દોશી, અમુભાઈ (જ. 1920, કરાંચી; અ. 28 જુલાઈ 1994, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સંગીતકાર તથા નિષ્ણાત સરોદવાદક. મૂળ વતન ભુજ–કચ્છ. પિતા વીરજીભાઈ અને માતા કંકુબહેન. ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ કરાંચી ખાતે, નાની ઉંમરમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, માસ્ટર વસંત, ઉસ્તાદ મુબારક જેવા વિખ્યાત શાસ્ત્રીય સંગીતકારોના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી પ્રેરણા મેળવી. શાસ્ત્રીય સંગીતની શરૂઆતની તાલીમ લક્ષ્મણરાવ બોડસ પાસેથી લીધી. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારબાદ તેમના કુટુંબે કરાંચીથી રાજકોટ સ્થળાંતર કર્યું. રાજકોટમાં ખાનગી સંગીતશાળા શરૂ કરી. સાથોસાથ ત્યાંની વીરાણી હાઈસ્કૂલ અને રાષ્ટ્રીય શાળામાં સંગીતશિક્ષક તરીકે જોડાયા. 1955માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીની સ્થાપના થતાં તેમાં વાદ્યસંગીત શાખાના વડાનું પદ ગ્રહણ કર્યું. 1956–60 દરમિયાન મૈહર ખાતે ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં સાહેબ પાસેથી સરોદની ઘનિષ્ઠ તાલીમ લીધી. ગુજરાતમાં સરોદ વાદ્યનો પ્રસાર-પ્રચાર તેમના થકી થયો હતો એવી માન્યતા છે. તેમણે સંગીતની વિશારદ, અલંકાર તથા પ્રવીણ(ડૉક્ટર ઑવ્ મ્યૂઝિકની સમકક્ષ)ની પરીક્ષાઓ ક્રમશ: પસાર કરી હતી અને તે દરેકમાં શાસ્ત્રીય સંગીત વિશેની તેમની ઉચ્ચ ગુણવત્તાનો પરિચય આપ્યો હતો. સરોદ ઉપરાંત જલતરંગ, કાષ્ઠ તરંગ, સિતાર, દિલરુબા, વાયોલિન, ગિટાર, મૅન્ડોલિન તથા બંસરી જેવાં વિવિધ વાદ્યોના પણ તેઓ જાણકાર હતા. ગાયક તરીકે પણ તેમની નામના હતી. તેમના ગાયનમાં ગ્વાલિયર ઘરાના તથા પતિયાલા ઘરાનાની છાપ ઊપસી આવતી હતી. 1963માં રાજકોટમાં ‘સંગીત નાટ્યભારતી’ સંસ્થાની સ્થાપના થતાં તેના આચાર્યપદે નિમાયા (1963–83). તે પદ પરથી નિવૃત્ત થયા પછી પણ તે સંસ્થાના નિયામક તરીકે સેવાઓ આપતા રહ્યા. આ અરસામાં તેમણે રાજકોટ ખાતે ‘સંગીત સંસદ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને અવસાન સુધી તેના મૅનેજિંગ ડિરેક્ટર રહ્યા.

અમુભાઈ દોશી

સંગીતક્ષેત્રમાં સંશોધન કરવા માટે તેમને કેન્દ્ર-સરકારની ફેલોશિપ મળી હતી. તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય નિમાયા હતા. ઉપરાંત, બૃહદ ગુજરાત સંગીત સમિતિના તેઓ સ્થાપક સભ્ય હતા.

સંગીત વિષય પર તેમણે ગુજરાતી ભાષામાં વિપુલ લેખનકાર્ય કર્યું છે, જેમાં ગ્રંથો ઉપરાંત વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખોનો પણ સમાવેશ થાય છે. તેમણે લખેલા ગ્રંથોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ‘ભારતીય સંગીતનો વિકાસ’, સિતાર વાદ્ય પર બે માર્ગદર્શક પુસ્તિકાઓ, સંગીતની મધ્યમા તથા વિશારદ પરીક્ષાઓના અભ્યાસક્રમને અનુલક્ષીને લખેલાં પાઠ્યપુસ્તકો, શાળાનાં બાળકો માટે કૂચગીતોનો નોટેશન સાથેનો સંગ્રહ નોંધપાત્ર છે.

ગુજરાત સરકારે તેમને 1987માં ગૌરવ પુરસ્કારથી સન્માન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે