દોલકો : ઊર્જારૂપાંતરણ માટેની એક પ્રયુક્તિ. આવી પ્રયુક્તિ દ્વારા ડી.સી. સ્રોતમાંથી વિદ્યુતશક્તિ મેળવાય છે અને તેનું વિદ્યુત-દોલનોમાં રૂપાંતર થાય છે. આ રીતે પેદા થતાં દોલનો વિવિધ આવૃત્તિઓ, તરંગ સ્વરૂપ અને શક્તિ-સ્તર ધરાવતા એ.સી. પ્રવાહ છે. દોલકપરિપથ સાકાર કરવા માટે શૂન્યાવકાશ કરેલી નળીઓ, ટ્રાન્ઝિસ્ટર અને સંકલિત પરિપથ (integrated circuit) જેવા વિવિધ ઇલેક્ટ્રૉનિક ઘટકોનો ઉપયોગ થાય છે.

તરંગસ્વરૂપને આધારે દોલકોનું સાઇનવક્રીય (sinusoidal) અને બિનસાઇનવક્રીય પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તે રીતે આવૃત્તિને આધારે શ્રાવ્ય અને ઉચ્ચ આવૃત્તિ જનરેટર તરીકે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉનિક પરિપથ દ્વારા આ પ્રકારનાં દોલનો પેદા કરવા માટે પ્રયત્નો 1900થી ચાલુ છે. તે માટે પુનર્નિવેશ પ્રવર્ધક (feedback amplifier) સાથે સંકળાયેલ બર્ખાઉસેન કસોટી લાગુ પાડવી જરૂરી છે.

કોઈ પણ હેતુ માટે અમુક દોલક પસંદ કરવામાં આવે ત્યારે પેદા થતા તરંગસ્વરૂપની આવૃત્તિની સ્થિરતા મહત્વનો મુદ્દો છે. ઘણાખરા ઇલેક્ટ્રૉનિક વિનિયોગ આવૃત્તિના સાધારણ ફેરફારને અનુરૂપ થવા પ્રબંધ કરી લે છે; પણ કમ્પ્યૂટર જેવી સંવેદનશીલ પ્રયુક્તિઓમાં તો અચળ આવૃત્તિ જોઈએ જ, જેથી ખોટી પ્રક્રિયાઓ અટકાવી શકાય. ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્ફટિક દોલકોનો ઉપયોગ થાય છે; જ્યારે શ્રાવ્ય અને રેડિયો આવૃત્તિ માટેના દોલકો [inductor (L) – capacitor (c)] સ્વરિત પરિપથ વડે તૈયાર કરી શકાય છે.

જગદીશભાઈ કાશીભાઈ ચૌહાણ