દ્વિર્દષ્ટિ

March, 2016

દ્વિર્દષ્ટિ (diplopia) : એક વસ્તુ બેવડી દેખાય તેવો વિકાર. તે એક અથવા બંને આંખમાં થાય છે. એક આંખના વિકારમાં એક આંખ વડે જોતાં અને બે આંખના વિકારમાં બંને આંખ વડે જોતાં એક વસ્તુ બેવડી દેખાય છે. તેથી આ બંને સ્થિતિઓને એકબીજીથી અલગ પાડવા વારાફરતી એક આંખ બંધ રાખીને તથા બંને આંખ ખુલ્લી રાખીને તપાસ કરાય છે.

એક આંખના વિકારોથી થતી દ્વિર્દષ્ટિને એકનેત્રી (unioccular) દ્વિર્દષ્ટિ કહે છે. તે ભાગ્યે જ જોવા મળે છે. આંખમાંનો નેત્રમણિ (lens) ખસી ગયેલો હોય, જન્મથી જ એકને બદલે બે કનીનિકા (pupils) હોય કે કનીનિકાપટલ(iris)ના મૂળમાં ચીરો પડેલો હોય તો એક આંખમાં બેવડું દેખાય છે. નેત્રમણિ કે સ્વચ્છા(cornea)માં કોઈ અપારદર્શક પદાર્થ કે વિસ્તાર હોય તો દેખવામાં આવતા ર્દશ્યમાં અનિયમિતતા અથવા વિરૂપતા (distortion) આવે છે પરંતુ કોઈ વસ્તુ બેવડી જોવા મળતી નથી. તેથી  આવી ર્દશ્યની અનિયમિતતાને દ્વિર્દષ્ટિના વિકારથી અલગ પાડવી પડે છે.

બે આંખે સાથે જોતી વખતે જો બેવડું દેખાય તો તેને દ્વિનેત્રી (binocular) દ્વિર્દષ્ટિ કહે છે. તે 2 પ્રકારની છે: (1) સામાન્ય અથવા દેહધાર્મિક અને (2) રોગજન્ય. રોજે રોજ બે આંખે સામાન્ય રીતે જોવાની ક્રિયાને સામાન્ય દ્વિનેત્રી દર્શન (binocular vision) કહે છે. તેમાં પણ બેવડું જોવાનો વિકાર તો થાય છે. પણ તેને મગજ અવગણે છે. સામાન્ય સંજોગોમાં બંને આંખ એક વસ્તુને સહેજ જુદા જુદા ખૂણેથી જુએ છે માટે તેનું બંને આંખના ર્દષ્ટિપટલો (retinae) પર સહેજ અલગ-અલગ પ્રતિબિંબ પડે છે. મગજનાં ઉપલાં ચેતાકેન્દ્રો આ પ્રકારનાં બે પ્રતિબિંબો પરથી એક ત્રિપરિમાણી (three dimentional) ચિત્ર તૈયાર કરે છે અને તેથી અંતર તથા વિસ્તારનું ભાન થાય છે. દારૂ પીધા પછી કે કોઈ વિકારને કારણે જો મગજનાં ઉપલાં કેન્દ્રો આવાં બે પ્રતિબિંબોનું સંયોજન કરીને એક ત્રિપરિમાણી ચિત્ર ન બનાવી શકે ત્યારે બેવડું દેખાય છે. આ સંજોગોમાં દર્દીઓની બેવડું દેખાવાની ફરિયાદ નિદાનકસોટીઓ દ્વારા દર્શાવી શકાતી નથી.

સામાન્ય ત્રિપરિમાણી ર્દષ્ટિ અને દ્વિર્દષ્ટિ : બે આંખ વડે કોઈ એક વસ્તુને જોવી હોય ત્યારે બંને આંખને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જે તે વસ્તુનું પ્રતિબિંબ બંને આંખના પીતબિન્દુ (maccula lutea) પર જ પડે. ર્દષ્ટિપટલ(retina)ના મધ્યભાગમાંના સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારને પીતબિંદુ કહે છે. સામાન્ય રીતે કોઈ પણ બહારની વસ્તુનું પ્રતિબિંબ બંને આંખના ર્દષ્ટિપટલના એકબીજાને સંબંધિત એવા વિસ્તારો પર પડે છે. જો બંને આંખનો એકબીજી સાથેનો સંબંધ બરાબર જળવાયેલો હોય તો મગજ તે બંને પ્રતિબિંબો વડે એક ત્રિપરિમાણી ચિત્ર ઊભું કરે છે; પરંતુ જો આંખના સ્નાયુઓનો લકવો થયેલો હોય કે બેમાંથી એક આંખનો ડોળો તેના મૂળ સ્થાનથી ગાંઠ કે ગૂમડાને કારણે ખસી ગયેલો હોય તો બંને આંખોનું હલનચલન એકબીજીના સંદર્ભે બરાબર રહેતું નથી અને તેથી બંને આંખોમાં પડતાં પ્રતિબિંબોને મેળવીને મગજ એક ત્રિપરિમાણી ચિત્ર બનાવી શકતું નથી. તેથી બંને પ્રતિબિંબો અલગ-અલગ જોવા મળે છે. આમ એક વસ્તુ બેવડી દેખાય છે. વિકારગ્રસ્ત આંખવાળું બીજું પ્રતિબિંબ મૂળ અથવા યોગ્ય પ્રતિબિંબની કઈ દિશામાં આવેલું છે તેના આધારે આંખના કયા સ્નાયુનો લકવો થયો છે તે જાણી શકાય છે. જે આંખ વિકારગ્રસ્ત હોય તે તરફનું પ્રતિબિંબ ખોટું હોય તો તેને સમપાર્શ્વીય (homonymous) પ્રતિબિંબ કહે છે અને જો વિકારગ્રસ્ત આંખ કરતાં અવળી બાજુનું પ્રતિબિંબ ખોટું હોય તો તેને અસમપાર્શ્વીય (crossed) પ્રતિબિંબ કહે છે. ઉદાહરણ રૂપે જો ડાબી આંખના સ્નાયુનો લકવો હોય અને બંને પ્રતિબિંબોમાંથી ડાબી બાજુનું પ્રતિબિંબ ખોટું હોય તો તેને સમપાર્શ્વીય પ્રતિબિંબવાળો વિકાર અથવા સમપાર્શ્વીય દ્વિર્દષ્ટિ(homonymous diplopia)નો વિકાર કહેવાય છે અને જો જમણી બાજુનું પ્રતિબિંબ ખોટું હોય તો તેને અસમપાર્શ્વીય દ્વિર્દષ્ટિનો વિકાર કહેવાય છે. જો નાક તરફના સ્નાયુઓનો વિકાર હોય તો આંખ લમણા તરફ ત્રાંસી બને છે અને લમણા તરફના સ્નાયુઓના વિકારમાં આંખ નાક તરફ ત્રાંસી બને છે. નાક તરફ ત્રાંસી થયેલી આંખ બીજી આંખની નજીક આવે છે માટે તેને સમીપવર્તી (convergent) ત્રાંસી આંખનો વિકાર કહે છે અને લમણા તરફ ત્રાંસી થયેલી આંખ બીજી આંખથી દૂર જાય છે. માટે તેને દૂરવર્તી (divergent) ત્રાંસી આંખનો વિકાર કહે છે. સમીપવર્તી ત્રાંસી આંખને કારણે સમપાર્શ્વીય દ્વિર્દષ્ટિ અને દૂરવર્તી ત્રાંસી આંખને કારણે અસમપાર્શ્વીય દ્વિર્દષ્ટિનો વિકાર થાય છે. જે દિશામાં જોવાથી બેવડું દેખાતું હોય તે દિશામાં વધુ ને વધુ જોવાથી બંને પ્રતિબિંબો વચ્ચેનું અંતર વધતું જાય છે. તેથી જે પ્રતિબિંબ દૂર ને દૂર જતું દેખાય તે પ્રતિબિંબ ખોટું પ્રતિબિંબ હોય છે.

આંખોના સ્નાયુના લકવા ઉપરાંત જો આંખ માટેના ગોખલામાં ગાંઠ હોય, લોહીનો ગઠ્ઠો જામ્યો હોય કે ગૂમડું થયું હોય તો જે તે આંખ તેના સ્થાનેથી ખસી જાય છે. માટે તેમાં પણ દ્વિનેત્રી દ્વિર્દષ્ટિનો વિકાર થાય છે. સામાન્ય રીતે આવી રીતે ખસી ગયેલી આંખ આગળની બાજુ ઊપસી આવેલી હોય છે. આંખના એકથી વધુ સ્નાયુઓનો લકવો થાય તો ત્યારે પણ આંખ ઊપસી આવેલી હોય છે. જો એક આંખ ઊપસી આવેલી હોય તો તેવી સ્થિતિને ઉદ્-નેત્રતા (proptosis) કહે છે. ક્યારેક પીયૂષિકા (pituitary) ગ્રંથિના વિકારમાં ઉદ્-નેત્રતા અને દ્વિર્દષ્ટિ થતી જોવા મળે છે. તેવી જ રીતે મગજના નીચલા ભાગમાં આવેલા છિદ્રાળુ શિરાવિવર(cavernous sinus)માં ચેપ ફેલાય તોપણ આ બંને વિકારો થાય છે. ક્લોસ્ટ્રિડિયમ બોચ્યુલિઝમ નામના જીવાણુથી થતા બોચ્યુલિઝમ નામના રોગમાં દ્વિર્દષ્ટિ થાય છે.

શિલીન નં. શુક્લ