દોહાકોશ (ઈ. સ. 755–780) : સિદ્ધ સરહપા કે સરહપાદની રચનાઓના સંકલનરૂપ દોહાઓનો સંગ્રહ. તિબેટની ભોટભાષા કે ભૂતભાષામાંથી આ ગ્રંથ અપભ્રંશ ભાષામાં રૂપાંતરિત કરાયેલો છે. લગભગ 300 પદ્યોના બનેલા આ સંગ્રહમાં દોહાની સાથે સોરઠા, ચોપાઈ અને ગીતિઓ પણ આપવામાં આવી છે. આ ગીતો કે ગીતિઓની રચના આઠમીથી શરૂ કરી બારમી સદીમાં થયેલી છે, જ્યારે દોહા વગેરેની રચના 755થી 780 સુધીમાં થયેલી છે. સરહપાદે જાણીતા વિદ્વાન શાન્તરક્ષિતના શિષ્ય હરિભદ્રની પાસે વિદ્યા મેળવેલી. રાજા ધર્મપાલ(770 થી 815)ના સમકાલીન હરિભદ્ર 780માં મૃત્યુ પામેલા.
(1) સરહપા, (2) લુઈપા, (3) વિરૂપા, (4) કણ્હપા, (5) તિલોપા વગેરેના રચેલા સાત દોહાકોશો છે એમ તિબેટની પરંપરા માને છે. આ દોહાકોશોને સિદ્ધચર્યા અને વજ્રયાની યોગના રસિક માણસોના વેદ માનવામાં આવે છે.
સરહપા વિદ્રોહી કવિ અને છ ભારતીય આસ્તિક દર્શનોનું તથા મંત્ર, તંત્ર, બહુદેવવાદ, શાસ્ત્રથી મેળવેલું પાંડિત્ય વગેરેનું ખંડન કરનારા લેખક છે. તેમણે ઘણા તંત્રગ્રંથો પર સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખી હતી. અપભ્રંશ ભાષામાં લખાયેલી તેમની સોળ કાવ્યરચનાઓ ‘સ્તન્ મ્યુર્’ નામના તિબેટી સંગ્રહમાં સંઘરાયેલી છે. નેપાળના બૌદ્ધોમાં પ્રચલિત ચર્યાપદ એટલે ગુપ્ત પૂજા વખતે ગવાતાં ગીતો કે પદોમાં ચાર ચર્યાપદો સરહપાદનાં રચેલાં છે. તે ચાર ચર્યાપદોમાં દર્પણ, ગગન, સૂર્ય, ચંદ્ર વગેરે પ્રતીકો દ્વારા ભાવની અભિવ્યંજના કરી છે તેથી આ સરહપાદને રહસ્યવાદી કવિ ગણવામાં આવ્યા છે.
વળી ‘દોહાકોશ’માં કર્મબંધને વિષયાસક્તિનું કારણ કહ્યું છે. શાસ્ત્રને રણભૂમિ ગણાવી મનુષ્ય તેની ભુલભુલામણીમાંથી બહાર નીકળી શકતો નથી એમ કહ્યું છે. વળી વજ્રયાની તાંત્રિક પ્રક્રિયા કરતાં આત્માનુભૂતિને ચઢિયાતી ગણી છે. સહજ પરમાર્થ સાધ્ય હોવાથી સહજ આનંદમાં મન ન પરોવે તે મનુષ્યનું જીવન વ્યર્થ છે. સહજ આનંદ એ જ મહાસુખ અને પરમપદ છે. તેથી સહજ આનંદ પર ખૂબ ભાર ‘દોહાકોશ’માં મૂકવામાં આવ્યો છે. સહજની સાધના પ્રગટ કરવામાં પ્રતીકો પ્રયોજાયાં છે.
‘દોહાકોશ’ તાડપત્રો પરથી સર્વપ્રથમ ડૉ. પી. સી. બાગચીએ 1938માં કલકત્તા સંસ્કૃત ગ્રંથમાળામાં પ્રગટ કર્યો હતો. એ પછી 1957માં બિહાર રાષ્ટ્રભાષા પરિષદ, પટનાએ પ્રગટ કર્યો હતો.
દેવેન્દ્રકુમાર શાસ્ત્રી