દ્વિમુખી શાસનપદ્ધતિ

March, 2016

દ્વિમુખી શાસનપદ્ધતિ (1765 – 1772) : બે શાસકો દ્વારા દીવાની (મહેસૂલી) તથા નિઝામત (વહીવટી) સત્તા અલગ અલગ ભોગવવાની શાસનપદ્ધતિ. બંગાળના ગવર્નર તરીકે રૉબર્ટ ક્લાઇવ મે, 1765માં ભારત પાછો ફર્યો અને બકસરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઑગસ્ટ, 1765માં મુઘલ શહેનશાહ શાહઆલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા ઓરિસામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. આ અધિકાર દીવાની સત્તા તરીકે ઓળખાય છે. તદનુસાર બ્રિટિશ કંપનીએ મહેસૂલની આવકમાંથી બંગાળના નવાબને વહીવટી ખર્ચ માટે પ્રતિવર્ષ રૂ. 53 લાખ તથા મુઘલ બાદશાહને ખંડણી પેટે પ્રતિવર્ષ રૂ. 26 લાખ આપી બાકીની રકમ પોતાની પાસે રાખવાનું નક્કી કરવામાં આવ્યું.

મુઘલ સામ્રાજ્યના પ્રાંતોમાં બે મુખ્ય અધિકારીઓ (1) નવાબ (સૂબેદાર કે નઝીમ) અને (2) દીવાન હતા. નવાબ તેના પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા તથા ફોજદારી ન્યાયતંત્રની જવાબદારી સંભાળતો. દીવાનનો હોદ્દો અલગ હતો. તે મહેસૂલ ઉઘરાવવાની અને દીવાની ન્યાયતંત્રની જવાબદારી સંભાળતો હતો. બંગાળના નવાબો ઉપર દર્શાવેલી બંને પ્રકારની સત્તા સંયુક્ત રીતે ભોગવતા હતા; પરંતુ અંગ્રેજ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસાની દીવાની સત્તા મળતાં વહીવટનું નિઝામત અને દીવાની એમ વિભાગીકરણ થયું. તેથી બંગાળ(તેમાં બિહાર અને ઓરિસાનો સમાવેશ થતો હતો)માં દ્વિમુખી શાસનપદ્ધતિ સ્થપાઈ.

આ પદ્ધતિ અનુસાર અંગ્રેજ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી; જ્યારે ત્યાં સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નવાબના અધિકારીઓ પાસે રહી. આમ થવાથી કંપનીને રાજ્યનો વહીવટ કરવાની કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી વિના આવકનાં પૂરતાં સાધનો મળ્યાં; જ્યારે નવાબને નિશ્ચિત આવકમાંથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળવી પડી.

આ દ્વિમુખી શાસનપદ્ધતિના પરિણામે બંગાળ, બિહાર તથા ઓરિસામાં અરાજકતા ફેલાઈ. અંગ્રેજોએ આ ત્રણે પ્રાંતોમાં લોકોનું શોષણ કરી ખેતી, વેપાર તથા ઉદ્યોગોને પાયમાલ કર્યાં. બંગાળનો નવાબ કંપનીના હાથમાં રમકડા જેવો હતો. વાસ્તવમાં સર્વ સત્તા કંપની પાસે જ હતી, પરંતુ તેણે વહીવટની જવાબદારી લીધી નહિ. ઈ. સ. 1770માં બંગાળમાં દુષ્કાળ પડ્યો ત્યારે કંપનીના નોકરોએ લોકો પ્રત્યેની ફરજ બજાવી નહિ તેથી લાખો માણસો મરણ પામ્યા. સત્તાને જવાબદારીથી અલગ પાડવાથી આ ભયંકર હોનારત સર્જાઈ. આ પદ્ધતિથી બંગાળનું શાસનતંત્ર ઠપ થઈ ગયું. સમગ્ર પ્રાંતમાં અવ્યવસ્થા પ્રવર્તી. ખેડૂતો, વેપારીઓ તથા કારીગરો ઉપર જુલમ ગુજારવામાં આવ્યો. આ પદ્ધતિનો અમલ 1765થી 1772 સુધી થયો. વૉરન હેસ્ટિંગ્સે આ પદ્ધતિ રદ કરીને બંગાળનો સંપૂર્ણ વહીવટ કંપની હસ્તક લીધો.

રમણલાલ ક. ધારૈયા