ધનુર્વા

March, 2016

ધનુર્વા (ધનુર, tetanus) : સ્નાયુઓનાં સતત સંકોચનો કરાવતો તથા ઈજાના સ્થાને સિ.ટિટેનાઇ નામના જીવાણુઓના ચેપથી થતો રોગ. શારીરિક ઈજાના ઘાવમાં ક્લોસ્ટ્રિડિયમ ટિટેનાઇ નામના જીવાણુ (bacteria)થી ચેપ લાગે તો તેના ઝેરની અસરથી આ રોગ થાય છે. સમયસરની યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ નીવડે છે. સ્નાયુઓનાં સંકોચનને કારણે શરીર અક્કડ થઈને ધનુષ્યના ચાપની જેમ વાંકું વળી જાય છે માટે તેને ધનુર્વાનો રોગ કહે છે.

કારણવિદ્યા (aetiology) : સિ. ટિટેનાઇ અજારક (anaerobic), ગ્રામ-પૉઝિટિવ, પાતળા દંડાણુ (bacillus) છે. તે ઑક્સિજન વગરના વાતાવરણમાં ઊછરે છે માટે અજારક જીવાણુ કહેવાયા છે. તેમને ગ્રામ પદ્ધતિથી અભિરંજિત (staining) કરી શકાય છે માટે તે ગ્રામ-પૉઝિટિવ જીવાણુઓ ગણાય છે. વળી તે પાતળા દાંડી જેવા છે માટે તેમને દંડાણુ કહે છે. તે બીજાણુ (spores) બનાવે છે. જીવાણુના દંડ(rod)ને એક છેડે ગોળ બીજાણુ બને છે માટે તેનું બીજાણુ-સ્વરૂપ ઢોલની દાંડી (drum stick) કે ટેનિસના રૅકેટ જેવો આકાર ધરાવે છે. આમ સિ. ટિટેનાઇનો જીવાણુ બે સ્વરૂપે જોવા મળે છે : દંડાણુ અને બીજાણુ. તેના દંડાણુની અંદર ઝેર હોય છે માટે તેને અંત:વિષ (endotoxin) કહે છે. આ અંત:વિષ જ્યારે દર્દીના શરીરમાં છૂટું પડે ત્યારે તે સ્નાયુઓનું સંકોચન કરે છે માટે તેને ધનુવત્-સંકોચનકારી (tetanospasmin) વિષ પણ કહે છે. વળી તે એક પ્રકારનું ચેતાતંતુઓ(nerve fibres)નું ઝેર છે માટે તેને ચેતાવિષ (neurotoxin) પણ કહે છે. તે 1,50,000 આણ્વિકભાર ધરાવતો પ્રોટીનનો અણુ છે. તે ઘણું જ શક્તિશાળી ઝેર છે અને તેથી 1 મિગ્રા. ઝેરથી 500થી 700 લાખ ઉંદર મરી જાય છે. દંડાણુ સ્વરૂપ ગરમી અને સૂક્ષ્મજીવનાશક દવાઓથી સહેલાઈથી મરી જાય છે. જ્યારે બીજાણુ સ્વરૂપ મહિનાઓથી વર્ષો સુધી જમીનમાં ગમે તે વાતાવરણમાં પણ જીવતું રહે છે. બીજાણુને મારી નાંખવા માટે તેને 4 કલાક સુધી ઉકાળવું કે 121° સે.ના તાપમાને 12 મિનિટ સુધી દબાણ હેઠળ તપાવવું પડે છે. દબાણ હેઠળ ઊંચા તાપમાને તપાવવાની આ ક્રિયાને સદાબતાપન (autoclaving) કહે છે.

