દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના હોવા છતાં ત્યાંની પ્રજા સાથે એકરસ થઈ તન-મન-ધનથી સેવા કરતા સમાજસેવક. સૌરાષ્ટ્રમાં મહુવાની માધ્યમિક શાળામાં શિક્ષણ. સ્વાતંત્ર્ય-ચળવળમાં ભાગ લેવા માટે શાળાનો ત્યાગ કર્યો. 1942ના ઑગસ્ટ આંદોલનમાં તેમણે અમદાવાદમાં છુપાઈને ભૂગર્ભ-પ્રવૃત્તિ ચલાવી હતી. આમ, ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં વિશેષ કરીને અંગ્રેજો સામેની ‘હિંદ છોડો’ ચળવળમાં સક્રિય રહ્યા. ઓરિસામાં કટક શહેરમાં સ્થાયી થયા. ત્યાં પ્રજાસમાજવાદી પક્ષના સ્થાપક સભ્યોમાંના એક. ‘કલાવિકાસ કેન્દ્ર’(1952)ના સ્થાપક. તેમના પ્રયાસથી ઓરિસાનું શાસ્રીય ‘ઊડિસી નૃત્ય’ દેશવિદેશમાં ખ્યાતિ પામ્યું છે. ઉપર્યુકત સંસ્થાને પોતાની રંગભૂમિનું અદ્યતન મકાન, સંગીત મહાવિદ્યાલય અને કલારસિક છાત્રોને રહેવા-જમવાની સગવડ ધરાવતાં નિવાસસ્થાનો છે.

બાબુભાઈ દોશી

કટક ખાતે યોજાયેલા અખિલ ભારત સ્વાધીનતા સંગ્રામીઓના સંમેલનમાં તેમની સેવાઓને બિરદાવતી ‘કળાપ્રવીણ’ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. વળી ‘વિશુ વ મિલન’ નામના ઓરિસા રાજ્યના વિશિષ્ટ સમારંભમાં તે સમયના મુખ્યમંત્રી ડૉ. હરેકૃષ્ણ મેહતાબના હસ્તે તેમનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિદ્યાવ્યાસંગી અને કલાપ્રેમી બાબુભાઈનું ઓરિસાનાં ચલચિત્રોના નિર્માણમાં મહત્વનું યોગદાન રહ્યું છે. ‘રાજ્ય ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન’ના માનાર્હ નિયામક અને ‘ઓરિસા ફિલ્મ પ્રોડ્યૂસર્સ ગીલ્ડ’ના ઉપપ્રમુખના હોદ્દા તેમણે શોભાવ્યા છે. ઉપરાંત વરસો સુધી ‘ગુર્જર ભારતી’ના મંત્રી રહ્યા; એટલું જ નહિ, પરંતુ ઓરિસામાં વસતા ગુજરાતીઓ વિશે માહિતી આપતા ‘ગુજરાત પરિચય’(1961)નું પ્રકાશન પણ તેમણે સુપેરે પાર પાડ્યું. ઓરિસાની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેમને નિકટનો નાતો રહ્યો છે. વળી વાવાઝોડાં અને પૂર જેવાં આકસ્મિક સંકટના સમયે તેમણે સામાજિક કાર્યકર તરીકે પ્રશંસાપાત્ર સેવાનું કાર્ય કર્યું છે. ઊડિયા ભાષામાં તેમણે નિર્માણ કરેલ ચલચિત્રો ‘અમલબાર’ (અજાણ્યો રસ્તો); ‘અભિનેત્રી’; ‘માટીર મણીષ’ (માટીનો માણસ); ‘બદિનમેઘ’ (માવઠું); ‘મથુરાવિજય’ અને ‘અક્ષયતૃતીયા’ રાષ્ટ્રીય કે રાજ્ય પુરસ્કારને પાત્ર થયા છે. તેમનું રંગીન ચલચિત્ર ‘મથુરાવિજય’ શ્રીકૃષ્ણના જન્મથી કંસવધ સુધીની કથાને આવરી લે છે. આ ચલચિત્રનું બંગાળી અને હિંદી ભાષામાં ‘ડબિંગ’ પણ થયું છે. મૃણાલ સેન દિગ્દર્શિત આ ચિત્ર આંતરરાષ્ટ્રીય મહોત્સવ માટે પસંદ કરાયું હતું. બાબુભાઈ દોશીને 1982ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ-પુરસ્કાર’ તેમની રાષ્ટ્રભક્તિભરી ભારતીયતાને સાર્થક કરવાના ઉદાહરણ રૂપે એનાયત કરવામાં આવ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી