દે, વિષ્ણુ (જ. 18 જુલાઈ 1909, કૉલકાતા; અ. 3 ડિસેમ્બર 1982, કૉલકાતા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બંગાળી કવિ. માધ્યમિક શિક્ષણ કૉલકાતાની સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની સેંટ પોલ કૉલેજમાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય લઈને એમ.એ થયા. 1935માં કૉલકાતાની રિપન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યાંથી એ પ્રેસિડન્સી કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક નિમાયા. પછી ઇસ્લામિયા કૉલેજમાંથી નિવૃત્ત થયા. એમનો અભિગમ માર્કસવાદી હતો. એ માનવતાવાદના પુરસ્કર્તા હતા, પણ માનવસમૂહથી દૂર રહેતા હતા. એમનાં મૂળ આ દેશની સામાજિક તથા સાંસ્કૃતિક પરંપરામાં હતાં. એમણે વ્યક્તિવાદ તથા પ્રગતિવાદનો વિરોધ કર્યો હતો.
એમને ટાગોરના સાહિત્ય અને આદર્શો પ્રત્યે અનહદ આદર હતો. બીજી તરફ એમની પર યુરોપના મહાન કાવ્યચિંતક ટી.એસ.એલિયટનો પણ ઘેરો પ્રભાવ હતો. જાણીતા ચિત્રકાર યામિની રાયની ચિત્રકળાથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉર્વશી ઓ આર્તેમિસ’ (1933) એલિયટનો પ્રભાવ દર્શાવે છે. એમાં એમણે એલિયટની કવિતામાંથી અવતરણો પણ મૂક્યાં છે. એમના અન્ય કાવ્યસંગ્રહો ‘ચોરાબાલિ’ (1936); ‘પૂર્વલેખ’ (1941); ‘સાત ભાઈ ચંપા’ (1945); ‘સંદ્વીપેર ચર’ (1947); ‘અન્વિષ્ટ’ (1950); ‘નામ રેખેછિ કોમલ ગાંધાર’ (1953); ‘સ્મૃતિ સત્તા ભવિષ્યત્’ (1963) જે કાવ્યસંગ્રહને માટે એમને 1965નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ તથા 1971માં જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો; ‘એકુશ બાઈશ’ (1965); ‘સેઈ અંધકાર ચાઈ’ (1966); ‘રસવતી પંચશતી’ (1967); ‘સંવાદમૂલક કાવ્ય’ (1969); ‘રવિ કરોજ્જ્વલ નિજદેશ’ (1973); ‘ઈશાવાસ્ય દિવાનિશા’ (1974); ‘ચિત્રરૂપ મત્ત પૃથિવીર’ (1976); ‘ઉત્તરે થાકો મૌન’ (1977) વગેરે અન્ય કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયેલા છે. આ ઉપરાંત સાહિત્યવિવેચનના પણ ‘સાહિત્યેર દેશવિદેશ’ (1962); ‘રવીન્દ્રનાથ ઓ શિલ્પસાહિત્ય’ (1962) તથા ‘યામિની રાય’ (1977) જેવા ગ્રંથો છે. એમણે અંગ્રેજીમાંથી અનેક ભાષાંતરો પણ કર્યાં છે તેમાં એલિયટ, માઓત્સે તુંગ, બૉદલેર, માલાર્મે, લૉર્કા વગેરેની કૃતિઓના અનુવાદ તથા વિવેચનો છે. એમણે અંગ્રેજીમાં ‘ધ પેઇન્ટિંગ્ઝ ઑવ્ રવીન્દ્રનાથ ટાગોર’ (1958); ‘ઇન્ડિયા ઍન્ડ મૉડર્ન આર્ટ’ (1959); ‘ઇન ધ સન ઍન્ડ ધ રેઇન/એસેઝ ઑન એસ્થેટિક્સ’ (1972) વગેરે પુસ્તકો લખેલાં છે.
ચન્દ્રકાન્ત મહેતા