ધનુર્વાના જીવાણુના બીજાણુઓ મળ દ્વારા શરીરની બહાર નીકળે છે માટે જમીનના 20 %થી 65 % નમૂનાઓની તપાસમાં તે જોવા મળે છે. તે મળ, ઘરમાંની ધૂળ, શસ્ત્રક્રિયા માટેના ખંડો તથા હેરૉઇનની કુટેવવાળા દર્દીઓની સોયમાં પણ જોવા મળે છે. લગભગ 10 % માણસોના મોટા આંતરડામાં પણ આ જીવાણુ હોય છે.

ધનુર્વા સામાન્ય રીતે ગરમ પ્રદેશો અને ખેતીલાયક વિસ્તારોમાં વધુ થાય છે : ગરીબી, અપૂરતું રસીકરણ અને અંગત સફાઈની ઊણપ તેમાં વધારો કરે છે. નવા જન્મેલા બાળકની નાળને છાણ કે અન્ય પદાર્થ વડે ઢાંકવાથી કે સૂકી માટીનો સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગ કરવાથી પણ ચેપ ફેલાય છે. વિકાસશીલ દેશોમાં (દા. ત., ભારત) દર વર્ષે 10 લાખ નવજાત શિશુઓ ધનુર્વાને કારણે મૃત્યુ પામે છે. ધનુર્વાની રસીના ઉપયોગ પછી વિકસિત દેશોમાં તેનો ઉપદ્રવ ઘટ્યો છે. વિકસિત દેશોમાં નોંધાતા ધનુર્વાના કિસ્સાઓમાં મુખ્યત્વે રસીકરણમાં રહેલી કચાશ, લાંબા સમયના પરુવાળા કે કોષનાશ-(gangrene)વાળા ઘાવ (જખમ), નશાકારક દવાઓનાં ઇન્જેક્શન લેવાની કુટેવ કે વૃદ્ધાવસ્થામાં ઘટેલી રોગપ્રતિકારક્ષમતા જવાબદાર હોય છે. સામાન્ય રીતે કટાયેલા લોખંડથી થતી ઈજાને કારણે ધનુર્વા થાય છે એવું મનાય છે પણ તે સાચું નથી, પરંતુ ધૂળમિશ્રિત ઘાવમાં આ રોગના બીજાણુઓ પ્રવેશે છે.

રોગજનન (pathogenesis) : મોટાભાગના કિસ્સામાં લગભગ સર્વત્ર વ્યાપેલા (ubiquitous) બીજાણુઓ ખુલ્લા ઘાવમાં પ્રવેશે છે. સામાન્ય રીતે ઘાવમાં મરેલી પેશી, બાહ્ય પદાર્થની હાજરી તથા પરુ થાય તો ધનુર્વાના જીવાણુને જીવવા માટે જરૂરી ઑક્સિજન વગરની સ્થિતિ (અજારક, વાતાવરણ, anaerobic atmosphere) મળી રહે છે. આવા સંજોગોમાં બીજાણુમાંથી દંડાણુ બને છે અને દંડાણુમાંનું ઝેર પેશીમાં ફેલાય છે, ધનુ-સંકોચનકારી અથવા ટીટેનોસ્પઝિમન નામનું આ ઝેર ઘાવની આસપાસના ચેતાતંતુઓ (nerve fibres) દ્વારા કરોડરજ્જુ તરફ કે મગજમાંનાં ચેતાકેન્દ્રો (nerve centres) તરફ ફેલાય છે. સામાન્ય રીતે ચેતાતંતુઓમાં તે 250 મિમી./ દિવસના વેગથી ફેલાય છે. ચેતાકેન્દ્ર ચેપયુક્ત ઘાવથી જેટલું દૂર તેટલી ઝેરને ત્યાં સુધી પહોંચતાં વધુ વાર થાય. માટે પગના ઘાવમાં વધુ વાર લાગે જ્યારે માથાના ઘાવમાં ઓછી વાર લાગે. તે ઝેર કરોડરજ્જુ કે મગજમાંનાં ચેતાકેન્દ્રોમાંના સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચાલક-ચેતાકોષો(motor neurons)માં પહોંચે છે. ચાલક ચેતાકોષોના ગ્લાયસિન અને અન્ય અવદાબનશીલ (inhibitory) ચેતા-સંદેશવાહક (neurotransmitter) દ્રવ્યોના ઉત્પાદનને ઘટાડે છે. આવા ચેતાકોષોના સ્નાયુ-સંકોચન માટેના આવેગોને દબાવતા અવદાબનશીલ દ્રવ્યની ગેરહાજરીમાં સ્નાયુઓનું સતત સંકોચન થયા કરે છે. તેને કારણે શરીરના સ્નાયુઓ અક્કડ થાય છે, વારંવાર આંચકી (convulsion) આવે છે, સાથે સાથે હૃદયના ધબકારા, તાપમાનનું નિયંત્રણ, લોહીનું દબાણ વગેરેનું નિયમન કરતા સ્વાયત્ત ચેતાતંત્ર(autonomic nervous system)માં પણ વિકારો સર્જાય છે.

