દ્રવ્યસંચયનો નિયમ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યની અવિનાશિતા (indestructibility) દર્શાવતો રસાયણશાસ્ત્રનો એક અગત્યનો નિયમ. લાવાઝિયે(1789)ના આ નિયમ મુજબ દ્રવ્ય અવિનાશી છે અને તેથી જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોનું  વજન અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થો(નીપજો)નું કુલ વજન સરખું હોય છે અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો નાશ થતો નથી કે તેનું સર્જન થતું નથી પણ ફક્ત તેની પુનર્વહેંચણી થાય છે; દા. ત., પ્રક્રિયકો A અને Bનું અનુક્રમે m અને n ગ્રામ વજન લીધું હોય અને તેમની વચ્ચે પ્રક્રિયા  C અને Dનું અનુક્રમે x અને y ગ્રામ વજન ઉત્પન્ન થતું હોય તો

m + n = x + y

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઊર્જાના ફેરફારો વજનની ર્દષ્ટિએ બહુ મોટા ન હોવાથી આઇન્સ્ટાઇનના સમીકરણ, E = mc2નો બાધ અહીં નડતો નથી. પણ વધુ ચોક્કસ કથન કરવું હોય તો હવે એમ કહી શકાય કે રાસાયણિક ફેરફાર દરમિયાન દ્રવ્ય અને ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે છે.

જ. દા. તલાટી