દોદ દગ : અખ્તર મોહ્યુદ્દીનની આધુનિક કાશ્મીરી નવલકથા. ‘દોદ દગ’માં ભારતવિભાજન અને કાશ્મીરના પણ પાકિસ્તાની આક્રમણને કારણે ભાગલા પડ્યા તેના પરિણામે  કાશ્મીરી પ્રજાનું જીવન કેવું વેરવિખેર થઈ ગયું તથા કાશ્મીરી પરિવારોમાં જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેનું સચોટ બયાન એક પરિવારને કેન્દ્રમાં રાખીને અપાયું છે. નવલકથામાં એમણે રાજકારણને પ્રજાદ્રોહી ગણાવ્યું છે અને એક કુટુંબની કન્યા, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હોવાથી, પિયેરિયાં જોડેનો વિચ્છેદ કેવો દુખકર થયો તેનું હૃદયવિદારક ચિત્ર છે. કુટુંબના પુત્રને પણ આ પરિસ્થતિને કારણે છૂટાછેડા લેવા પડે છે. અસામાજિક તત્વો પ્રજાની જોડે કેવી નિર્દયતાથી વર્તે છે, લૂંટફાટ મારફાડ કરે છે, તેનું આલેખન પણ તાર્દશ રીતે થયું છે. આ નવલકથા માટે લેખકને કાશ્મીર સરકાર તરફથી સુવર્ણચન્દ્રક એનાયત થયો હતો.

ચન્દ્રકાન્ત મહેતા