(અ) ચહેરાના સ્નાયુઓનાં સતત આકુંચનોને કારણે સ્મિતવત્ મુખાકૃતિ (risus sardomicus), (આ) સ્નાયુઓનાં સતત આકુંચનોથી ધનુષ્યચાપ જેવી દેહસ્થિતિ

લક્ષણો અને ચિહનો : ધનુર્વાના 4 પ્રકારો ગણાય છે : દેહવ્યાપી, સ્થાનિક, મસ્તિષ્કી અને નવજાત શિશુનો ધનુર્વા. દેહવ્યાપી (generalized) ધનુર્વાનો રોગ સૌથી વધુ જોવા મળે છે. ઘણી વખતે તેની શરૂઆત કરતી ઈજા નાની કે ભુલાઈ ગયેલી હોય છે. સામાન્ય રીતે ચેપના પ્રવેશ પછી જીવાણુનો શરીરમાંનો વર્ધનકાળ (incubation period) 4થી 14 દિવસનો હોય છે. ઈજાની જગા કેન્દ્રીય ચેતાતંત્રથી જેટલી વધુ દૂર તેટલો વર્ધનકાળ વધુ. 75 % કિસ્સામાં દર્દી સૌપ્રથમ મોઢું ખોલી શકતો નથી. તેનું નીચલું જડબું જાણે બંધાઈ ગયું હોય એમ સ્નાયુઓના સંકોચનને કારણે અક્કડ થઈ જાય છે. તેને હનુબંધ (lockjaw) કહે છે. આ ઉપરાંત દર્દી ઉશ્કેરાટ અનુભવે છે, તેને પરસેવો થાય છે, ખોરાક ગળવામાં તકલીફ પડે છે અને ક્યારેક પાણી પીવામાં પણ તકલીફ પડે છે. લાંબા સમય સુધી જડબા અને ચહેરાના સ્નાયુઓ સંકોચાઈને અકડાઈ જાય ત્યારે હોઠ બે બાજુ ખેંચાઈ જવાથી વ્યક્તિ સ્મિત આપતી હોય તેવો ચહેરાનો દેખાવ થાય છે. તેને અનૈચ્છિક સ્મિત (risus sardonicus) કહે છે. કમર અને પીઠના સ્નાયુઓનું સતત સંકોચન વ્યક્તિના શરીરને અક્કડ અને વાંકું કરીને જાણે ધનુષના ચાપ જેવું બનાવે છે. આવી દેહસ્થિતિ અથવા અંગવિન્યાસ(posture)ને ધનુષાકાર (opisthotonous) દેહસ્થિતિ કહે છે. તેથી આ રોગને ધનુર્વા કહે છે.

