દ્વિરેફની વાતો ભાગ 1 (1928), ભાગ 2 (1935), ભાગ 3 (1942) : રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ કાળના પ્રવાહમાં ટકી રહી હોય તેવી વાર્તાઓમાં મુખ્ય છે : ‘જક્ષણી’, ‘મુકુંદરાય’ અને ‘ખેમી’. ‘જક્ષણી’ એ સામાજિક અંધશ્રદ્ધા ઉપર કટાક્ષ કરતી પરિસ્થિતિજન્ય વાર્તા છે. ‘મુકુંદરાય’ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણપ્રથાનાં દૂષણો દર્શાવી, ભારતીય સંસ્કૃતિ અને કુટુંબભાવના, શિષ્ટાચાર વગેરેમાં આવેલાં પરિવર્તનો તરફ અણગમો દર્શાવે છે. ‘ખેમી’ અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા અને વ્યક્તિશોષણનું દુ:ખકર અને કરુણ પરિણામ દર્શાવતી ઘટના છે. વાર્તાનું ચિરંજીવી તત્વ છે, માનવીય સંસ્પર્શ અને સંદર્ભ.
ભાગ 2માંની વાર્તાકલા ભાગ 1ના પ્રમાણમાં વધુ વિકાસ પામી છે. વાર્તાકારનો ર્દષ્ટિકોણ બદલાયો છે. આ ભાગમાંની કુલ 10 વાર્તાઓમાં ‘કુલાંગાર’ પ્રયોગાત્મક વાર્તા છે. સંવાદપ્રધાન માળખું ધરાવતી આ વાર્તાની શૈલી ર્દશ્ય-શ્રાવ્ય પ્રકારની યોજી છે. ‘દેવી કે રાક્ષસી’ માનવીય પ્રેમના ગૂઢ રહસ્યનું દર્શનશાસ્ત્ર આપે છે. સ્ત્રી-પુરુષના આ પ્રેમતત્વની મીમાંસા કરતાં લેખક છેવટે માનવીની લાચારી કે મર્યાદાને વ્યક્ત કરે છે. ‘સુરદાસ’ વાર્તામાં માનવી પોતે જ પોતાની જાતને નીચો માની લઘુતા-ગ્રંથિથી પીડાય છે; પોતાને સતત બધા અન્યાય થયા કરે છે એવી ભ્રામક લાગણીથી દોરવાઈને ખૂન કરવાની કક્ષા સુધી તે પહોંચી જાય છે. પ્રસંગપ્રધાન વાર્તા ‘બે મુલાકાત’ સ્વાતંત્ર્યસંગ્રામ કે અસહકારની લડતને વિષય બનાવીને લખાયેલી પ્રથમ વાર્તા છે. સામાજિક સંદર્ભો, નીતિમત્તા અને માનવીય સંદર્ભોની સાથે સાથે માનવીની જીવનરીતિ વિશે પણ લેખક ઘણું કહેવા માગે છે. પણ કલાની અને કલાકારની મર્યાદા પણ તે પાળે છે.
ભાગ 3માં 17 વાર્તા છે. ‘તું પોતે જ તારો દુશ્મન’ માટે તું તને ઓળખ, એ સૂત્ર સમજાવ્યું છે. આ જીવનદર્શન ‘કાગટોડા’ વાર્તામાં સરસ રીતે ગૂંથાયેલું છે. ત્રીજા ભાગની લગભગ બધી જ વાર્તા માનવચિત્તની વિવિધ સંકુલ પરિસ્થિતિઓને નિરૂપે છે. ચંચળ અને અસ્વસ્થ મન:સ્થિતિમાંથી માણસ સતત ઉદ્વિગ્ન રહીને દુ:ખી થયા કરે છે, એ જીવનદર્શન એમની બધી વાર્તાઓમાં થોડે વત્તે અંશે વ્યક્ત થાય છે, અપવાદ રૂપે તેનાથી વિરુદ્ધ માનવીય સંદર્ભોનું એક બીજું પાસું તેમની ‘રેંકડીમાં’ તથા ‘કંકુડી અને કાનિયો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત થાય છે.
સમગ્ર રીતે જોતાં એમની આ વાતો વાસ્તવદર્શી તથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપર રચાયેલી છે. માનવજીવનની સંકુલ અને વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતિઓને તે રસિક અને કટાક્ષમય શૈલીમાં પ્રયોગશીલ બનાવીને નિરૂપે છે; એ રીતે દ્વિરેફની વાર્તાઓનું માળખું વૈચારિક અને તાર્કિક અનુબંધવાળું છે.
બટુક દલીચા