દ્વિવેદી, સુધાકર

March, 2016

દ્વિવેદી, સુધાકર (જ. 1860; અ. 1910) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી. કાશીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકપદે 1881થી તે છેક નિવૃત્તિ સુધી. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. કાશીની સંસ્કૃત પાઠશાળાને સમર્પિત થયેલા જ્યોતિષશાસ્ત્રના આ પ્રતિભાશાળી અધ્યાપકે ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સૂર્યસિદ્ધાંત વગેરે ક્ષેત્રે અવિસ્મરણીય સેવા આપી હતી. કાશીની પાઠશાળાના ગ્રંથાલયને પણ તેમણે નવી પદ્ધતિથી વ્યવસ્થિત કર્યું હતું.

ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને તેમણે ઓગણીસમી સદીમાંથી વીસમી સદીમાં લઈ જવાનું કડીરૂપ કાર્ય કર્યું. આમ તે અર્વાચીનોમાં આદ્ય ખગોળવિજ્ઞાની બન્યા.

તેમણે જ્યોતિષશાસ્ત્રના અનેક ગ્રંથોનું સંશોધન-સંપાદન કર્યું. ‘યંત્રરાજ’ ગ્રંથ ઉપરની તેમની ટીકા પ્રસિદ્ધ છે. મલયસૂરિની ટીકા સાથે આ ગ્રંથ તેમણે 1883માં પ્રગટ કર્યો. ભાસ્કરાચાર્યકૃત ‘લીલાવતી અર્વાચીન ગણિત’ ઘણા સુધારા-સંશોધન કરી પ્રગટ કર્યું. ‘ભાસ્કરીય બીજગણિત’ ‘નવીન’ ટીકા સાથે, ‘કરણકુતૂહલ-વાસના’ ભાષ્યટીકા સાથે, વરાહમિહિરની ‘પંચસિદ્ધાંતિકા’ ‘પ્રકાશ’ નામે ટીકા સાથે સંસ્કૃતમાં પ્રગટ કર્યાં. પ્રાચીન વારસાનું આ અમૂલ્ય સંશોધનકાર્ય થતાં ભારતીય જ્યોતિષશાસ્ત્રને વીસમી સદીમાં લઈ જવાનું શ્રેય સુધાકરને ફાળે જાય છે.

સુધાકર દ્વિવેદી

કમલાકરકૃત ‘સિદ્ધાંતતત્વવિવેક’, લલ્લકૃત ‘ધીવૃદ્ધિતંત્ર’, કૃષ્ણકૃત ‘છાદકનિર્ણય’ તેમજ ‘બૃહત્-સંહિતા’ સંશોધિત કરી ‘ઉત્પલ’ની ટીકા સાથે પ્રસિદ્ધ કરી.

તેમણે આશરે બાર ગ્રંથો લખ્યા છે. તેમાં ખાસ કરીને ‘ગણકતરંગિણી’ મહત્વનો અને મૌલિક છે. આ ગ્રંથ મુખ્યત્વે ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને જ્યોતિષીઓના ઇતિહાસનું નિરૂપણ કરી પ્રાચીન જ્યોતિષશાસ્ત્રને અર્વાચીન સાથે જોડી આપે છે. આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યથી તે ભિન્ન મત ધરાવે છે.

ગ્રહ-નક્ષત્ર અંગેની ખગોલીય વિગતો અને ગણિત બાબતે સુધાકરજીએ જે સિદ્ધાંતો તારવી આપ્યા છે તે ભારતીય ખગોળશાસ્ત્રમાં સીમાચિહન બની રહેશે. આ વિષયનું નિરૂપણ કરતો તેમનો ગ્રંથ ‘સૂર્યસિદ્ધાંત’ ભારતીય ખગોળવિજ્ઞાન ક્ષેત્રે વીસમી સદીનો નોંધપાત્ર ગ્રંથ ગણાય છે.

આ ઉપરાંત, ‘દીર્ઘવૃત્તલક્ષણ’ (1879), ‘વિચિત્ર પ્રશ્નસભંગ’ (1880) – એ બંને ગ્રંથો ખગોલીય ગણિતશાસ્ત્ર વિશેના છે. ‘વાસ્તવશૃંગોન્નતિ સાધન’(1881)માં પ્રાચીન, અર્વાચીન અને પાશ્ચાત્ય વિદ્વાનોને અનુસરીને વાસ્તવશૃંગોન્નતિનું સૂક્ષ્મ સાધન નિશ્ચિત કરી આપ્યું છે. ‘દ્યુચરચાર’ (1883), ગ્રહોની કક્ષા અને માર્ગનું સાધાર વિવરણ કરી નિશ્ચિત અનુમાનો અને તારણો આપ્યાં છે. ‘ધરાભ્રમ’ દ્વારા પૃથ્વીની દૈનિક ગતિ અને પરિભ્રમણનો સૂક્ષ્મ વિચાર રજૂ કર્યો છે.

તેમણે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને પશ્ચિમની વિચારસરણીનો ખગોળગણિત અને સૂર્ય-ગ્રહ-નક્ષત્ર બાબતે સુયોગ્ય સમન્વય કરી ભારતીય જ્યોતિષશાસ્ત્રને સમૃદ્ધ બનાવ્યું છે.

બટુક દલીચા