દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના તાબામાં હતો. ત્યારબાદ દોલતાબાદનો કિલ્લો બહમની સલ્તનત, અહમદનગરના રાજ્યમાં તથા મુઘલ સત્તા હેઠળ રહ્યો હતો.

પ્રખ્યાત ફ્રેન્ચ પ્રવાસી તાવેર્નીએ દોલતાબાદના કિલ્લાનું વર્ણન મુઘલ સામ્રાજ્યના એક શ્રેષ્ઠ કિલ્લા તરીકે કર્યું છે. મૂર મુસાફર ઇબ્ન બતૂતા ઈ. સ. 1333થી 1345 પર્યંત ભારતમાં તેના વસવાટ દરમિયાન સુલતાન મોહમ્મદ તુગલુકના દરબારમાં રહ્યો હતો. તેણે દોલતાબાદના કિલ્લાનો રસપ્રદ હેવાલ આપ્યો છે.

દોલતાબાદનો કિલ્લો

મધ્યયુગમાં દખ્ખણમાં દુર્ગ બાંધવાની કલા વિકાસ પામી હતી. કાકતીય તથા યાદવ વંશોના સમયમાં અનેક કિલ્લા બંધાયા હતા. તેમાં વારંગલ, રાયચૂર અને દેવગિરિ(હાલનું દોલતાબાદ)ના કિલ્લા મહત્વના ગણાય છે. દેવગિરિમાં બારમી સદીમાં યાદવોએ બંધાવેલો દુર્ગ પ્રાગ્-મુસલમાન સમયનો, મધ્યયુગના લશ્કરી સ્થાપત્યની ઇજનેરી વિદ્યાનો આશ્ચર્યકારક નમૂનો છે. તેનું બાંધકામ પ્રાચીન ઇલોરાના સમયનું જણાય છે. આ દુર્ગ જમીનની સપાટીથી 182 મી. ઊંચા શંકુ આકારના પર્વત ઉપર છે. સંરક્ષણની ર્દષ્ટિએ વિશ્વના અન્ય ઉલ્લેખનીય કિલ્લાઓ સાથે તુલના થાય તેવી આ કિલ્લાની સંરક્ષણરચના ચાર સ્તરે સમકેન્દ્રીય દીવાલોથી કરાઈ છે. દુર્ગ સુધી પહોંચવા માટે તેની બહાર 4500 મી. લાંબી પાણીની મોટી ખાઈ અને નાનો પુલ ઓળંગીને કિલ્લા પર ચઢવાનું દુશ્મનો માટે લગભગ અશક્ય બને છે. તેને માટે સાંકડા, વિકટ અને કુટિલ ભૂગર્ભ માર્ગ(tunnel)માંથી પસાર થવું પડે છે. તે માર્ગમાં બાળી નાખે તેવી અતિશય ગરમ હવા ભરી દેવામાં આવેલી હોય છે.

આ કિલ્લામાં 45 મી.થી 60 મી. ઊંચા ખડક પર બનાવેલી દીવાલો તથા તેમાંના બુરજ, ત્રિસ્તરીય દરવાજા, આક્રમણ તથા સંરક્ષણ માટેની વ્યવસ્થા તથા બાંધકામની મજબૂતાઈ ઉલ્લેખનીય છે. કિલ્લાની મધ્યમાં આવેલા સંકુલમાં પ્રવેશવા માટે સાંકડા પુલ તથા નાના દરવાજામાંથી પ્રવેશ કરવો પડે છે.

આ સંકુલમાં મહેલો, અશ્વશાળા, ગજશાળા, પ્રશાસકીય મકાનો ઉપરાંત જુમ્મા મસ્જિદ તથા મિનાર છે. આમાંની ઘણી ઇમારતો જર્જરિત થઈ ગઈ છે, પરંતુ કિલ્લો સુઢ છે. આ દુર્ગનું પ્રવેશદ્વાર મંદિરોનાં દ્વાર જેવું સુશોભિત છે. યાદવોની ઇમારતોના પથ્થરોને પાછળથી મુસલમાનોએ વધારાની કિલ્લેબંધી કે મસ્જિદો માટે વાપર્યા હતા. ઉત્તરકાલીન મુસલમાન રાજ્યકાળ દરમિયાન બહારના દુર્ગને નવેસરથી વિકસાવવામાં આવ્યો હતો. ટેકરી પરનો દુર્ગ વિકટ છે. આ દુર્ગ ત્યાંના શાસકને ડુંગરમાં થઈને શિખરે પહોંચી જવાના ગુપ્ત માર્ગો પૂરા પાડે છે.

આ કિલ્લામાં આવેલા મહેલના સુશોભન માટેના વાદળી પથ્થરો ચીનથી આણ્યા હોવાથી તેને ચીની મહેલ કહે છે. ઔરંગઝેબના સમયમાં આ મહેલ જેલ તરીકે વપરાતો. ગોલકોંડાના છેલ્લા સુલતાન અબુલ હસન તાનાશાહને તેના મૃત્યુ પર્યંત ત્યાં રાખવામાં આવ્યો હતો. કિલ્લો તોડવા માટે વપરાતી ગેંડાના આકારની 5.5 મી. લાંબી તોપ આ કિલ્લામાં આવેલી છે. આ કિલ્લામાં આવેલ મંદિર સાતમા સૈકામાં જૈન મંદિર હતું તે આઠમા સૈકામાં કાલિકાનું મંદિર બન્યું. ઈ. સ. 1313માં તે મસ્જિદમાં તથા 1948માં તે ભારત માતાના મંદિરમાં રૂપાંતરિત થયું.

પ્રિયબાળાબહેન શાહ

હેમંત વાળા