દોહા : ઈરાની અખાત ઉપર કતાર દ્વીપકલ્પના પૂર્વ કિનારે આવેલું કતાર રાજ્યની રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 25° 17´ ઉ અ. અને 51° 32´ પૂ. રે.. 1950 સુધી તો તે માછીમારોનું નાનું ગામ હતું. પેટ્રોલિયમ મળી આવ્યા પછી ઔદ્યોગિક વિકાસ થતાં  હવે તેનો વિસ્તાર 234 ચોકિમી. વાળું અને તે 7.97 લાખની વસ્તી (2010) વાળું આધુનિક શહેર બન્યું છે.

અહીં ઉનાળામાં ગરમ અને ભેજવાળી આબોહવા રહે છે. જુલાઈનું સરેરાશ તાપમાન 36.7° સે. અને જાન્યુઆરીનું 16.7° સે. રહે છે. દરિયાના સામીપ્યને લીધે શિયાળામાં તેની આબોહવા ખુશનુમા અને શીતળ રહે છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 23° સે. રહે છે. વરસાદ 62થી 127 મિમી. જેટલો પડે છે. આ વખતે અહીં ઘાસ ઊગી નીકળે છે. પાતાળકૂવા દ્વારા થતી સિંચાઈથી અનાજ અને શાકભાજી ઉગાડાય છે. દરિયાના પાણીને નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા પીવાલાયક બનાવાય છે. રાજ્યની માત્ર એક ટકા જમીન ખેતીલાયક છે. વિચરતા બેદુઈન લોકો ઘેટાં પાળે છે.

પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ચૂનાના પથ્થરો અને માટી અહીંની ખનિજ પેદાશો છે. અહીં પેટ્રોલિયમની રિફાઇનરી, ખાતર, સિમેન્ટ અને સ્ટીલ વગેરેનાં કારખાનાં છે. પેટ્રોલિયમની ખોજ પૂર્વે અહીં 350 હોડીઓ મોતીની મચ્છીમારીમાં રોકાયેલી હતી. જાપાન દ્વારા કલ્ચર મોતીની શોધ બાદ આ વ્યવસાય મંદ પડ્યો છે. છતાં 150 જેટલી અદ્યતન હોડીઓ મચ્છીમારીના વ્યવસાયમાં રોકાયેલી રહે છે અને તેમનું ઝીંગા પકડવાનું કામ મુખ્ય છે. મીઠાના અગરોને કારણે રસાયણ-ઉદ્યોગ વિકસવાની ત્યાં શક્યતા છે,

દોહાનું જૂનું બંદર નાનાં વહાણો માટે જ ઉપયોગી હતું, પરંતુ ઉદ્યોગોના વિકાસ બાદ ઊંડા પાણીના સ્થળે નવું બંદર બાંધવામાં આવ્યું છે. અહીંથી ઝીંગા મચ્છી, પેટ્રોલિયમ અને તેની પેદાશો તેમજ ખાતરની નિકાસ થાય છે; જ્યારે કાપડ, તૈયાર કપડાં, યંત્રો, શણના કોથળા, ચા, કૉફી, ચોખા, કઠોળ, દવા, રંગ-રસાયણો, ખાદ્યતેલ, તેલીબિયાં, મરી-મસાલા વગેરેની આયાત થાય છે. તે કતારનું આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે,

કતાર અને દોહાની વસ્તીમાં વધઘટ થયા કરે છે. શિયાળામાં બેદુઈન લોકો અહીં આવે છે અને ઉનાળામાં તેઓ સ્થળાંતર કરતાં લાખેક વસ્તીનો ઘટાડો થાય છે. સ્થાનિક વસ્તીનું પ્રમાણ 19 % છે. આરબોની કુલ વસ્તી 62 % છે. 15 % પાકિસ્તાની અને ભારતીયો અને થોડા ઈરાનીઓ છે. દેશની કુલ વસ્તી પૈકી બે તૃતીયાંશ વસ્તી દોહામાં વસે છે. ઉદ્યોગોની સ્થાપના બાદ તથા પેટ્રો-ડૉલરની કમાણી બાદ શહેરની સિકલ બદલાઈ ગઈ છે.

શિવપ્રસાદ રાજગોર