દોડ : એક પ્રકારની મેદાની રમત. વિશેષત: સ્પર્ધામાં દોડવું તે. ‘દોડવું’ એ પ્રાણીમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને અનાદિ કાળથી માનવી દોડતો આવ્યો છે. આધુનિક ઑલિમ્પિક રમતોમાં વિવિધ પ્રકારની દોડસ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રૅક ઉપર થતી દોડસ્પર્ધાઓને અંતરની ર્દષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે :
(1) ટૂંકી ઝડપી દોડ (sprints) : આમાં 100 મી., 200 મી., 400 મી. તથા 800 મી. અંતરની દોડનો સમાવેશ થાય છે.
(2) મધ્યમ ઝડપી દોડ (middle distance) : આમાં મુખ્યત્વે 1500 મી. અંતરની દોડનો સમાવેશ થાય છે.
(3) લાંબી દોડ (long distance) : આમાં 5000 મી. અને 10,000 મી. દોડનો સમાવેશ થાય છે.
ઉપર્યુક્ત પૈકી 100 મી. દોડસ્પર્ધાનો માર્ગ સીધો હોય છે, જ્યારે બાકી બધી સ્પર્ધાઓ 400 મી.ના અંડાકાર ટ્રૅક પર યોજાય છે. આ સિવાય વિશેષ પ્રકારની દોડસ્પર્ધાઓ પણ યોજાય છે, જે પૈકી મૅરથોન દોડસ્પર્ધાઓમાં દોડનું અંતર 42,195 મી. હોય છે અને તેનો આરંભ તથા અંત ટ્રૅક પર, જ્યારે બાકીની દોડ રીતસર બનાવેલા માર્ગ પર થાય છે, જ્યાં નિયત સ્થાને નાસ્તા-પાણીની સગવડ હોય છે. ગ્રામ-વિસ્તાર – દોડ એટલે કે ક્રૉસ-કન્ટ્રી રેસ ટ્રૅક પર નહિ પણ ખાબડખૂબડ (rough) ગ્રામરસ્તા પર 5થી 8 માઈલ અંતરની યોજાય છે. વિઘ્નદોડ (hurdle race) ટ્રૅક પર યોજાય છે અને 110 મી., 200 મી., તથા 400 મી. – એમ ત્રણ અંતરની હોય છે. તેમાં નિયત અંતરે ગોઠવેલી લાકડાની યા ધાતુની ઘોડીઓ કૂદીને ઓળંગતાં દોડી જવાનું હોય છે. ટપ્પાદોડ-સ્પર્ધા (relay) દોડવીરોની ટુકડીઓ વચ્ચે યોજાય છે. દરેક ટુકડીમાં ચાર દોડવીરો હોય છે તથા વારાફરતી તેઓ હાથમાં બૅટન (ટૂંકી લાકડી) રાખી દોડે છે અને પોતાના અંતરની દોડ પૂરી થતાં પછીના દોડનારને તે બૅટન હાથોહાથ પસાર કરે છે. ટપ્પાદોડ 4 × 100 મી. તથા 4 × 400 મી. – એમ બે પ્રકારની હોય છે. મેડલે રિલેમાં દરેક ટુકડીના દોડવીરને જુદું જુદું અંતર દોડવાનું હોય છે. પ્રથમ દોડનાર કુલ અંતરનો 1/8, બીજો દોડનાર 1/4, ત્રીજો દોડનાર 3/8 અને ચોથો દોડનાર બાકીનું 1/8 અંતર દોડે છે.
દોડ શરીરને કાર્યક્ષમ અને સુડોળ બનાવવા માટે ઉત્તમ વ્યાયામપ્રકાર છે. સામાન્ય રીતે સૈન્યમાં તથા વિવિધ રમતો માટેના ખેલાડી માટેના ક્ષમતાવર્ધક કાર્યક્રમમાં દોડવાની કસરતનો સમાવેશ હોય છે. દોડવાની કસરતથી હૃદય, ફેફસાં, યકૃત, પ્લીહા વગેરે શરીરના અગત્યના અવયવોને લાભ થાય છે, પરિણામે આરોગ્ય સુધારવામાં અને જાળવવામાં ઘણી મદદ મળે છે. લાંબા અંતરના દોડવીરો થોડા પાતળા હોય છે; પરંતુ તેમના સ્નાયુઓ અત્યંત મજબૂત હોય છે. તાકાત (stamina) કેળવવા માટે તથા ચરબી ઘટાડવા માટે દોડ જેવી બીજી કોઈ કસરત નથી.
ચિનુભાઈ શાહ