દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ : ગ્રેટિંગ (અથવા પ્રિઝમ) જેવા વિભાજક (disperser) વડે પ્રકાશનું બે વાર વિભાજન કરીને, પ્રકાશની જુદી જુદી તરંગલંબાઈઓની તીવ્રતા માપવા માટેનું એક ઉપકરણ. સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોમીટર વડે જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતાનું વિતરણ (distribution) માપી શકાય છે. દ્વિ-વિભાજન બે રીતે મેળવી શકાય છે : (i) એક પછી એક એમ શ્રેણીમાં રાખેલી બે ગ્રેટિંગ વડે અને (ii) એક જ ગ્રેટિંગ ઉપર બે વખત પ્રકાશને આપાત કરીને.
એક વાર નીપજતા વિભાજન કરતાં બે વખત થતા વિભાજનના બે ફાયદા છે : (i) દ્વિ-વિભાજનમાં મળતું તરંગલંબાઈનું વિભેદન (wave-length resolution) એકલ વિભાજનના સરવાળા જેટલું હોય છે. (ii) દ્વિ-વિભાજનને લઈને, બહાર આવી રહેલા એકવર્ણી પ્રકાશમાં રહેલા અવાંછિત પ્રકાશ(stray light)ના ઘટકમાં ઠીક પ્રમાણમાં ઘટાડો થતો હોય છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ
હસમુખ શાહ