દોશી, ચતુર્ભુજ આણંદજી (જ. 1894, કાઠિયાવાડ, ગુજરાત; અ. 21 જાન્યુઆરી 1969, મુંબઈ) : હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ સૌરાષ્ટ્રમાં. 1926માં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના દૈનિક ‘હિન્દુસ્તાન’માં જોડાયા. 1930માં મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે આરંભ કર્યો. જયંત દેસાઈ, નંદલાલ, જશવંતલાલ તથા નાનુભાઈ વકીલ માટે ગુજરાતી ફિલ્મોની પટકથાઓ લખી. રણજિત મૂવીટોન માટે ઘણી કથાઓ લખી. ગુજરાતી પટકથાલેખકોમાં મોહનલાલ દવે પછી તેમનું નામ મુકાય છે. ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના પાયારૂપ 1948નાં ‘ગુણસુંદરી’, ‘નણંદભોજાઈ’ જેવાં ચલચિત્ર ઉપરાંત નિર્માતા મનહર રસકપૂરના ‘મેંદી રંગ લાગ્યો’(1960)ની કથા પણ તેમની હતી. પૌરાણિક કથાનકો માટે તેમણે વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ અપનાવ્યો હતો. 1938થી 1958 સુધીમાં 28થી વધારે ચિત્રોનું તેમણે દિગ્દર્શન કર્યું હતું. ઉદાહરણ, 1938માં ‘ગોરખ આયા’ તથા ‘સેક્રેટરી’, 1939માં ‘અધૂરી કહાની’, 1943માં ‘શંકરપાર્વતી’, 1948માં ‘કરિયાવર’ તથા ‘સતી સોન’, 1949માં ‘વેવિશાળ’, 1950માં ‘અખંડ સૌભાગ્ય’, 1954માં ‘ઔરત તેરી યહી કહાની’ તથા 1958માં ‘સંસ્કાર’.
બંસીધર શુક્લ