દો ચટ્ટાનેં (1965) : હિંદી કવિ હરિવંશરાય બચ્ચનનો કાવ્યસંગ્રહ. ઉત્તરછાયાવાદી હિંદી ઊર્મિકવિતાના તેઓ લોકપ્રિય કવિ ગણાય છે. આ કાવ્યસંગ્રહમાં 1962થી 64 દરમિયાન રચાયેલાં 53 કાવ્યો છે. આમાં સૌથી મહત્ત્વનું કાવ્ય છે ‘દો ચટ્ટાનેં’ અથવા ‘સિસિફસ વિ. હનુમાન.’ આ લાંબા કાવ્યમાં ગ્રીક પુરાણકથાના પાત્ર સિસિફસ તથા હનુમાનના પાત્રનું પ્રતીક તરીકે કાવ્યપ્રયોજન કરી બે ભિન્ન પ્રકારની જીવનર્દષ્ટિ તથા વિચારસરણી આલેખી છે. બંને પાત્રો અમર થવા ઝંખે છે, પરંતુ તેમનાં સાધનો એકબીજાથી તદ્દન ભિન્ન છે.

સિસિફસ મૃત્યુને કારાવાસમાં નાંખી બંદી બનાવી અમર થવાનો રસ્તો અપનાવે છે, પરંતુ તે એક અભિશાપ પુરવાર થાય છે. તે પામે છે અનંત દુ:ખભર્યું જીવન; પરિણામે તે પર્વતની ટોચ પરથી સતત ગબડ્યા કરે છે. આ છે વેદના તથા યાતનાથી ભરેલા નિરર્થક જીવનનું પ્રતીક. એમાં વીસમી સદીની શ્રદ્ધાશૂન્ય પાશ્ચાત્ય રહેણીકરણી તથા જીવનશૈલીનું ચિત્ર પણ જોવાય છે. આનાથી તદ્દન ઊલટું, હનુમાન ભક્તિ અને ત્યાગથી અમર બની જાય છે. એ શ્રદ્ધા તથા નમ્રતાનું પ્રતીક છે. એ દ્રોણાચલ પર્વત ઊંચકે છે પણ એક જ વાર. એ પર્વત પર તો સંજીવની રહેલી છે. હનુમાન જીવનના કલ્યાણમાર્ગનું સૂચન કરે છે. આ છે ભારતીય જીવનર્દષ્ટિ અને વિચારસરણી.

આ લાંબા કાવ્યને કારણે આ સંગ્રહ નોંધપાત્ર બન્યો છે એ ખરું; પરંતુ બીજાં કાવ્યો ઓછાં મહત્વનાં નથી. ચીની આક્રમણ, નેહરુનું અવસાન, યુવા-આક્રોશ, કવિની વૃદ્ધાવસ્થા, સમકાલીન સાહિત્યસૃષ્ટિ વગેરે વિષયને લગતાં કાવ્યોમાં કવિનાં મનોવલણો, અભિપ્રાયો તથા વિચારસૃષ્ટિનો રોચક ચિતાર છે. એ એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેઓ નિર્ભયતાથી મૃત્યુ વિશે ચિંતન કરે છે અને સતત આ જગતમાંથી વિદાય લેવાનું વિચારે છે.

આ કાવ્યસંગ્રહને સાહિત્ય એકૅડેમીનો 1968ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી