દ્વિવેદી, રેવાપ્રસાદ (જ. 22 ઑગસ્ટ 1935, નાંદેડ, ભોપાલ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના જાણીતા કવિ, નાટ્યકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સ્વાતંત્ર્યસંભવમ્’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ., રવિશંકર યુનિવર્સિટી, રાયપુરમાંથી પીએચ.ડી., અને જબલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હતી. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્યનું અધ્યાપન કરેલું. હાલ (2000માં) તેઓ નિવૃત્ત ફેલો છે.
માત્ર 13 વર્ષની વયે તેમણે કાવ્યો રચવાનો પ્રારંભ કર્યો. ‘ઉત્તરસીતા-ચરિતમ્’ સહિત તેમના 12 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમનું નાટક ‘યૂથિકા’ અત્યંત પ્રશંસા પામ્યું છે. એ જ રીતે હિંદીમાં સંસ્કૃત સાહિત્ય પરનાં ભાષ્યોની 4 કૃતિઓ પુરસ્કારને પાત્ર ઠરી છે. સંસ્કૃત ગ્રંથોના તાત્વિક સિદ્ધાંતો પર 2 રચનાઓ તથા 15 વિવેચનગ્રંથો પ્રગટ કર્યાં છે. કાલિદાસની સંપૂર્ણ રચનાઓના 7 ગ્રંથોનાં વિવેચનાત્મક સમીક્ષિત સંસ્કરણનો તેમાં સમાવેશ થાય છે. તેને વ્યાસ પુરસ્કાર મળ્યો છે. તેમનું મહત્વનું કાર્ય તો કાલિદાસની કૃતિઓના શબ્દોની વર્ણાનુક્રમ સૂચિ રચવાનું છે. તેમના ઉપર જણાવેલ પ્રદાન માટે તેમને મધ્યપ્રદેશ સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારના પુરસ્કારો ઉપરાંત કાવ્યશાસ્ત્ર માટે મહામહોપાધ્યાય પી. વી. કાણે સુવર્ણચંદ્રક અને સંસ્કૃત સેવા માટે ભારતના રાષ્ટ્રપતિનું સન્માનપત્ર અને મહામહોપાધ્યાયની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સ્વાતંત્ર્યસંભવમ્’ તેમનું બીજું મહાકાવ્ય છે. તેમાં 28 સર્ગ અને 2,090 શ્લોકો છે અને તે મહાકાવ્યના નિયત સિદ્ધાંતોને અનુરૂપ ગ્રંથ છે. તેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને શ્રીમતી ઇન્દિરા ગાંધી સુધીનાં મહાન સ્વાતંત્ર્યસૈનિકોને આવરી લઈ આઝાદી મળ્યા પછીની ઘટનાઓ અને આંદોલનોનું કાવ્યાત્મક ચિત્રણ કરાયું છે. તેમની કવિસુલભ કલ્પના તથા સંસ્કૃત ભાષા, શૈલી અને શબ્દાવલી પરત્વેનું તેમનું પ્રભુત્વ અસાધારણ હોવાને કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય કાવ્યસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા