દ્રવિડ, રાહુલ (જ. 11 જાન્યુઆરી 1973, ઇંદોર, મધ્યપ્રદેશ) : ધી વૉલ, મિ. ડિપેન્ડેબલ જેવાં વિશેષણોથી ઓળખાતા ભારતના ટેસ્ટ અને વન ડે બંનેમાં દસ હજારથી વધુ રન કરનાર.

પિતાનું નામ શરદ દ્રવિડ. માતાનું નામ પુષ્પા દ્રવિડ અને પત્નીનું નામ વિજેતા પેંઢારકર.

દ્રવિડ શરૂઆતથી જ ભણવા કરતાં ક્રિકેટમાં વધુ રુચિ ધરાવતા હતા. ઇંદોરમાં જન્મેલ દ્રવિડની ક્રિકેટ-કારકિર્દી બૅંગાલુરુમાં ઘડાઈ. માત્ર 12 વર્ષની ઉંમરથી જ આંતર હાઈસ્કૂલ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યો. પોતાના રાજ્ય કર્ણાટક તરફથી પણ 15, 16 અને 19 વર્ષથી નાની વયના ખેલાડીઓની ટીમ તરફથી પણ રમ્યો. તેની આ રમતની નોંધ કે. કી. તારાપોરેએ પિછાણી. જ્યારે એમની નજર બૅંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિકેટકીપર તરીકેની તેની ચપળતા અને ખેલ પ્રત્યેની લગન જોઈ. ત્યારબાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો ગુડપ્પા વિશ્વનાથ અને બ્રિજેશ પટેલે દ્રવિડને રમતો જોઈ સલાહ આપી કે તું વિકેટકીપર કરતાં બૅટિંગમાં વધુ ધ્યાન આપ અને આ બંને ભૂતપૂર્વ ક્રિકેટરોની સલાહ અને દ્રવિડની મહેનત રંગ લાવી.

બૅંગાલુરુની સેન્ટ જોસેફ બૉયઝ સ્કૂલ અને કૉલેજમાં અભ્યાસ કરી. બી.કૉમ.ની ડિગ્રી મેળવતાં પહેલાં જ દ્રવિડને 1991માં મહારાષ્ટ્ર સામે રણજી ટ્રૉફી રમવાની તક મળી. પોતાની પ્રથમ મૅચમાં જ 82 રન નોંધાવી પ્રથમકક્ષાના ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી. બીજા વર્ષે સંપૂર્ણ સિઝન રમી બે સદી અને 63.3 રનની સરેરાશથી 380 રન નોંધાવ્યા.

દ્રવિડની આવી સાતત્યપૂર્ણ રમતના પરિણામે દક્ષિણ ઝોન તરફથી ઈરાની ટ્રૉફી રમવાની તક મળી. પાંચ ફૂટ અગિયાર ઇંચની ઊંચાઈ ધરાવતા દ્રવિડને ભારત તરફથી સૌપ્રથમ વખત રમવાની તક વન ડે ક્રિકેટમાં મળી. સિંગાપોર ખાતે 1996ની શરૂઆતમાં સિંગર કપ માટે રમવા જનાર ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું. ત્યાં રમેલ બંને મૅચમાં નિષ્ફળતા મળી છતાં પસંદગી સમિતિઅ ઇંગ્લૅન્ડ જનાર ભારતીય ટીમમાં દ્રવિડને સ્થાન આપ્યું.

20 જૂન, 1996ના રોજ લૉર્ડ્ઝમાં રમાયેલ ટેસ્ટમાં દ્રવિડને સૌપ્રથમ ટેસ્ટ રમવા મળી. આજ ટેસ્ટમાં ભારતના બીજા બૅટ્સમૅન સૌરવ ગાંગુલીને પણ સૌપ્રથમ રમવાની તક મળી. દ્રવિડે તેને મળેલ એક માત્ર દાવમાં સાતમા ક્રમે રમતા 95 રન નોંધાવ્યા. માત્ર પાંચ રન માટે ટેસ્ટપ્રવેશે સદીની સિદ્ધિ ચૂકી જનાર દ્રવિડ ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો કે જેઓ પોતાની પ્રથમ ટેસ્ટમાં 90થી 99 રનની વચ્ચે આઉટ થયા હોય. ત્યાર પછીની ટેસ્ટ મૅચમાં પણ તેણે 84 રન કરી ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.