જેમ સમય જાય તેમ હાથપગના સ્નાયુઓ પણ અસરગ્રસ્ત થાય છે. તેથી હાથ વાંકા વળીને મધ્યરેખા તરફ વંકાય છે, મુઠ્ઠી બંધ થઈ જાય છે અને પગ ખેંચાઈને લાંબા થઈ જાય છે. અવાજ કે સ્પર્શ જેવી સામાન્ય સંવેદનાઓ પણ સ્નાયુઓની અક્કડતા અને સંકોચનો વધારે છે. ક્યારેક આવાં સંકોચનો આપોઆપ પણ થાય છે.

સ્વાયત્ત ચેતાતંત્ર અસરગ્રસ્ત થાય તેટલા હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત બને છે, લોહીના દબાણમાં વધઘટ થાય છે, પુષ્કળ પરસેવો થાય છે, શરીરનું તાપમાન વધી જાય છે તથા પેશાબ રોકાઈ જાય છે. તે ઉપરાંત સ્નાયુકોષોનો નાશ થાય છે અને સ્વરપેટીના સ્નાયુઓનું સતત-આકુંચન (spasm) થાય છે. સ્નાયુકોષોના નાશને રૈખિક સ્નાયુલયન (rhabdomyolysis) કહે છે. સ્વરપેટીના સ્નાયુઓનાં સતત સંકોચનોથી રૂંધામણ અને શ્વસનમાર્ગમાં અવરોધ પેદા થાય છે. સતત સંકોચનોને કારણે હાડકું ભાંગે છે, ફેફસાંની લોહીની નસોમાં અવરોધ થાય છે, જીવાણુઓનો ચેપ લાગે છે અને શરીરમાંના પાણીનો ઘટાડો થાય છે.

સ્થાનિક (localized) ધનુર્વામાં ઈજાગ્રસ્ત ગાત્ર (extremity)  હાથ કે પગ – માં થોડાથી માંડીને વધુ તીવ્ર પ્રકારનો ધનુર્વાનો વ્યાધિ થાય છે. જો ધનુર્વા આવી રીતે કોઈ એક ભાગમાં જ રહે અને બધે ફેલાય નહિ તો તેની મટવાની શક્યતા વધુ રહે છે.

માથા પરની ઈજા કે કાનના વચલા ભાગ-મધ્યકર્ણ-માંના ચેપમાં થતા વિકારમાં ક્યારેક ફક્ત ખોપરીમાંથી નીકળતી ચેતાઓ-કર્પરી ચેતાઓ- (cranial nerves)નો જ વિકાર થાય છે. તેને મસ્તિષ્કી (cephalic) ધનુર્વા કહે છે. મુખ્યત્વે ચહેરાના સ્નાયુઓનું નિયંત્રણ કરતી સાતમી કર્પરી ચેતા–ચહેરાલક્ષી ચેતા (facial nerve)- સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. તે સ્થાનિક અથવા વ્યાપક ધનુર્વા કરે છે. ઘાવનું સ્થાન મગજથી નજીક હોવાને કારણે તેનો વર્ધનકાળ ફક્ત 1 કે 2 દિવસનો જ હોય છે અને તે ઘણી વખત જીવલેણ નીવડે છે.

નવજાત શિશુના ધનુર્વા(tetanus neonatorum)નો વિકાર નવાં જન્મેલાં(નવજાત) શિશુઓમાં જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં સગર્ભા માતાને ધનુર્વા સામેની રસી ન અપાઈ હોય અને શિશુજન્મ વખતે જરૂરી સફાઈ ન જળવાઈ હોય તો ગર્ભનાળ(umbilical cord)ના કપાયેલા ભાગમાંથી ધનુર્વાનો ચેપ પ્રવેશે છે. સામાન્ય રીતે ચેપ લાગ્યાના 3 દિવસથી 10 દિવસમાં (વર્ધનકાળ) રોગનાં લક્ષણો જોવા મળે છે. તેથી તેને સાતમીનો રોગ(disease of the seventh day) પણ કહે છે. શિશુ ઉશ્કેરાટ (irritability) દર્શાવે છે, તેના ચહેરાના સ્નાયુઓનાં સંકોચનો થાય છે તથા અડવાથી તેને વ્યાપક સ્નાયુસંકોચનો થાય છે. લગભગ 70 %થી વધુ શિશુ મૃત્યુ પામે છે.

