ધનુર્વેદ

March, 2016

ધનુર્વેદ : યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્રશસ્ત્રવિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકારો, યુદ્ધમાં વપરાતાં વાહનો વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રો વિશે ચર્ચા કરે છે. પાણિમુક્ત નામનું બીજું અંગ હાથથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રોની વાત કરે છે. મુક્તસંધારિત એ નામનું ત્રીજું અંગ, છોડ્યા પછી પાછાં ફરતાં અસ્ત્રશસ્ત્રોની માહિતી આપે છે. અમુક્ત નામના ચોથા અંગમાં છોડવામાં ન આવતાં એટલે યોદ્ધાના હાથમાં રહેતાં શસ્ત્રોનો પરિચય અપાયો છે. બાહુયુદ્ધ નામના અંતિમ અંગમાં દ્વંદ્વયુદ્ધ તથા અન્ય પ્રકારનાં યુદ્ધો વિશે માહિતી આપવામાં આવી છે. એમાં શસ્ત્ર વગર થતું મલ્લયુદ્ધ, શસ્ત્ર અને અસ્ત્રના ઉપયોગ, વ્યૂહરચના અને ખૂંપેલા અસ્ત્રને બહાર કાઢી ઘા વગેરેની સારવાર વિશે વિગતો નોંધવામાં આવી છે. શસ્ત્રથી ખેલાતું યુદ્ધ, અસ્ત્રથી ખેલાતું યુદ્ધ, સરળતાથી થતું યુદ્ધ, કપટથી થતું યુદ્ધ – એમ યુદ્ધના અનેક પ્રકારો એમાં આપ્યા છે. તદુપરાંત, સેનાની કવાયત, ગોઠવણી, વ્યૂહરચના, શસ્ત્રસામગી વગેરે બાબતોની વિચારણા કરવામાં આવી છે. ધનુર્વેદસંહિતા નામના આ ગ્રંથને કેટલાક વિદ્વાનો બહુ પ્રાચીન માનતા નથી, અર્વાચીન માને છે.

આ વિદ્વાનો ધનુર્વેદ વિશ્વામિત્રે લખ્યો હોવાનું માને છે. વિશ્વામિત્રે રચેલો ધનુર્વેદ ચાર વિભાગોનો બનેલો છે. તેના પ્રથમ વિભાગ દીક્ષાપાદમાં ધનુષ્યનું લક્ષણ આપ્યું છે. અનેક અસ્ત્રશસ્ત્રોનો સમાવેશ ધનુષ્યના પેટામાં કર્યો છે. ફલત:, ધનુર્વેદ ફક્ત ધનુષ્યનો જ વેદ નથી. આ અસ્ત્રશસ્ત્રોના ઉપયોગ માટે સક્ષમ હોય તેવા મનુષ્યોને ગણાવ્યા છે. એ પછી આયુધના ચાર પ્રકારો આપવામાં આવ્યા છે. ચક્ર વગેરે  મુક્ત એટલે ફેંકવામાં આવતાં આયુધો છે. તલવાર વગેરે અમુક્ત એટલે નહિ  ફેંકાતાં આયુધો છે. ગદા અને ભાલો વગેરે મુક્તામુક્ત એટલે ફેંકાય અને હાથમાં પણ રખાય એવાં આયુધો છે. અંતે ગોફણ વગેરે યંત્રમુક્ત એટલે યંત્રની મદદથી ફેંકાતાં આયુધો છે. જે ફેંકવામાં આવે તે મુક્ત અર્થાત્ અસ્ત્ર છે, જ્યારે ફેંકવામાં ના આવે એટલે હાથમાં રહે એ અમુક્ત અર્થાત્ શસ્ત્ર છે. એ આયુધોનો ઉપયોગ કરી શકે તેવા માણસોની વાત છે. બીજા વિભાગ સંગ્રહપાદમાં ધનુર્વિદ્યાના ગુરુનાં લક્ષણો અને અસ્ત્રશસ્ત્રના સંગ્રહની માહિતી આપવામાં આવી છે. ત્રીજા સિદ્વિપાદમાં સંપ્રદાયસિદ્ધ વિશેષ શસ્ત્રોનો અભ્યાસ તથા તેના મંત્રો, દેવતાઓ અને સિદ્ધિઓની ચર્ચા છે. ચોથા પ્રયોગપાદમાં વિવિધ અસ્ત્રશસ્ત્ર વગેરેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી છે. લક્ષ્યભેદ અને બાણ તાકવાના અનેક નિયમો તેમાં આપવામાં આવ્યા છે.

પ્રાચીન ભારતમાં ધનુષ્યબાણનો પ્રચાર વધુ હોવાથી ધનુષ્યના બ્રાહ્મ, વૈષ્ણવ, પાશુપત વગેરે ઘણા પ્રકારો ધનુર્વેદમાં ગણાવ્યા છે. ત્રણ ઠેકાણે વળાંકવાળું અને સાડા છ હાથ લાંબું શાર્ઙગ ધનુષ્ય અશ્વદળ અને ગજદળમાં વપરાતું. જ્યારે એક જ વળાંકવાળું, ચાર હાથનું વાંસનું બનેલું ધનુષ્ય રથદળ અને પાયદળ માટે વપરાતું. નવ ગાંઠોવાળું વાંસનું ધનુષ્ય કોદંડ કહેવાતું. ધનુષ્યની પણછ શણની અથવા હરણ વગેરે પશુઓનાં આંતરડાંની બનેલી તાંતની અને કનિષ્ઠિકા આંગળી જેટલી જાડી બાંધવામાં આવતી. બાણના પણ ત્રણે પ્રકારો ધનુર્વેદમાં આપ્યા છે. દૂર સુધી જનારું અને જાડા આગલા ભાગવાળું બાણ સ્ત્રીજાતીય છે. ખૂબ ઊંડે સુધી ખૂંચી જનારું અને જાડા પાછલા ભાગવાળું બાણ પુરુષજાતીય છે. જ્યારે એકસરખી જાડાઈવાળું બાણ નપુંસકજાતીય છે. બાણ પર લોખંડનું ફળું જાતજાતના આકારોનું હોવાથી આકારને અનુસરીને તેને વિવિધ નામો આપવામાં આવ્યાં છે. અનેક અસ્ત્રશસ્ત્રોની સૂક્ષ્મ વિગતો ધનુર્વેદમાં  રહેલી છે. ‘શુક્રનીતિ’, ‘નીતિમયૂખ’, ‘અગ્નિપુરાણ’, ‘યુક્તિકલ્પતરુ’ જેવા રાજનીતિને ચર્ચતા ગ્રંથોમાં પણ અસ્ત્રશસ્ત્ર વિશે થોડીક માહિતી જોવા મળે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી