દોશી, દિલીપ રસિકલાલ (જ. 22 ડિસેમ્બર 1947, રાજકોટ) : બંગાળ, ઈસ્ટઝોન, ઇંગ્લૅન્ડની વૉર્વિકશાયર કાઉન્ટી અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ ખેલનાર ડાબોડી ગોલંદાજ. ડાબોડી સ્પિનર સામાન્યત: દડાને પકડવા માટે વચલી આંગળીનો ઉપયોગ કરે છે જ્યારે દિલીપ દોશી ટચલી આંગળીથી દડાને પકડમાં રાખતા હતા. વિકેટ અનુકૂળ હોય અને દડાની લાઇન બરાબર મળે ત્યારે દિલીપ દોશી ઘણા કામયાબ ગોલંદાજ બની જતા. એમણે 33 ટેસ્ટ મૅચમાં 9322 દડા નાખીને 114 વિકેટ ઝડપી છે. 1979–80માં પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં ચેન્નાઈમાં ઑસ્ટ્રેલિયાની 103 રનમાં 6 વિકેટ ઝડપી હતી.

દિલીપ રસિકલાલ દોશી

બિશનસિંહ બેદીને કારણે છેક 32 વર્ષની મોટી ઉંમરે ડાબોડી સ્પિનર તરીકે દિલીપ દોશીએ ટેસ્ટપ્રવેશ કર્યો અને ભારત તરફથી ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ સામે રમ્યા. કૉલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ તરફથી રમવાની શરૂઆત કરનાર દિલીપ દોશી 1968–69માં બંગાળ તરફથી રણજી ટ્રૉફી રમ્યા. છેક 1984–85 સુધી બંગાળની ટીમ તરફથી, જ્યારે 1985–86માં સૌરાષ્ટ્ર તરફથી ખેલ્યા. રણજી ટ્રૉફીમાં 61 મૅચમાં કુલ 289 વિકેટ લીધી. 1973થી 1978 સુધી ઇંગ્લૅન્ડની નોટિંગહામશાયર કાઉન્ટીમાં અને 1980–81માં વૉર્વિકશાયર કાઉન્ટી તરફથી રમ્યા. એમણે એમની પ્રથમ કાઉન્ટી સિઝનમાં 101 વિકેટ ઝડપી હતી. એક દાવમાં પાંચ કે વધુ વિકેટ લેવાની સિદ્ધિ રણજી ટ્રૉફીમાં 23 વખત, કાઉન્ટી ક્રિકેટમાં 10 વખત અને ટેસ્ટ ક્રિકેટમાં 6 વખત મેળવી. 1982ની 17મી સપ્ટેમ્બરે 100 ટેસ્ટ વિકેટ ઝડપનારા દિલીપ દોશી વિશ્વના 76મા અને ભારતના નવમા ખેલાડી બન્યા. દિલીપ દોશી હેવી મશીનરીના સ્પેર પાર્ટ્સના નિકાસના ઉદ્યોગમાં સંકળાયેલા છે. 2006માં તેમણે એનટાર્ક ઇન્ડિયા કંપનીમાં મૅનેજિંગ ડિરેકટરના પદે કાર્ય કર્યું.

નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