નિદાન : સામાન્ય રીતે લક્ષણો અને ચિહનો વડે નિદાન શક્ય બને છે. અચાનક ઉદભવતી સ્નાયુની શિથિલતા કે અલ્પસજ્જતા (hypotonia) અને/અથવા જડબા કે ડોકના સ્નાયુઓનાં પીડાકારક સંકોચનો થાય તથા અન્ય કોઈ રોગ કે કારણની ગેરહાજરી હોય તો તે ધનુર્વા હોવાની સંભાવના સૂચવે છે. ઘણી વખત જખમમાં ધનુર્વાના જીવાણુ દર્શાવી શકાય છે. જો અગાઉ ધનુર્વા સામે ખાતરીપૂર્વક રસી અપાઈ હોય કે લોહીના રુધિરરસ(serum)માં પ્રતિવિષ (antitoxin)નું પ્રમાણ 0.01 યુનિટ/મિલિ. કે વધુ હોય તો આવા દર્દીને ધનુર્વા થયો હોતો નથી. સામાન્ય રીતે મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી સામાન્ય હોય છે અને મગજનો વીજ-આલેખ (EEG) નિદ્રાની સ્થિતિ દર્શાવે છે. નિદાન માટે ધનુર્વાને કેટલાક વિકારો અને રોગોથી અલગ પાડવો જરૂરી ગણાય છે; દા. ત., ફિનોથાયેઝાઇનની દવાઓની આડઅસર, તાનિકાશોથ (meningitis), દાંતના મૂળમાં ગૂમડું, આંચકી આવવાનો અપસ્માર (epilepsy) નામનો વિકાર, મગજની સપાટી પર તથા તેના જાળ-તાનિકા (arachnoid) નામના આવરણની નીચે લોહીનું ઝમવું, કૅલ્શિયમની ઊણપ કે અન્ય કારણોસર થતી અંગુલિવંકતા (tetany), દારૂ પીવાનો છોડી દેવાથી થતી સ્થિતિ, ઝેરકચોલા(strychnine)ની ઝેરી અસર વગેરે. ઝેરકચોલાની ઝેરી અસર ધનુર્વા જેવાં જ લક્ષણો જન્માવે છે, પણ તે સારવાર વડે ઝડપથી મટી જાય છે.

સારવાર : જખમને સાફ કરી તેમાંથી મૃતપેશીને દૂર કરવામાં આવે છે. ઍન્ટિબાયોટિકની સારવારમાં પેનિસિલીન-જી મુખ્ય દવા છે. તેની ઍલર્જી હોય તો. ટેટ્રાસાઇક્લિન, ઍરિથ્રોમાયસિન અને ક્લોરેમ્ફેનિકોલ પણ અપાય છે. જેટલું બને તેટલું વહેલું પ્રતિવિષ (antitoxin) અપાય છે. તે માણસના લોહીમાંથી (માનવજન્ય) કે ઘોડાના લોહીમાંથી (અશ્વજન્ય) મેળવાય છે. માનવજન્ય ધનુર્વા પ્રતિરક્ષાલક્ષી ગ્લોબ્યુલિન(human tetanus immuno-globulin, TIG)ને યોગ્ય માત્રામાં સ્નાયુમાં ઇન્જેકશન રૂપે અપાય છે. ઘોડાના લોહીમાંથી મેળવાતું અશ્વજન્ય (equine) પ્રકારનું પ્રતિવિષ નસમાં કે સ્નાયુઓમાં અપાય છે, પરંતુ તેની સામે ઍલર્જી હોવાની સંભાવના વધુ રહે છે. તેથી ઍલર્જીની સારવાર માટે જરૂર પડ્યે એડ્રિનાલિન, સ્ટીરૉઇડ અને નસ વાટે પુષ્કળ પ્રવાહી અપાય છે. જોકે ઘોડામાંથી મેળવાતું (અશ્વજન્ય) પ્રતિવિષ સસ્તું પડે છે અને તેથી તે વિકાસશીલ દેશોમાં ઘણા મોટા પ્રમાણમાં વપરાય છે.

