દ્રવિડ મુનેત્ર કળગમ (D.M.K.) : ભારતમાં પ્રાદેશિકવાદના ધોરણે ઊભી થયેલી પ્રથમ ચળવળ. 5 જૂન, 1960ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ ચળવળે અલગ તમિળનાડુ રાજ્યની રચનાની માંગણી સાથે ચેન્નાઈમાં મોટા પાયા પર ચળવળ અને આંદોલન શરૂ કર્યાં. તેમણે તમિળનાડુને બાદ કરીને ભારતના નકશાઓની જાહેરમાં હોળી કરી. આગળ જતાં આ દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષે ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કેરળ અને મૈસૂરની અલગ ‘દ્રવિડનાડુ’ રાજ્યની રચના માટે માંગણી શરૂ કરી. જોકે પક્ષની આ માંગણી  લાંબો સમય ચાલી નહીં અને ચેન્નાઈ સિવાય આ માંગણીને ટેકો પણ મળ્યો નહીં. વધુમાં આ પક્ષના કેટલાક કાર્યકરોએ 9 એપ્રિલ, 1961ના રોજ પક્ષમાંથી નીકળી જઈને એક અલગ પક્ષ ‘તમિળ રાષ્ટ્રીય પક્ષ’ની સ્થાપના કરી. આમ છતાં પણ દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષે ઉપર જણાવેલો પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો અને અલગ ‘દ્રવિડ  (દ્રવિડનાડુ)ની માંગણી ચાલુ રાખી આ ચળવળને વેગીલી પણ બનાવી. આના કારણે ત્રીજી સામાન્ય ચૂંટણીઓમાં આ પક્ષે આ મુદ્દા પર 50 બેઠકો મેળવી. જે બીજી સામાન્ય ચૂંટણીઓમાં માત્ર 12 બેઠકો જ હતી. તેવી જ રીતે ત્રીજી સામાન્ય ચૂંટણીઓમાં લોકસભામાં પણ પોતાના પક્ષના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 2માંથી 7 થઈ.

દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષના પ્રણેતા સી. એન. અન્નાદુરાઈ

આ પક્ષના મુખ્ય નેતા સી.એન.અન્નાદુરાઈ હતા. આ પક્ષની રચના એવી ભૂમિકા પર થઈ હતી કે દક્ષિણનાં રાજ્યોને કેન્દ્ર-સરકાર હંમેશાં અન્યાય કરે છે અને તેમની ઉપેક્ષા કરે છે. જોકે અલગ ‘દ્રવિડનાડુ’ની સ્થાપનાની માંગણી લાંબો સમય ચાલી નહીં. તેમજ ભારતની એકતા તથા અખંડિતતા માટે પણ આવી માગણીઓને સ્વીકારી શકાય નહીં તેવો મત કેન્દ્રસરકારે અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વ્યક્ત કર્યો. તેથી આ પક્ષે અલગ ‘દ્રવિડનાડુ’ની સ્થાપનાની માંગણી પડતી મૂકી, પરંતુ તેની જગ્યાએ ‘દ્રવિડસંઘ’ બનાવવાની જાહેરાત કરી. આ સંઘમાં ચેન્નાઈ, મૈસૂર, આંધ્રપ્રદેશ અને કેરળનો સમાવેશ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. દ્રવિડસંઘ બનાવવાની યોજના માટે આ પક્ષે કાર્યક્રમો આપવાની તથા આંદોલનની શરૂઆત કરી. આ યોજનાને સાકાર કરવાના એક પગલારૂપ 1970માં સપ્ટેમ્બર મહિનામાં ચેન્નાઈમાં ‘રાજ્ય સ્વાયત્ત પરિષદ’ ભરાઈ હતી. આ પરિષદમાં ડી.એમ.કે. પક્ષના આગેવાન નેતા અને સંસદ સભ્ય વી. બી. રાજુએ અગત્યની ભૂમિકા ભજવી અને રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવા માંગણી રજૂ કરી. 1971ના એપ્રિલ મહિનામાં તમિળનાડુના મુખ્ય પ્રધાન કરુણાનિધિઅ તમિળનાડુનું વિભાજન કરવાની ધમકી ઉચ્ચારી, અલગ તમિળનાડુ રાજ્યની માંગણી ખૂબ જ જોરદાર બનાવી; એટલું જ નહિ, પણ તેમણે અલગ રાજ્યની માંગણીને સાકાર કરવા કેન્દ્ર સામે પદ્ધતિસરનું આંદોલન કરવાની હાકલ કરી. આ ઉપરાંત તેમણે તમિળનાડુ માટે અલગ રાજ્યધ્વજની પણ માંગણી મૂકી હતી.

પ્રાદેશિક પક્ષ હોવાને નાતે દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષે  રહેવાને બદલે પ્રજાના પ્રશ્નોને ઉકેલવા તરફ હંમેશાં નીતિ રાખી. દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષના સ્થાપક નેતા અને આગેવાન ઇ. વી. રામાસ્વામી નાઇકરે પણ પક્ષના કાર્યક્રમોને દોરવણી આપી. એક સમયે તો રામાસ્વામી નાઇકરે જો જાતિપ્રથા નાબૂદ ન થાય તો તમિળનાડુ વિધાનસભાને સ્થગિત કરવાની ધમકી આપી હતી. જોકે આ બધા પ્રયત્નો છતાં પણ ભારતની એકતા અને અખંડિતતાને અકબંધ રાખવા સારુ ડી.એમ.કે પક્ષની કોઈ માંગણીઓ સ્વીકારાઈ નથી; એટલું જ નહિ, પણ આગળ જતાં ડી.એમ.કે પક્ષમાં પણ બે ફાંટા પડ્યા. એક પક્ષની આગેવાની કરુણાનિધિએે લીધી, જ્યારે અન્ના ડી.એમ.કે પક્ષની આગેવાની પ્રખ્યાત અભિનેતા એમ. જી રામચન્દ્રને લીધી હતી. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ખાસ કરીને, આગળ કહ્યું તેમ તમિળનાડુ, કેરળ, આંધ્રપ્રદેશમાં બ્રાહ્મણ જાતિનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવા છતાં રાજ્યના શાસનતંત્રમાં આ વર્ગ નોંધપાત્ર વર્ચસ ધરાવતો હતો. જ્યારે દ્રાવિડ લોકો એમ માનતા કે બ્રાહ્મણો ઉત્તર ભારતના હોવાથી પરદેશી છે માટે રાજ્યના શાસનતંત્રમાં તેઓનું વર્ચસ ચલાવી શકાય નહીં. આ મૂળ વિચારધારાને આધારે દ્રવિડ મુનેત્ર કળગમ પક્ષની સ્થાપના થયેલી. આ પ્રકારના વિચારો છેક 1920થી દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પ્રવર્તતા હતા. ચોથી સામાન્ય ચૂંટણીઓમાં આ પક્ષને સારી સફળતા મળી હતી. ટૂંકમાં, ભારતીય રાજકારણમાં પ્રાદેશિક કક્ષાએ સ્થપાયેલો અને ઠીક ઠીક બળ જમાવી ગયેલો જો કોઈ પક્ષ હોય તો તે દ્રવિડ મુનેત્ર કળગમ છે. આ પક્ષનું ચૂંટણીચિહન ‘ઊગતો સૂરજ’ છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા