દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર

March, 2016

દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર (જ. 26 ફેબ્રુઆરી 1901; અ. 21 ઑક્ટોબર 1987) : ગુજરાતના પ્રાચીન પેઢીના નામી અને અનુભવી વૈદ્યરાજોની શ્રેણીમાં પ્રસિદ્ધ રસવૈદ્ય. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બ્રાહ્મણ કુટુંબના, વૈદ્ય પરિવારના પુત્ર. મૅટ્રિક્યુલેશન (1916) કર્યા પછી કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ. ત્યારબાદ મોરબીના રાજવૈદ્ય વિશ્વનાથ ભટ્ટને ગુરુ તરીકે સ્વીકારી આયુર્વેદનો અભ્યાસ કર્યો. બીજા ગુરુ વૈદ્ય મૂળશંકર રાવત તથા વૈદ્ય એચ. એ. વ્યાસ પાસે રસશાસ્ત્ર અને આયુર્વેદના મૂળગ્રંથોનો અભ્યાસ કર્યો. આમ, તેઓ ગુરુપરંપરાથી ભારતની આઝાદી પૂર્વે ગુજરાતમાં થઈ ગયેલા નામી વૈદ્યોની શ્રેણીના આયુર્વેદના ‘રસવિજ્ઞાન’ના વિશિષ્ટ જ્ઞાતા બન્યા. તેઓ (હિન્દી ગુજરાતીના) સારા લેખક પણ હતા. ‘પારદ વિજ્ઞાન’ નામના તેમના પુસ્તક બદલ તેમને મધ્ય પ્રદેશ એકૅડેમી ઑવ્ આયુર્વેદ દ્વારા ઍવૉર્ડ એનાયત કરાયેલ.

વાસુદેવ મૂળશંકર દ્વિવેદી

1951ની સાલમાં સૌરાષ્ટ્ર સરકારે તેમની ‘આયુર્વેદનિયામક’ તરીકે રાજકોટ ખાતે નિમણૂક કરી. 1954–55 દરમિયાન સૌરાષ્ટ્ર સરકારની આયુર્વેદ પ્રશિક્ષણ સમિતિના સલાહકાર તરીકે તેમણે સેવા આપી. 1956–60 સુધી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં અનુસ્નાતક-કેન્દ્રમાં રસશાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1960–1963 દરમિયાન તેમણે ગુજરાત રાજ્યના આયુર્વેદનિયામક તરીકેનું પદ શોભાવ્યું હતું. તે પદ ઉપર રહીને આયુર્વેદના સ્નાતકોને સરકારી આયુર્વેદિક રુગ્ણાલયોમાં સેવા આપવા પ્રેરતા હતા. તેમણે શુદ્ધ આયુર્વેદ ડિગ્રી કોર્સ કમિટીના સેક્રેટરી તરીકે સેવા બજાવી (1961–62). તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના આયુર્વેદની Ph.Dના રેફરી નિમાયેલા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય, નવી દિલ્હી ખાતે આયુર્વેદ ફાર્માકોપિયા કમિટીના વાઇસ ચૅરમૅન તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી.

તેઓ અવારનવાર ગુજરાતી અને હિન્દી આયુર્વેદ-પત્રિકાઓમાં લેખો  આપતા હતા અને આયુર્વેદ કૉલેજોમાં જઈ પોતાના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને આપતા હતા.

1970ની આસપાસમાં રાજકોટ ખાતે તેઓ પ્રૅક્ટિસ કરતા હતા; પરંતુ ત્યારબાદ 1979માં ‘વર્લ્ડ આયુર્વેદ સોસાયટી’ના પ્રેસિડેન્ટ તરીકે મહર્ષિ મહેશ યોગી દ્વારા તેમની નિમણૂક કરાઈ. પછી તેઓ શ્રી મહેશ યોગી સંસ્થાપિત ‘મહર્ષિ આયુર્વેદ કૉર્પોરેશન લિમિટેડ(નવી દિલ્હી)’ની આયુર્વેદિક ફાર્મસીના માન્ય ત્રણ વૈદ્યરાજોમાંના એક વૈદ્યરાજ તરીકે સેવા આપતા હતા. આ પદ ઉપર રહી તેમણે આયુર્વેદની અનેક સારી પેટંટ દવાઓ જનતાને ચરણે ધરી, આયુર્વેદ અને જનતાની સેવા કરી છે.

તેમને (1) ગુજરાત પ્રાંતિક કૉન્ફરન્સ દ્વારા ‘પલ્મોનરી ટ્યૂબર્ક્યુલૉસિસ’ પર સર્વોત્તમ નિબંધલેખન માટે ‘ગોલ્ડ મેડલ’ (1922), (2) ઑલ ઇન્ડિયા કૉન્ફરન્સ દ્વારા ઉત્તમ તામ્રભસ્મ બનાવવા માટે ‘સુવર્ણ-રૌપ્ય ચંદ્રક’ (1926), (3) યુરોપિયન યુનિવર્સિટી, સ્વિટ્ઝર્લૅન્ડ દ્વારા ઍવૉર્ડ (1983) અને (4) ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર) દ્વારા માનદ ડી.લિટ્.ની પદવી (1985) વગેરે એનાયત કરવામાં આવ્યાં હતાં.

બળદેવપ્રસાદ પનારા