દૈમાબાદ : મહારાષ્ટ્રમાં પ્રવરા નદીના કાંઠે આવેલ તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતું સ્થળ. તે અહમદનગરથી ઉત્તરે આશરે 60 કિમી. અને શ્રીરામપુરથી દક્ષિણે 15 કિમી. દૂર છે. ત્યાંનો તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતો ટેકરો 6 મી. ઊંચો છે. તેના જુદા જુદા સમયના ત્રણ સ્તરોમાંથી વિવિધ અવશેષો મળ્યા છે.
પહેલા કાલખંડના લોકો કર્ણાટકના બ્રહ્મગિરિના અવશેષોને મળતાં આવતાં જાડાં, ભૂખરા રંગની માટીનાં વાસણો વાપરતા હતા. આ કાળની માટીની કોઠી ઉપર નાસતા વાઘ અને હરણનાં વિશિષ્ટ રીતે આલેખાયેલાં રેખાંકનો છે.
બીજા કાલખંડનાં માટીનાં વાસણો લાલ રંગનાં છે. તેના ઉપર કાળા રંગથી નકશીકામ કરાયેલું છે. ભૂમિતિનાં પ્રતીકો સહિત તેના ઉપર વેલા-પાંદડાંનાં અને ક્યારેક પ્રાણીઓનાં રેખાંકનો છે. આ માટીનાં વાસણો પહેલા કાલખંડનાં વાસણોની સરખામણીમાં પાતળાં છે. બીજા કાલખંડના સમયની એક ત્રાંબાની કુહાડી મળી છે. આ સમયગાળામાં શબ સહિત માટીની પેટી મળી છે. આ પેટીની સપાટી માટીથી લીંપીને તૈયાર કરાયેલી છે અને તેના ઉપર ચૂનો ચોપડવામાં આવ્યો છે. ત્યાંનાં ઘરો ગોળ કે ચોરસ આકારનાં હતાં. બીજા અવશેષોમાં માટીની સ્ત્રીમૂર્તિ, બળદ, કૂતરો વગેરેનાં રમકડાં નોંધપાત્ર છે.
ત્રીજા અને છેવટના કાલખંડનાં માટીનાં વાસણો તામ્રપાષાણ યુગની ખાસિયત ધરાવતા જોર્વેના અવશેષોને પાતળું પડ, આકાર, નકશીકામ વગેરે બાબતોમાં મળતાં આવે છે. ત્રીજા કાળની ઘસીને તૈયાર કરેલી પથ્થરની કુહાડી, પતરીવાળાં હથિયારો (flake tool) અને ચકમક(flint stone)નાં હથિયારો વગેરે અહીંથી વધુ પ્રમાણમાં મળેલ છે. ત્રીજા કાલખંડમાં નદીની બાજુમાં ઊભા કરાયેલા માટી અને ચૂનાથી બાંધેલા પાળા બીજે જોવા મળતા નથી.
ઈ. સ. પૂ. 1,500 થી 1,000 દરમિયાન અહીં લોકોની વસ્તી હતી. આધુનિક કાળમાં તાંબાનો હાથી, રથ વગેરે કેટલીક મૂર્તિઓ મળી છે, જે તામ્રપાષાણ યુગની છે એમ કેટલાક અભ્યાસીઓ માને છે.
શિવપ્રસાદ રાજગોર