દ્વિજ માધવ (સોળમી સદી) : બંગાળી લેખક. એણે ‘ચંડીમંગલ’ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં પોતાની માહિતી આપતાં કહ્યું છે કે એ હુગલી નદીને કિનારે આવેલા સતગાંવનો રહેવાસી હતો. પણ એનું કુટુંબ પછી પૂર્વ બંગાળમાં જઈને વસ્યું હતું અને કાવ્યની રચના પણ ત્યાં જ કરી હતી.

એ કાવ્યમાં સામાન્ય રીતે ‘ચંડીમંગલ’માં હોય છે તેમ શિવ અને સતીની પ્રારંભની કથા, શિવપાર્વતીનું લગ્ન વગેરે નથી. તેને બદલે સંક્ષેપમાં મંગલ નામના અસુર પર દેવીના વિજયની કથા એમાં વર્ણવાઈ છે, જેમાંથી દેવીનું નામ મંગલચંડી પડ્યું એમ જાણી શકાય છે. એમાં એવું સૂચવ્યું છે કે ચંડી આમ ક્રૂર છે, પણ એની કૃપાર્દષ્ટિ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. કાવ્ય અત્યંત સંક્ષેપમાં છે.

કવિની ‘ગંગામંગલ’ નામની પણ એક રચના છે. તેમાં ગંગા અને તેના પૃથ્વી પરના અવતરણની વાત કહેવામાં આવી છે.

ચન્દ્રકાન્ત મહેતા