દ્રાવકયોજન (solvation) : દ્રાવ્યના આયનિક, આણ્વિક અથવા કણરૂપ (particulate) એકમોનું દ્રાવકના અણુઓ સાથેનું સહયોજન (association) અથવા સંયોજન (combination). જલીય દ્રાવણમાં થતી આવી આંતરક્રિયા  (hydration) તરીકે ઓળખાય છે. આ સહયોજન ભૌતિક, રાસાયણિક કે તે બંને પરિબળોને આભારી હોય છે અને તે મુજબ નિર્બળ, અનિશ્ચિત સંકીર્ણથી માંડીને ચોક્કસ રાસાયણિક સંયોજન બને છે. આવું રાસાયણિક સંયોજન પ્રત્યેક દ્રાવ્ય એકમદીઠ નિશ્ચિત સંખ્યાના દ્રાવક અણુઓ ધરાવે છે; દા. ત., [Cu(H2O)6]2+. દ્રાવકયોજન એ આયનિક ઘન પદાર્થોને ઓગાળવામાં કારણભૂત  (process) છે. આવે વખતે ઉદભવતી ઊર્જા સ્ફટિક-જાલક(crystal lattice)ને તોડવા માટે જોઈતી ઊર્જા પૂરી પાડે છે.

સોડિયમ ક્લોરાઇડ (NaCl) જેવા ક્ષારને પાણીમાં ઓગાળવાથી મળતા (જલીય) આયનિક દ્રાવણમાં ઉત્પન્ન થયેલાં Na+ આયનો ઊંચી ધ્રુવીયતાવાળા પાણીના અણુઓને એવી રીતે આકર્ષે છે કે તેમાંના ઋણાત્મક (negative) ઑક્સિજન પરમાણુઓ ધનાત્મક Na+ આયન તરફ ગોઠવાઈ એકમ જલયોજન ગોલક (sphere of hydration) રચે છે. પરિણામે કોઈ એક વોલ્ટેજપ્રવણતા(voltage-gradient)એ આયનની ગતિશીલતા ઘટે છે. જલયોજનનું પ્રમાણ આયનના વીજભાર તથા પરિમાપ ઉપર આધાર રાખે છે.

કેટલાંક કલિલીય દ્રવરાગી નિલંબન(colloidal lyophilic suspensions)માં દ્રાવકયોજન દ્રાવણના સ્થાયિત્વ માટે મહદંશે જવાબદાર હોય છે. દ્રવરાગી વિલય(lyophilic sols)માંના કણો તેમની સપાટી ઉપર દ્રાવક અણુઓના એક  વધુ સ્તરનું પ્રબળ અધિશોષણ કરે છે. આવો રક્ષણાત્મક સ્તર કણોને જોડાવા માટે એકબીજાની નજીક  આવતાં રોકે છે.

પાણીમાં સ્ટાર્ચ તથા પ્રોટીન જેવા પદાર્થો નિલંબન (suspension) બનાવે છે જે પ્રબળ રીતે દ્રાવણયોજન પામેલા હોય છે. આ પ્રકારની પ્રણાલીઓ શુદ્ધ દ્રાવક કરતાં ખૂબ ઊંચી શ્યાનતા (viscosity) દર્શાવે છે.

જગદીશ જ. ત્રિવેદી