ધનુર્વાના રોગના ચેપને કારણે પૂરતા પ્રમાણમાં પ્રતિરક્ષા (immunity) એટલે કે રોગપ્રતિકારક્ષમતા ઉત્પન્ન થતી નથી. તેથી દર્દીને ધનુર્વાની રસીનાં 3 ઇન્જેક્શનો પણ અપાય છે. સ્નાયુઓનાં સંકોચનો ઘટાડવા ક્લોરપ્રોમેઝિન, મેપ્રોબેમેટ કે ડાયાઝેપામ અપાય છે. આ દવાઓનો વધુ પડતો ઉપયોગ શ્વાસોચ્છવાસ ઘટાડે છે. કેટલાક દર્દીઓમાં, અતિશય તીવ્ર વિકાર હોય તો સારવારના હેતુસર પાનક્યુરોનિયમ બ્રોમાઇડ કે મેટાક્યુરિન વડે સારવારલક્ષી શ્વાસોચ્છવાસનો લકવો કરાય છે અને ત્યારબાદ યંત્રની મદદથી શ્વાસોચ્છવાસ ચાલુ રખાય છે.

જડબું ન ખૂલી શકવું, ખોરાક ન ગળી શકવો, સ્વરપેટીનું સંકોચન થવું, શ્વાસોચ્છવાસના સ્નાયુઓમાં સંકોચનો થવાં તથા ઘેનકારક દવાઓ – આ સર્વે ફેફસાંની ઘણી તકલીફો સર્જે છે; તેથી ક્યારેક શ્વાસનળીમાં કાણું પાડવું પડે છે. તેને શ્વાસનળીછિદ્રણ (tracheostomy) કહે છે. શ્વાસનળીમાં અંત:નળી પણ મૂકવી પડે છે. જો દર્દી ખોરાક ગળી ન શકે તો નાક દ્વારા નળી મૂકીને પ્રવાહી ખોરાક્ધો સીધેસીધો જઠરમાં પહોંચાડાય છે. શરીરમાંના પ્રવાહી અને ક્ષારોનું સંતુલન જળવાય તે ખાસ જોવાય છે. હૃદયની તાલબદ્ધતા જળવાઈ રહે તથા રુધિરાભિસરણમાં વિક્ષેપ ન પડે માટે એડ્રિનર્જિક-બ્લૉકર જૂથની દવાઓ અપાય છે. તેનાથી હૃદયના ધબકારા બંધ ન થઈ જાય તે ખાસ જોવામાં આવે છે. સ્નાયુકોષો નાશ પામે તો ક્યારેક તેમાંથી નીકળતો કચરો મૂત્રપિંડની સૂક્ષ્મનલિકાઓને બંધ કરી દે છે. તેથી મૂત્રપિંડની નિષ્ફળતા સર્જાય છે. ત્યારે પારગલન(dialysis)ની જરૂર પડે છે. ફેફસાંની નસમાં લોહી જામી જવું, લોહીમાં મૅગ્નેશિયમ ઘટવું, જઠરમાંથી લોહી વહેવું અને તેનાથી લોહીની ઊલટીઓ થવી, શરીરનું તાપમાન અતિશય વધી જવું, લોહીનું દબાણ ઘટી જવું વગેરે જીવનને જોખમી આનુષંગિક તકલીફો (complications) થાય તો તેમની યોગ્ય સારવાર અપાય છે.

