દ્વિમુખી અર્થતંત્ર

March, 2016

દ્વિમુખી અર્થતંત્ર (dual economy) : અર્થતંત્રમાં આધુનિક અને પરંપરાગત ક્ષેત્રોનું સહઅસ્તિત્વ. વિશ્વના વિકાસશીલ દેશોમાં દ્વિમુખી  અર્થતંત્ર જોવા મળે છે. તેમાંનું એક પરંપરાગત ક્ષેત્ર ભારતમાં ખેતી, ગ્રામોદ્યોગો, ગૃહઉદ્યોગો, પરિવહનસેવા વગેરેમાં જોવા મળે છે જ્યારે બીજું આધુનિક ક્ષેત્ર મોટા પાયાના અને મધ્યમ પાયાના ઉદ્યોગો, તેમની સાથે સંકળાયેલા નાના પાયાના ઉદ્યોગો, આધુનિક પરિવહનસેવા, બૅન્કો વગેરેમાં જોવા મળે છે. આમ ભારત જેવા વિકાસશીલ દેશોમાં એક તરફ ઉત્પાદનનાં ચડિયાતાં સાધનો, ઉચ્ચ કક્ષાની ટૅક્નૉલૉજી, મૂડીપ્રધાન ઉત્પાદનપદ્ધતિ તથા વ્યવસ્થાપન-ક્ષેત્રનું અદ્યતન કૌશલ ધરાવતા નિષ્ણાતોના સહયોગથી ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો અસ્તિત્વ ધરાવતા હોય છે તો બીજી તરફ આ બધાંની અછત ધરાવતા ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો જોવા મળે છે. તેવી જ રીતે કૃષિક્ષેત્રમાં એક તરફ નાનાં ખેતરો પર નિભાવ પૂરતું ઉત્પાદન કરતા ખેડૂતો હોય છે, તો બીજી તરફ યંત્રોનો ઉપયોગ કરતા મોટા ખેડૂતો જોવા મળે છે. આ દેશોમાં નાણાબજાર પણ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. ભારતમાં એક તરફ શાહુકારો અને દેશી શરાફોનું પરંપરાગત ક્ષેત્રમાં વર્ચસ છે તો બીજી તરફ આધુનિક ક્ષેત્રમાં વેપારી બૅંકો જેવી સંસ્થાકીય રીતે ધિરાણ આપતી ખાનગી અને રાજ્ય હસ્તકની સંસ્થાઓનું વર્ચસ છે.

દ્વિમુખી અર્થતંત્રમાં આર્થિક વિકાસ આરંભમાં અર્થતંત્રના આધુનિક વિભાગમાં પ્રસરે છે. આધુનિક ક્ષેત્રમાં કામદારોની ઉત્પાદનશક્તિ વધારે હોવાથી તેમને વધારે વેતન મળે છે; એટલું જ નહિ, તેમની ઉત્પાદકતા વધતી જતી હોવાથી તેમના વેતનમાં વૃદ્ધિ થતી રહે છે. બીજી બાજુ પરંપરાગત ક્ષેત્રમાં જૂની ટૅક્નૉલૉજી ચાલુ રહેવાથી કામદારોની ઉત્પાદકતા ઓછી હોય છે અને તે વધતી નથી. તેથી તેમના વેતનમાં વધારો થઈ શકતો નથી. આને પરિણામે એ બે ક્ષેત્રો વચ્ચે આવકની અસમાનતા જોવા મળે છે.

વિભાજિત અર્થતંત્રનો આ ખ્યાલ 1953માં ડચ અર્થશાસ્ત્રી જે. કે. બોએકે ઇન્ડોનેશિયાના સંદર્ભમાં રજૂ કર્યો હતો, જોકે તેમણે સામાજિક અને સાંસ્કૃતિક દ્વિભાજન પર વિશેષ ભાર મૂક્યો હતો. પરંતુ એ પછીની ચર્ચાઓમાં અર્થશાસ્ત્રીઓએ આર્થિક દ્વિભાજન પર ભાર મૂક્યો હતો. આજે હવે વિકાસશીલ દેશોના વિકાસની ચર્ચામાં ભાગ્યે જ દ્વિભાજિત અર્થતંત્રના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આઠમા દાયકાથી સંખ્યાબંધ વિકાસશીલ દેશોનાં અર્થતંત્રોનું ઝડપથી આધુનિક અર્થતંત્રમાં રૂપાંતર થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે