દ્રવ-પ્રેષણ-પંપ (hydraulic transmission pump) : દ્રવપ્રેરિત શક્તિમાં મુખ્યત્વે ચાર પ્રકારના પંપ વપરાય છે : ગિયરપંપ, વેનપંપ, પિસ્ટનપંપ અને સ્ક્રૂપંપ. આ દરેક પ્રકારના પંપમાં, દ્રવના ચોક્કસ કદને ચૂષણચક્ર(suction cycle)માં લેવામાં આવે છે. પ્રવાહીનું દબાણ વધારીને તેને જરૂરી કાર્ય માટે મોકલવામાં આવે છે. આધુનિક ગિયરપંપ, પ્રવાહીનું દબાણ 175 બાર જેટલું વધારે છે અને આવું પ્રવાહી 13 લિટર/સે.ના દરે બહાર મોકલે છે. વેનપંપની કાર્યસિદ્ધિ લગભગ ગિયરપંપ જેટલી જ હોય છે. ગિયરપંપ બદલાતા (varying) પ્રવાહદર(flow-rate)ની સાથે મેળ પાડી શકતા નથી. વેનપંપ અચળ અથવા પરિવર્તી વિસ્થાપન (displacement) અભિકલ્પ(design)વાળા બને છે. પરિવર્તી વિસ્થાપન પંપ અમર્યાદિત મેળ સાથે, પ્રવાહીના વહેવા ઉપર અંકુશ ધરાવે છે અને આ જાતના પંપમાં ગતિના નિયંત્રણની નમ્ય (flexible) પદ્ધતિ અમલી બનાવવી શક્ય હોય છે.
દ્રવપ્રેરિત શક્તિ માટે વપરાતા પિસ્ટનપંપ બે પ્રકારના હોય છે : અરીય (radial) અને અક્ષીય. અરીય પંપમાં, બહુવિધ (multiple) પિસ્ટનની અક્ષો (axis) પંપશાફ્ટના કેન્દ્રમાંથી અરીય રીતે બહાર જાય છે. અક્ષીય પંપમાં પિસ્ટનની અક્ષ પંપશાફ્ટની મધ્યરેખા(centerline)ને સમાંતર હોય છે. પિસ્ટનપંપમાં 210 બાર સુધીનું દબાણ મેળવવાનું ઘણું જ સરળ છે. હાલ 700 બાર કે તેથી વધુ દબાણ આપતા પિસ્ટનપંપ પણ ઉપલબ્ધ છે. અન્ય પ્રકારના પંપની સરખામણીએ પિસ્ટનપંપ પ્રવાહીનું ઘણું ઉચ્ચ દબાણ ઉત્પન્ન કરી શકે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