દ્વિવેદી, સુરેન્દ્રનાથ (જ. 11 ફેબ્રુઆરી 1913, ખાંડસાહી, જિલ્લો કટક, ઓરિસા; અ. 1 ઑક્ટોબર 2001) : સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર તથા અગ્રણી રાજદ્વારી નેતા. કટકમાં રેવનશા કૉલેજિયેટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા. પાછળથી રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે તેમણે વિસ્તૃત વાચન કર્યું. સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ઠાકુર, રોમા રોલાં, જ્યૉર્જ બર્નાર્ડ શૉ, એચ. જી. વેલ્સ, આલ્ડસ હક્સલી, કાર્લ માર્કસ, ટ્રૉટ્સ્કી વગેરેના ગ્રંથોના વાચનથી તેઓ પ્રભાવિત થયા. 1930ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ તેઓ જેલમાં ગયા અને નાની ઉંમરે જાણીતા થયા. ત્રીસીમાં પોતાના કાર્યક્ષેત્ર તરીકે તેમણે ખેડૂતોનું ક્ષેત્ર પસંદ કર્યું અને 1933થી 1938 સુધી ઓરિસાના ખેડૂત-સંગઠનના મહામંત્રી તરીકે કામ કર્યું. 1938થી 1947માં દેશી રાજ્યોનું વિલીનીકરણ થતાં સુધી તેઓ ઓરિસામાં દેશી રાજ્યોની ચળવળમાં કાર્યશીલ રહ્યા હતા. 1940થી 1948 સુધી તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તથા કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેમણે ઓરિસામાં મહત્વનો ભાગ ભજવ્યો, જે માટે તેમને 6 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી.
સ્વતંત્રતા મળ્યા બાદ, કૉંગ્રેસની નીતિ સાથે મતભેદ થવાથી, તેઓ પ્રજાસમાજવાદી પક્ષમાં જોડાયા. તેઓ અખિલ ભારતીય પ્રજાસમાજવાદી પક્ષના મહામંત્રી તથા ઓરિસાના પ્રજાસમાજવાદી પક્ષના પ્રમુખ બન્યા. 1952થી 1956 દરમિયાન તેઓ રાજ્યસભાના તથા 1957થી 1970 સુધી લોકસભાના સભ્ય હતા. 1962થી 1970 દરમિયાન તેમણે લોકસભામાં પ્રજાસમાજવાદી પક્ષના નેતા તરીકે કામ કર્યું હતું. ભારતના સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે 1963માં યુનાઇટેડ સ્ટેટ્સની અને ત્યારબાદ એશિયા અને યુરોપના ઘણા દેશોની મુલાકાત લીધી હતી.
1972માં તેઓ પુન: કૉંગ્રેસમાં જોડાયા અને 1977માં તેમાંથી છૂટા થઈ ગયા. 1973–74માં ઓરિસા આયોજન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે, 1975–76માં ભારત સરકારના જમીનસુધારા માટેના સલાહકાર તરીકે તથા 1978–79માં બીજા પ્રેસ કમિશનના સભ્ય તરીકે તેમણે કામ કર્યું. તેમણે 1991થી 1993 સુધી અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ એશિયન વર્કર્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકેલાના અધ્યક્ષ હતા. ઊડિયા ભાષામાં પ્રગટ થતા ‘કૃષક’ નામના સાપ્તાહિકના તેઓ સ્થાપક તંત્રી હતા. તેમાં તેમણે રાજકીય અને આર્થિક સમસ્યાઓ વિશે અનેક લેખો લખ્યા હતા. રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યોમાં તેઓ ખૂબ રસ ધરાવતા. તેઓ જ્ઞાતિપ્રથા તથા અસ્પૃશ્યતાના વિરોધી હતા. હરિજનો માટે હિંદુ મંદિરો ખુલ્લાં મુકાવવા માટે તેમણે લડત આપી હતી.
તેમણે ‘એશિયા ઑન ધ પાથ ઑવ્ સોશિયાલિઝમ’, ‘પોલિટિકલ કરપ્શન ઇન ઇન્ડિયા’, ‘ક્વેસ્ટ ફૉર સોશિયાલિઝમ : ફિફ્ટી યર્સ ઑવ્ સ્ટ્રગલ ઇન ઇન્ડિયા’ પુસ્તકો અંગ્રેજીમાં, ‘રાજનીતિવિચાર’ આત્મકથા તથા ‘અગસ્ત ક્રાંતિ’ વિશેનાં પુસ્તકો ઊડિયા ભાષામાં લખવા ઉપરાંત જવાહરલાલ નહેરુનાં કેટલાંક પુસ્તકોના ઊડિયા ભાષામાં અનુવાદો કર્યા છે.
જયકુમાર ર. શુક્લ