દ્રવિડસમૂહ (Dravidian group) : વિંધ્ય રચના કરતાં નવીન વયની અને કૅમ્બ્રિયનથી નિમ્ન-મધ્ય કાર્બોનિફેરસ સમયગાળાને આવરી લેતી ખડકરચનાઓનો સમૂહ. ભારતમાં મળી આવતી વિવિધ ભૂસ્ત્તરીય યુગની ખડકરચનાઓને ભારતીય સ્તરરચનાત્મક પ્રણાલી મુજબ નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે :

દ્રવિડ કાળ દરમિયાન ભારતની પ્રાકૃતિક-ભૌગોલિક પરિસ્થિતિમાં મહત્વનાં પરિવર્તનો થયેલાં તેમજ ભૂસંચલનને કારણે  વિતરણમાં પણ નોંધપાત્ર ફેરફારો થયેલા. ભૂસંચલનને પરિણામે થયેલી પુનર્રચનાને કારણે ભારતીય ભૂમિજથ્થાના મોટા વિસ્તારોમાં નિક્ષેપક્રિયા શરૂ થઈ. ભારતના ઘણા મોટા વિસ્તારને આવરી લેતા હિમાલયની હારમાળાની જગાએ રહેલો ઉત્તર વિભાગ (હિમાલય પર્વતમાળા તે વખતે ન હતી) પશ્ચિમ તરફથી અતિક્રમણ પામેલા સમુદ્રનાં જળ હેઠળ ઢંકાયેલો હતો. આ સમુદ્રનાં જળ તત્કાલીન ઉત્તર  તિબેટ અને ચીનના મોટાભાગના વિસ્તાર પર ફરી વળેલાં. ભૂસ્તરશાસ્ત્રીઓ જેને ટેથીઝ સમુદ્ર તરીકે ઓળખાવે છે તે પૃથ્વીના ઇતિહાસના આ કાળગાળા દરમિયાન પૃથ્વીના મધ્ય ભાગ પર વીંટળાઈ વળેલો. તે સમયનો આ ભૂમધ્ય મહાસાગર ગણાતો હતો અને ઉત્તર ગોળાર્ધના ખંડો આ સમુદ્રને કારણે દક્ષિણ ગોળાર્ધના ખંડોથી અલગ પડતા હતા. આજના હિમાલયની જમાનો બધો ભાગ આ સમુદ્રનાં જળ હેઠળ મધ્યજીવયુગના સમગ્ર કાળ દરમિયાન ઢંકાયેલો  રહ્યો, જેના તળ પર અસ્તિત્વમાં આવેલી ભૂસંનતિમાં પર્મિયનથી ઇયોસીન સુધીના સળંગ ઇતિહાસની ખડકરચનાઓ બનતી રહી. નિક્ષેપક્રિયાનું આ લાંબું ચક્ર હિમાલય વિસ્તારનો બીજો અને અંતિમ દરિયાઈ સંજોગ બની રહ્યો.

દ્વીપકલ્પીય ભારતમાં આ કાળગાળા દરમિયાન વિવિધ ભૂસ્તરીય ઘટનાઓની અસર થઈ. ઊર્ધ્વ કાર્બોનિફેરસ ભૂસંચલનક્રિયાઓને કારણે દ્વીપકલ્પીય ભારતના વિંધ્ય સમયથી શરૂ થયેલા પરિવર્તનરહિત સળંગ કાળમાં વિક્ષેપ પડ્યો, પરંતુ ભારતનો આ વિસ્તાર પૃથ્વીના પોપડાનો અવિચલિત ખંડ હોવાને કારણે ગિરિનિર્માણક્રિયાની વિરૂપતાની તેની ઉપર અસર થઈ શકી નહિ, તેમ છતાં તેના ઉપર આ પ્રકારના ભૂમિજથ્થામાં ફેરફાર કરતી અન્ય પ્રકારની પોપડાની હલનચલનક્રિયાની અસર થઈ, જે સ્તરભંગોમાં પરિણમી અને તેથી આ પ્રદેશના જુદા જુદા ભાગો અધોગમન પામ્યા. પ્રાચીન નાઈસ ખડકોવાળા વિસ્તારમાં થાળા-સ્વરૂપના નીચાણવાળા ભાગોની શ્રેણી અસ્તિત્વમાં આવી. ઊંડાં થાળાં ઉદભવવાને કારણે આજુબાજુના પ્રદેશનો જળપરિવાહ તેમાં ઠલવાવા લાગ્યો; ક્રમે ક્રમે તેમાં સરોવરજન્ય અને નદીજન્ય નિક્ષેપની જમાવટ એકઠી થતી ગઈ. નિક્ષેપબોજ વધવા સાથે સાથે આ થાળાંનું અવતલન પણ થતું રહ્યું પરિણામે તત્કાલીન ખંડીય વનસ્પતિ અને પ્રાણીઓના અસંખ્ય જીવાવશેષો સાથેનો સેંકડો મીટરની જાડાઈવાળો ખંડીય સ્વચ્છ, જળજન્ય નિક્ષેપ અસ્તિત્વમાં આવ્યો, જેનો ‘ગોંડવાના રચના’માં સમાવેશ થયેલો છે. (જુઓ : ગોંડવાના રચના; ગુ.વિ.ખંડ 6)

વ્રિજવિહારી દીનાનાથ દવે