ધનકટક : પ્રાચીન ધનકટક અમરાવતીની પશ્ચિમે બે કિમી. અને બેઝવાડાથી પશ્ચિમમાં આશરે 30 કિમી. દૂર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલું છે. પુરાણોમાં ઉલ્લિખિત આંધ્રભૃત્ય (સાતવાહન) રાજવંશની એ રાજધાની હતું.
સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ધનકટકમાં ઈ. સ. 133થી 154 દરમિયાન સત્તારૂઢ થયો. એનો પુત્ર વાસિષ્ઠિપુત્ર પુળુમાવિ ઈ. સ. 130 થી 159 સુધી પૈઠણમાં રાજ્ય કરતો અને પિતાના મૃત્યુ બાદ એણે ચાર વર્ષ ધનકટકમાં રાજ્ય કર્યું. વાસિષ્ઠિપુત્ર પુળુમાવિના ગુફાલેખ(રાજ્યકાલનું વર્ષ 22 = લગભગ ઈ. સ. 152)માં ધનકટકના શ્રમણોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત પલ્લવ રાજા શિવસ્કંદવર્માના મયિડવોળુ તામ્રશાસન(રાજ્યકાલનું વર્ષ 10 = ઈ. સ. ની ચોથી સદીનો મધ્યભાગ)માં ધાન્યકટ નગરના કર્મસચિવનો ઉલ્લેખ છે. ધાન્યકટ એ ધનકટકનું બીજું નામ હોવાનું માલૂમ પડે છે. ડૉ. હાવેલના જણાવ્યા અનુસાર મહાયાન બૌદ્ધ ધર્મના નાગાર્જુને કૃષ્ણા નદીને કિનારે સુધન્યકટકમાં બૌદ્ધ વિદ્યાપીઠ સ્થાપી હતી. આ સુધન્યકટક ધનકટક હોવાનું જણાય છે.
ભારતી શેલત