દ્રવ્યસંગ્રહ (બારમી સદી) : જૈનદર્શનનાં જુદાં જુદાં દ્રવ્યોની વિચારણા કરતો ગ્રંથ. તેના લેખક નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી (બારમી સદી) નામના જૈન મુનિ છે. તેમાં પ્રાકૃત ભાષામાં ફક્ત 58 ગાથાઓની રચના કરવામાં આવી છે. લેખકે ‘ગોમ્મટસાર’, ‘ત્રિલોકસાર’ અને ‘લબ્ધિસાર’ – ત્રણ ગ્રંથોના લેખક તરીકે વધુ પ્રસિદ્ધિ મેળવેલી છે. ‘દ્રવ્યસંગ્રહ’માં ત્રણ અધિકારોમાં વિશ્વનાં ઘટક દ્રવ્યો અને સંસારમાંથી મુક્તિ વિશે ચર્ચા કરવામાં આવી છે.  વિસ્તારથી સમજાવવાનું કાર્ય બ્રહ્મદેવે તેના પર સંસ્કૃતમાં ટીકા લખીને કર્યું છે.

પહેલા અધિકારમાં જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ છ દ્રવ્યો અને તેમની ઉપાદેયતા કે હેયતા વિશે વિચારણા કરી છે. એ પછી બીજા અધિકારમાં આસ્રવ, બંધ અને કર્મની અને ત્રીજા અધિકારમાં  મોક્ષ, ધ્યાન અને તત્વ વગેરેની ચર્ચા લેખકે આપી છે. લેખક શુદ્ધ નયની ર્દષ્ટિએ શક્તિ-રૂપથી શુદ્ધ, બુદ્ધ, એક સ્વભાવના ધારક બધા જીવોને ઉપાદેય માને છે. વ્યક્તિરૂપથી અર્હન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ઉપાદેય છે. જીવ એક ચેતન દ્રવ્ય છે જે નિત્ય ચૈતન્ય છે. પુદગલ મૂર્તિક છે. બધાં દ્રવ્યો પ્રદેશવાળાં છે. ફક્ત આકાશ ક્ષેત્રવાળું દ્રવ્ય છે. જીવ અક્ષય અનંત છે, પુદગલ અનંતાનન્ત છે. ધર્મ એક, અધર્મ એક અને આકાશ એક અખંડ દ્રવ્ય છે. આકાશની ઉપર જુદા જુદા લોકો આવેલા છે. કાલ અસંખ્ય અણુપ્રમાણ છે. વ્યવહાર-નયની રીતે આઠ પ્રકારનું જ્ઞાન અને ચાર પ્રકારનું દર્શન પામે તેનું નામ જીવ છે. પરંતુ શુદ્ધ-નયની રીતે શુદ્ધ દર્શન અને જ્ઞાન જીવનું લક્ષણ છે.  પ્રત્યેક સમયે સતત જ્ઞાનની ક્રિયા જોવા મળે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મૂર્ત છે. તેની સાથે રહેલું હોવાથી પુદગલને મૂર્તિક કહે છે. પુદગલ બે પ્રકારના હોય છે : (1) અણુ કે પરમાણુ અને (2) સ્કંધ. વળી ધર્મ , અધર્મ, આકાશ અને કાળ એ ચાર અમૂર્ત છે. પુદગલની વિવિધ  શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ છે. ધર્મ ગતિનું સહકારી કારણ છે. સ્વતંત્ર એવું ધર્મદ્રવ્ય ગતિનું ઉદાસીન એવું નિમિત્ત કારણ ગણાયું છે. પુદગલ-જીવોનું  અવરોધક સહકારી કારણ અધર્મ છે, જ્યારે જીવ પુદગલ વગેરેને જગ્યા આપી શકે તેને આકાશ કહે છે. દ્રવ્યના પરિણમન અને પરિવર્તન વડે  મિનિટ, ઘડી, દિન, સપ્તાહ, પક્ષ, માસ, વર્ષ વગેરેથી મપાયેલો સમય વ્યવહારકાળ છે. નિરંતર ચાલતો રહેતો તે નિશ્ચયકાળ છે. પદાર્થના સ્વભાવને ભાવ કહે છે. જીવ અને અજીવના વિશેષ ભેદ પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર,  નિર્જરા તથા મોક્ષ વગેરે કહ્યા છે. સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્રની એકતાને મોક્ષનો માર્ગ  કહેવામાં આવ્યો છે. આમ દિગંબર સંપ્રદાયના આ ગ્રંથમાં જૈનદર્શનનાં મૂળ તત્વોનું વર્ણન છે.

દેવેન્દ્રકુમાર શાસ્ત્રી