દ્રાવકવિઘટન (solvolysis)  : દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થ સાથે પાણી કે આલ્કોહૉલ જેવા દ્રાવકો વડે થતી રાસાયણિક પ્રક્રિયા. સામાન્ય રીતે દ્રાવકનું પ્રમાણ પ્રક્રિયા માટે જરૂરી કરતાં ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અહીં દ્રાવક દ્રાવ્ય સાથે પ્રક્રિયા કરીને નવું સંયોજન બનાવે છે. આ વિધિમાં સામાન્યત: મધ્યવર્તી સંયોજનો બનતાં હોય છે. દ્રાવકવિઘટન-પ્રક્રિયાઓ એ વિસ્થાપનપ્રક્રિયાઓ છે.

અહીં દ્રાવકો પોતે ઇલેક્ટ્રૉનસમૃદ્ધ (electron rich) અથવા કેન્દ્રાનુરાગી ઘટકો તરીકે વર્તે છે અથવા એવા પરમાણુઓ કે સમૂહો ઉત્પન્ન કરે છે કે જે અવસ્તરીય(substrate) અણુમાંના પરમાણુ અથવા સમૂહને વિસ્થાપિત કરે છે. ઊંચા તાપમાને કે પ્રબળ બેઇઝની હાજરીમાં કેટલાક દ્રાવકો વિલોપનકારકો (eliminating agents) તરીકે વર્તીને આલ્કિલ હેલાઇડમાંથી આલ્કીન બનાવે છે. દ્રાવક-વિઘટનપ્રક્રિયાને સામાન્ય રીતે જે ચોક્કસ દ્રાવક વપરાતો હોય તેના નામ ઉપરથી ઓળખવામાં આવે છે; દા. ત., જ્યારે પાણી પ્રક્રિયક તરીકે વર્તતું હોય તો પ્રક્રિયાને જળવિભાજન કે જળવિઘટન કહે છે. અહીં પાણીના અણુનું આયનીકરણ થવા ઉપરાંત જળવિભાજન પામતા પદાર્થનું વિઘટન થાય છે; દા. ત., CH3COOC2H5 + HOH → CH3COOH + C2H5OH

જગદીશ જ. ત્રિવેદી