દ્વિધ્રુવ (dipole) : એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા બે સરખા પણ  વિરુદ્ધ પ્રકારના વીજભારો અથવા ચુંબકીય ધ્રુવો ધરાવતી પ્રણાલી. દા.ત., હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટૉન અને કક્ષાકીય (orbital) ઇલક્ટ્રૉન, અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ અણુમાંના હાઇડ્રોજન અને ક્લોરિન પરમાણુઓ. [30 MHz થી ઓછી આવૃત્તિ માટે વપરાતાં એરિયલ કે ઍન્ટેના ખંડ (antenna element) માટે પણ ‘દ્વિધ્રુવ’ શબ્દ વપરાય છે.] પ્રયુક્ત ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તિત્વ ધરાવતા આણ્વીય દ્વિધ્રુવોને કાયમી દ્વિધ્રુવો (permanent dipoles) કહે છે; જ્યારે ક્ષેત્રની અસર હેઠળ ઉદભવતા દ્વિધ્રુવોને પ્રેરિત દ્વિધ્રુવો (induced dipoles) કહે છે. પાણી અને આલ્કોહૉલ જેવાં સંયોજનોના અણુઓ કાયમી દ્વિધ્રુવો હોય છે. આવા આણ્વીય દ્વિધ્રુવો વૈદ્યુતિક ર્દષ્ટિએ તટસ્થ હોવા છતાં તેમના ધન અને ઋણ વીજભારનાં સરેરાશ સ્થાનો સંપાતી ન હોવાને કારણે તેમનામાં વીજભારોનું  સ્થાનીકૃત (localized) વિતરણ થયેલું હોય છે. બાહ્ય વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર આવા દ્વિધ્રુવને બળઆઘૂર્ણ (torque) આપી કણને ક્ષેત્રની દિશામાં ગોઠવે છે.

દ્વિધ્રુવના ગુણધર્મો તેની દ્વિધ્રુવ ચાકમાત્રા (dipole moment), m, એટલે કે એક ધ્રુવનો વીજભાર (Q) અને બે ધ્રુવોનાં કેન્દ્રો વચ્ચેના અક્ષીય સદિશ અંતર(d)ના ગુણાકાર વડે નક્કી થાય છે. μ = Q.d (અથવા qiri).

દ્વિધ્રુવ ચાકમાત્રા ઘણી વાર ડિબાય (debyes) એકમોમાં દર્શાવાય છે. તેનો SI એકમ કુલંબ-મીટર છે.

હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) જેવા દ્વિપરમાણુક અણુમાં દ્વિધ્રુવ ચાકમાત્રા એ તેમાંના બંધની ધ્રુવીય પ્રકૃતિ(polar nature)નું એટલે કે સરેરાશ ઇલેક્ટ્રૉન વીજભાર કોઈ એક પરમાણુ તરફ કેટલો ખસેલો છે તેનું માપ છે. HClમાંના ઇલેક્ટ્રૉન વધુ ઋણવિદ્યુતી (electro-negative) એવા ક્લોરિન પરમાણુ તરફ આકર્ષાયેલા હોય છે. બહુ- પારમાણ્વિક અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા એ વ્યક્તિગત બંધોની ચાકમાત્રાના સદિશ સરવાળા બરાબર હોય છે. આથી જ કાર્બન ટેટ્રાક્લોરાઇડ (ટેટ્રાક્લોરોમિથેન) જેવા સમમિતીય અણુમાં  C-Cl બંધ વ્યક્તિગત રીતે ધ્રુવીય હોવા છતાં અણુની સમગ્ર રીતે ચાકમાત્રા શૂન્ય હોય છે.

એક વીજધ્રુવ કે જેની ચાકમાત્રા સાઇનવક્રીય દોલન (sinusoidal oscillation) પામતી હોય તે વીજચુંબકીય તરંગો વિકિરિત કરે છે. વીજચુંબકીય વિકિરણનો સિદ્ધાંત સમજવામાં તે ઉપયોગી છે.

જ. દા . તલાટી