્પઘનતાવાળું મેદપ્રોટીન તથા તેને સંલગ્ન કૉલેસ્ટેરોલ આ વિકારની શક્યતા વધારે છે. તેને અલ્પઘન મેદપ્રોટીન (low density lipoproteins –LDL) કહે છે. અન્ય પરિબળોમાં ધૂમ્રપાન, લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, મોટી ઉંમર, પુરુષજાતિ, વધુ પડતું વજન (મેદસ્વિતા), માનસિક તણાવ, ‘એ’ પ્રકારનું વ્યક્તિત્વ તથા કેટલાક જનીનીય ઘટકોનો સમાવેશ થાય છે. લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોય તો તેને અતિમેદરુધિરતા (hyperlipidaemia) કહે છે. અતિમેદરુધિરતા, ધૂમ્રપાન અને લોહીના ઊંચા દબાણને કારણે મેદજન્ય ધમનીકાઠિન્ય થવાનું પ્રમાણ ઘણું રહે છે. આ પરિબળો કેવી રીતે મેદજન્ય ધમનીકાઠિન્ય કરે છે તે સમજાવતી સંપૂર્ણ પરિકલ્પના (hypothesis) હજુ વિકસી નથી.
અતિમેદરુધિરતા : લાંબા સમય સુધી કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું રહે, તો હૃદયરોગનો હુમલો થવાની સંભાવના વધે છે. 20થી 40 વર્ષની વયમાં 220 મિગ્રા./ ડેલિ.થી વધુ કૉલેસ્ટેરોલ રહે તો હૃદયરોગ થવાની સંભાવના વધુ રહે છે. તેથી 50 વર્ષની વય સુધી પુરુષોમાં અને તેથી થોડી વધુ વય સુધી સ્ત્રીઓમાં કૉલેસ્ટેરોલનું પ્રમાણ 200 મિગ્રા./ડેલિ.થી ઓછું રાખવાનું સૂચવાય છે. તેવી જ રીતે ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ પણ નીચું રાખવું હિતાવહ ગણાય છે. કૉલેસ્ટેરોલ LDL સાથે તથા ટ્રાઇગ્લિસરાઇડ અતિઅલ્પઘન મેદપ્રોટીન (very low denstiy lipoprotein, VLDL) સાથે સંલગ્ન હોય છે. વધુ પડતો ચરબીવાળો ખોરાક, મધુપ્રમેહ, મૂત્રપિંડના રોગો, મદ્યપાન, અલ્પગલગ્રંથિતા (hypothyroidism) વગેરે વિવિધ પરિસ્થિતિઓ/વિકારોમાં લોહીમાંના મેદનું અને મેદપ્રોટીનોનું પ્રમાણ વધે છે. ક્યારેક સમજનીની કૌટુંબિક અતિકૉલેસ્ટેરોલરુધિરતા (homozygous familial hypercholesterolaemia) નામનો એક જનીનીય વિકાર પણ થાય છે. ખોરાકમાંથી વધુ કૅલરીવાળા કાર્બોહાઇડ્રેટ્સ, કૉલેસ્ટેરોલ અને સંતૃપ્ત (saturated) ચરબીવાળા ખોરાકમાં ઘટાડો, નિયમિત કસરત અને શારીરિક શ્રમ તથા જરૂર પડ્યે કૉલેસ્ટેરોલ ઓછું કરવાની દવાનું સેવન કરવાથી લોહીમાંના મેદનું પ્રમાણ અને તેના દ્વારા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે. મધુપ્રમેહ તથા અન્ય પરિબળોનું નિયંત્રણ કરવાની સારવાર કરવાનું સૂચવાય છે. ધૂમ્રપાનનો નિષેધ કરાય છે. જરૂર કરતાં વધારે વજનને મેદસ્વિતા (obesity) કહે છે.
20 % કે તેથી વધુ મેદસ્વિતા હૃદયરોગનું પ્રમાણ વધારે છે. નિયમિત કસરત હૃદયરોગથી રક્ષણ આપતા અતિઘન મેદપ્રોટીન(high density lipoprotein, HDL)નું પ્રમાણ વધારે છે. પ્રાણીઓના ખોરાકમાં ફેરફાર કરવાથી મેદરેખાઓને અર્દશ્ય થતી દર્શાવાઈ છે. તંતુચકતીઓ પણ અમુક અંશે ઘટે છે. હાલ માણસમાં તે અંગે સ્પષ્ટ સાબિતીઓ મળતી નથી. તેથી મેદકાઠિન્યની સારવાર કરવા કરતાં તેને થતું અટકાવવું વધુ હિતાવહ ગણાય છે. તાજેતરમાં WHO પ્રેરિત સર્વેક્ષણ તથા પ્રાણીઓ પરનાં સંશોધનોના આધારે એવું મનાય છે કે ઍસ્પિરિન તથા વિટામિન ઈ નું સેવન કરવાથી આ પ્રક્રિયા મહદ્અંશે ઘટાડી શકાય છે.
શિલીન નં. શુક્લ
શ્રીપ્રકાશ ત્રિવેદી