દ્રવચાલિત શક્તિ (hydraulic power) : ગતિમાન અથવા દબાણ હેઠળ રહેલા પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતી શક્તિ. આ શક્તિ ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. આધુનિક દ્રવચાલિત શક્તિ અંગેનો અભ્યાસ જાણીતા વૈજ્ઞાનિકો પાસ્કલ અને બરનોલીએ કર્યો. પાસ્કલના સિદ્ધાંતનો ઉપયોગ દ્રવચાલિત દાબક(hydraulic press)માં થાય છે. બરનોલીએ તેમનો સિદ્ધાંત પાસ્કલના સિદ્ધાંત બાદ ઘણાં વર્ષે આપ્યો અને તેમણે જણાવ્યું કે પ્રવાહીની અંદર ઘર્ષણવ્યય અને કાર્યવ્યય ન હોય તો નળીમાં દાખલ થતા પ્રવાહીની શક્તિ અચળ રહે છે. ઓગણીસમી સદી બાદ પંપની શોધ થયા પછી, પ્રવાહીમાં ઘણું વધુ દબાણ ઉત્પન્ન કરવાનું શક્ય બન્યું અને આ બંને વૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો બહોળો ઉપયોગ કરવો શક્ય બન્યો. દબાણથી મોકલાયેલા પ્રવાહી વડે કારખાનામાં યંત્રો ચલાવવાનું 1882માં શક્ય બન્યું. 1920માં પંપ, મોટર અને જુદાં જુદાં નિયંત્રણોવાળા દ્રવચાલિત એકમો અસ્તિત્વમાં આવ્યા.

દ્રવચાલિત શક્તિમાં મુખ્યત્વે પાંચ ભાગો હોય છે : (1) ચાલક, (2) પંપ, (3) નિયંત્રણ વાલ્વ, (4) દ્રવપ્રેરિત મોટર, (5) ભાર (load). ચાલક ઇલેક્ટ્રિકલ મોટર અથવા કોઈ પણ પ્રકારનું એંજિન હોઈ શકે. ચાલકથી ચાલતા પંપનું મુખ્ય કાર્ય પ્રવાહીનું દબાણ વધારવાનું હોય છે. દ્રવચાલિત મોટરનું કાર્ય પ્રવાહીની શક્તિને યાંત્રિક ભાર ઉપર તબદીલ કરવાનું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ દ્રવચાલિત શક્તિનો ઘણો વિકાસ થયો. મશીન-ટૂલ્સ, ખેતીમાં વપરાતાં યંત્રો, બાંધકામમાં વપરાતાં યંત્રો અને ખીણમાં વપરાતાં યંત્રોમાં આ શક્તિ વ્યાપકપણે વપરાવા માંડી. આ શક્તિનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં સરળતાથી ગતિ અને દબાણમાં ફેરફાર કરી શકાય છે. હાલ તેનો વ્યાપક ઉપયોગ ઔદ્યોગિક, ખેતી અને સંરક્ષણનાં સાધનોમાં થાય છે.

બધા જ પ્રકારનાં પ્રક્ષેપાસ્ત્રો (missiles) અને તેમને જમીન ઉપર આધાર આપનાર સાધનો દ્રવચાલિત શક્તિનો ઉપયોગ કરે છે. મોટરગાડીમાં કાર્ય કરતી સંચારણ (transmission) અને ચાલન(steering)ની યાંત્રિક ગોઠવણમાં પણ આ શક્તિ વ્યાપકપણે વપરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