ઇંગ્લૅન્ડથી પરત આવેલ ભારતીય ટીમને ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે દરેક ટેસ્ટ રમવાની તક મળી. ત્યારબાદ સુકાની સચિનની આગેવાની હેઠળ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ. ત્રણ ટેસ્ટની આ શ્રેણીમાં દ્રવિડે શાનદાર દેખાવ કરતાં ટીમ તરફથી સૌથી વધુ 277 રન કર્યા. પ્રવાસની અંતિમ ટેસ્ટમાં દ્રવિડે પોતાના 15મા દાવમાં સૌપ્રથમ વખત સદી કરી. પ્રથમ દાવમાં 148 અને બીજા દાવમાં 81 રન કર્યા. પરિણામે તેને મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ મળ્યો.

સતત સાતત્યપૂર્ણ રીતે રમતો હોવા છતાં સદી દ્રવિડથી દૂર જ રહેતી. નવેમ્બર ’97થી  માર્ચ ’98 દરમિયાન દ્રવિડે શ્રીલંકા સામે ત્રણ અને ઑસ્ટ્રેલિયા સામે ત્રણ એમ કુલ છ અડધી સદી સતત દાવમાં નોંધાવી. આ છ પૈકી ચાર વખત તેણે 85 કે તેથી વધુ રન કર્યા હતા. દ્રવિડ એક માત્ર એવો ખેલાડી હતો જેણે સતત છ દાવમાં 50થી વધુ રન કર્યા હોવા છતાં એક પણ સદી નોંધાવી ન શક્યો.

સદી માટે સતત તરસતા દ્રવિડ માટે 1998-99નો ન્યુઝીલૅન્ડ પ્રવાસ યાદગાર બની રહ્યો. અહીં હેમીલ્ટનમાં રમાયેલ ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 190 (અહીં પણ બેવડી સદીથી વંચિત) અને બીજા દાવમાં અણનમ 103 રન કર્યા. દ્રવિડ ન્યુઝીલૅન્ડ સામે ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બન્યો. દ્રવિડના આ દેખાવે તેને 1998માં રમતગમતનો ભારતનો શ્રેષ્ઠ ગણાતો અર્જુન ઍવૉર્ડ અપાવ્યો.

દ્રવિડના બૅટમાંથી હવે રન અને સદીઓ બંને આવવા લાગ્યાં. વર્ષ 2000માં ઝીમ્બાબ્વે સામેની બે ટેસ્ટમાં તેણે કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોંધાવી. આજ વર્ષમાં તેને ઇંગ્લૅન્ડની કેન્ટ કાઉન્ટી તરફથી રમવાનું આમંત્રણ મળ્યું. એટલું જ નહીં આ વર્ષના ઉત્કૃષ્ટ દેખાવના કારણે ક્રિકેટના બાઇબલ ગણાતા ‘વિઝડન’ના વાર્ષિક અંકમાં વર્ષના શ્રેષ્ઠ પાંચ ખેલાડીમાં દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો.

સામાન્ય રીતે કોઈ પણ ખેલાડીનો દેખાવ પોતાની ધરતી ઉપર સારો અને વિદેશમાં પ્રમાણમાં નબળો હોય છે. દ્રવિડ આમાં અપવાદ છે. તેની બૅટિંગ સરેરાશ સ્વદેશ કરતાં વિદેશમાં વધુ સારી રહી છે. આમાં પણ 2002માં પ્રથમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પાંચ ટેસ્ટમાં 57.7 રનની સરેરાશથી 404 રન કર્યા તો ત્યારપછીના તરત ઇંગ્લૅન્ડ પ્રવાસમાં તેણે ત્રણ ટેસ્ટમાં ત્રણ સતત સદી સાથે 100.33 રનની સરેરાશથી 602 રન કર્યા. ત્યારબાદ તરત જ વેસ્ટ ઇન્ડીઝના ભારત પ્રવાસની મુંબઈમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં પણ અણનમ 100 રન કર્યા. આમ તે ટેસ્ટના સતત ચાર દાવમાં 4 સદી કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો.

70 ટેસ્ટના અનુભવ પછી ભારતીય પસંદગી સમિતિઅ દ્રવિડને ન્યુઝીલૅન્ડના ભારત પ્રવાસમાં સૌપ્રથમ વખત ભારતીય ટીમના સુકાની તરીકે નિમણૂક કરી. પચીસ ટેસ્ટમાં સુકાનીપદ સંભાળ્યું પરંતુ તેને લાગ્યું કે સુકાની પદની અસર તેની બૅટિંગમાં થઈ રહી છે તેથી તેણે સુકાનીપદેથી રાજીનામુ આપ્યું. આ દરમિયાન તેને 8 ટેસ્ટમાં વિજય અને છ ટેસ્ટમાં પરાજય મળ્યો જ્યારે બાકીની 11 ટેસ્ટ ડ્રૉ રહી.

સામાન્ય રીતે ત્રીજા ક્રમે બૅટિંગ કરતા દ્રવિડે ટીમની જરૂરિયાત સમયે દાવની શરૂઆત પણ કરી છે અને અહીં પણ તેને એટલી જ સફળતા મળી છે. એમાં પણ 2006-07માં પાકિસ્તાન પ્રવાસમાં તેણે વિરેન્દ્ર સેહવાગ સાથે દાવની શરૂઆત કરતાં 410 રનની વિશાળ ભાગીદારી નોંધાવી. આ ભારતની વિદેશમાં પ્રથમ વિકેટ માટેની આ શ્રેષ્ઠ ભાગીદારી બની.

ટેસ્ટમાં દ્રવિડે પાંચ વખત બેવડી સદી નોંધાવી છે. આ બેવડી સદીઓની ખાસ વિશેષતા એ રહી છે કે તેણે દરેક બેવડી સદી કરતાં અગાઉની બેવડી સદી કરતાં વધુ રન કર્યા છે.

વર્ષ 2004માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને આઇ.સી.સી.એ. ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો. સાથે સાથે આઈ. સી. સી. ક્રિકેટ ઑફ ધ યર જેવા બે પ્રતિષ્ઠિત ઍવૉર્ડ પણ મળ્યા. વર્ષ 2012માં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે તેને ઑસ્ટ્રેલિયાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ ‘બ્રેડમૅન’ ઍવૉર્ડ પણ આપ્યો. આવા તો બીજા પણ કેટલાક નાના- મોટા ઍવૉર્ડથી દ્રવિડને સન્માનિત કરવામાં આવ્યો છે. સાથે સાથે 4 વખત તેને શ્રેણીના શ્રેષ્ઠ ખેલાડીનો અને 11 વખત મૅચના શ્રેષ્ઠ ખેલાડીના ઍવૉર્ડ પણ મળ્યા છે. આમાં પણ 8 વખત તેને વિદેશની ધરતી પર આ ઍવૉર્ડ મળ્યા છે જે એક ભારતીય વિક્રમ છે.

ટેસ્ટ અને વનડે ક્રિકેટ આ બંનેના અભિગમ અલગ અલગ હોય છે. ટેસ્ટમાં વિકેટ ઉપર વધુ સમય ઊભા રહી ધીમે ધીમે પોતાની બૅટિંગ આગળ વધારી શકાય છે જ્યારે વન ડેમાં ઝડપી રમત રમવાની હોય છે. પરિણામે સારો ટેસ્ટ ખેલાડી સારો વન ડે ખેલાડી નથી બની શકતો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતના ઓપનર સુનીલ ગાવાસ્કર છે. ટેસ્ટમાં 34 સદી કરનાર ગાવાસ્કર વનડેમાં એક જ સદી કરી શક્યા છે તો ટેસ્ટમાં દસ હજારથી વધુ રન કરનાર ગાવાસ્કર વન ડેમાં માંડ ત્રણ હજાર રન કરી શક્યા છે. જ્યારે દ્રવિડ બંને ક્ષેત્રમાં સફળ રહ્યા છે. ટેસ્ટમાં 13 હજારથી વધુ રન કરનાર દ્રવિડે વન ડેમાં પણ 10 હજારથી વધુ રન કર્યા છે. ટેસ્ટ અને વન ડેમાં દસ હજાર રન કરનાર દ્રવિડ વિશ્વનો માત્ર સાતમો ખેલાડી છે.

વર્ષ 2012માં દરેક પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ પણ દ્રવિડ પોતાનો સમય સામાજિક સંસ્થાઓમાં સેવા આપવામાં વિતાવે છે. ‘ચિલ્ડ્રન્સ મૂવમેન્ટ ફોર સિવિક અવેરનેસ’, ‘યુનિસેફ, એઇડ્ઝ અવેરનેસ’ કેમ્પેઇનમાં પણ પોતાની સેવાઓ આપે છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 55.33 રનની સરેરાશથી 23,794 રન કરનાર દ્રવિડની ભારતીય ક્રિકેટ બોર્ડે તેને વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ તરીકે નિમણૂક કરી. તેને તેણે કરેલ ભારતીય ક્રિકેટની સેવાઓ માટે વધુ એક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની તક આપી.

જગદીશ શાહ