પૂર્વાનુમાન (prognosis) : સારવારની પદ્ધતિમાંનો સુધારો અને ઉપલબ્ધિ વધવાની સાથે ધનુર્વાથી થતો મૃત્યુદર ઘટ્યો છે. અમેરિકામાં 1947માં ધનુર્વાથી 91 % દર્દીઓ મૃત્યુ પામતા હતા જ્યારે 1989–90માં તે દર ઘટીને 24 % જેટલો થયો છે. ઈજા થયા પછી લક્ષણો ઉદભવે તે સમયગાળો (વર્ધનકાળ) જેટલો વધુ હોય, પ્રારંભકાળ (onset period) જેટલો લાંબો હોય, દર્દીની ઉંમર ખૂબ નાની કે ખૂબ મોટી ન હોય તથા લક્ષણો અને ચિહનો જેટલાં ઓછાં હોય તેટલી સારવારની સફળતા રહેવાની તક વધુ રહે છે. ધનુર્વાના પ્રથમ લક્ષણથી માંડીને પહેલી આંચકી (convulsion) સુધીના સમયને પ્રારંભકાળ કહે છે. મધ્યમથી તીવ્ર પ્રકારના ધનુર્વાને મટતાં 3થી 6 અઠવાડિયાં લાગે છે. તે માટે મોટાભાગના સમયે ઘનિષ્ઠ સારવારની જરૂર રહે છે. મોટેભાગે ન્યુમોનિયા થવાથી દર્દીઓ મૃત્યુ પામે છે.

પૂર્વનિવારણ (prevention) : જેમણે યોગ્ય રીતે ધનુર્વાની સામેની રસી (vaccine) ન લીધી હોય તેમને જ ધનુર્વા થાય છે. બાળકોને બીજે, ચોથે, છઠ્ઠે, પંદરમે મહિને તથા 4થી 6 વર્ષે ડિપ્ફ્થેરિયા (diphtheria) અને ઉટાંટિયા (pertusis) સાથે ધનુર્વા(tetanus)ની રસી – DPT – અપાય છે. આમ ત્રણ પ્રકારના જુદા જુદા રોગોની એકસાથે અપાતી આ રસીને ત્રિગુણી (triple) રસી કહે છે. અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં શાળાએ જતા વિદ્યાર્થીઓએ પણ ધનુર્વાની રસી લેવી પડે છે. ધનુર્વાની રસી ખરેખર તો ધનુર્વાના જીવાણુઓના ઝેર(વિષ)ને નિષ્ક્રિય કરીને બનાવાય છે માટે તેને ધનુર્વા વિષાભ (tetanus toxoid) કહે છે. જેઓ તેની પ્રારંભિક 3 ઇન્જેક્શનોના કાર્યક્રમ પ્રમાણેની રસી લે છે તેમને ધનુર્વાની રસી લગભગ 10 વર્ષ માટે રક્ષણ આપે છે. પુખ્તવયે ઉટાંટિયાની રસી અપાતી નથી માટે પુખ્તવયે દર 10 વર્ષે (પંદરમે વર્ષે, પચીસમે વર્ષે તથા પાંત્રીસમે વર્ષે) ડિપ્ફથેરિયા અને ધનુર્વાની સંયુક્ત રસી – TD – આપવાનું સૂચન કરાય છે જે મોટેભાગે પળાતું નથી. 7 વર્ષથી વધુ વયની અને પહેલાં કદી ધનુર્વાની રસી ન લીધી હોય તેવી વ્યક્તિને TDની રસી પહેલા, ચોથા તથા આઠમા અઠવાડિયે, છઠ્ઠેથી બારમા મહિને અને ત્યારબાદ દર 10 વર્ષે આપવાનું સૂચન કરાય છે. સગર્ભા માતાને બીજા ત્રિમાસિક કાળ(trimester)માં સતત 2 મહિના માટે ધનુર્વાની રસી અપાય છે, જેથી જન્મનાર શિશુને તેની સામે રક્ષણ મળી રહે.

શિલીન નં. શુક્લ

ઓમપ્રકાશ મોદી