દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ સંસ્થામાં જોડાવાને બદલે ગ્રંથાલયોમાં બેસી સ્વાધ્યાય દ્વારા મબલખ જ્ઞાનભાથું મેળવ્યું. પરિણામે લંડનની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રિટિશ આર્કિટેક્ટ્સ’ નામની સંસ્થામાં સભ્યપદ મળ્યું.
લંડનમાં ફ્રેન્ચ સ્થપતિ લા કાર્બુઝિયેના પરિચયમાં આવ્યા અને એ નામી સ્થપતિએ તેમને પૅરિસમાં તેમની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું. ત્યાંથી લા કાર્બુઝિયેના પ્રતિનિધિ તરીકે ભારત આવીને તેમણે ચંડીગઢના બાંધકામની દેખરેખ રાખી. લા કાર્બુઝિયેએ અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર તથા અમદાવાદ મિલમાલિક મંડળનું મકાન તથા અન્ય બે રહેણાક મકાનોની યોજના કરેલી તેમાં તેમજ તેના બાંધકામમાં દોશીનો પણ હિસ્સો હતો. 1955માં તેમણે સ્થાપત્ય તથા આનુષંગિક કલાઓના વિકાસ માટે ‘વાસ્તુશિલ્પ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના મુખ્ય રસનો વિષય નગર-આયોજન તથા સસ્તાં મકાનોના બાંધકામનો છે.
તેમણે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જૂરીના સભ્ય તરીકે કામગીરી બજાવી છે. અમદાવાદની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તથા સ્કૂલ ઑવ્ પ્લાનિંગ એ બંને સંસ્થાના પ્રથમ સ્થાપક-નિયામક, સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી(CEPT)ના પ્રથમ સ્થાપક–ડીન, વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના સ્થાપક-સભ્ય તથા કનોરિયા આર્ટ સેન્ટરના સ્થાપક-નિયામક રૂપે તેમણે સંસ્થાસંચાલનમાં રસ લીધો છે.
1958થી તેમણે અમેરિકાની ઘણી અગત્યની જ્ઞાનપીઠ (chair) પર વિદ્યાકીય કામગીરી બજાવી છે. રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બ્રિટિશ આર્કિટેક્ટ્સ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સના તેઓ ફેલો છે. તેમને મળેલા અન્ય સન્માનમાં ઇન્ટરનેશનલ ફેલો ઑવ્ ધ ગ્રેહામ ફાઉન્ડેશન ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝ ઇન ફાઇન આર્ટ્સ; માનાર્હ ફેલો, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ; ‘પદ્મશ્રી’ (1976), પાન પૅસિફિક આર્કિટેક્ચરલ સાઇટેશન – અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ, હવાઈ ચૅપ્ટર તરફથી, પૉલ ફિલિપ ક્રૅટ પ્રોફેસર ઑવ્ આર્કિટેક્ચર, પેન્સિલવેનિયા યુનિવર્સિટી, એમ. બી. અગ્રવાલ ગોલ્ડ મેડલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ, શિકાગો આર્કિટેક્ચર ઍવૉર્ડ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચરલ રેકર્ડ, ગ્રેટ ગોલ્ડ મેડલ ફૉર આર્કિટેક્ચર, એકૅડેમી ઑવ્ આર્કિટેક્ચર, પૅરિસ તથા વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1988), પેન્સિલવેનિયા યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની માનાર્હ ડિગ્રી, જર્નલ ઑવ્ ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટેક્ટ્સ તરફથી સ્પેશિયલ ઍવૉર્ડ ફૉર એક્સેલન્સ ઇન આર્કિટેક્ચર તથા એ જ સંસ્થાનો પ્રોજેક્ટ ઍવૉર્ડ તથા આગાખાન ઍવૉર્ડ ફૉર આર્કિટેક્ચર મુખ્ય છે. તેમના વિશે ડૉ. વિલિયમ કર્ટિસ લિખિત પુસ્તક ‘બાલકૃષ્ણ દોશી, ઍન આર્કિટેક્ચર ફૉર ઇન્ડિયા’ (1987) પ્રગટ થયું છે. ગુજરાતી ભાષા, સાહિત્ય તથા શિક્ષણના ઉત્કર્ષ માટે અમદાવાદમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાત વિદ્યાસભાના તેઓશ્રી 2009થી પ્રમુખ છે.
મહેશ ચોકસી