દેહવિકાસનાં સોપાનો (milestones of development) : બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાઓ. સંપૂર્ણપણે માતા પર આધારિત એવા ગર્ભમાંથી બાળપણ દરમિયાન જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તેને કારણે તે સ્વતંત્ર પુખ્ત વ્યક્તિ બને છે. શરીરના કોષોની સંખ્યામાં તથા પેશીઓ અને અવયવોના કદમાં વધારો થાય છે તે પ્રક્રિયાને વૃદ્ધિ (growth) કહે છે જ્યારે શરીર અને મગજની કાર્યક્ષમતામાં જે વધારો થાય છે તથા તેમાં પુખ્તતા આવે છે તેને વિકાસ (development) કહે છે.

આકૃતિ 1 : સામાન્ય હલનચલનનો વિકાસ (ચિત્રાત્મક).
નોંધ : તીર ટેકો આપવાનું સ્થાન બતાવે છે.

બાળક તેના વિકાસની પ્રક્રિયા દરમિયાન આસપાસના વાતાવરણની માહિતી એકઠી કરે છે, જીવતા રહેવા માટે જરૂરી સ્નાયુઓની મદદથી કરાતાં હલનચલનની ક્રિયાઓને શીખે છે તથા વાતચીત અને સંદેશાની આપલે માટે ભાષા શીખે છે તેમજ વિચાર કરતો થાય છે. બાળકના ચેતાતંત્રની પાકટતા (maturation) તથા જીવનના અનુભવો પર આ પ્રકારનો માનસિક વિકાસ આધારિત રહે છે.

5મા મહિનાના ગર્ભમાં પુખ્ત વ્યક્તિમાં હોય તેટલા – બાર અબજ – ચેતાકોષો ઉત્પન્ન થયેલા હોય છે. આ કોષો વચ્ચેનાં આંતરજોડાણો (inter-connections) ગર્ભ અને ત્યારબાદ શિશુ(infant)માં જેમ જેમ અને જેવાં જેવાં વિકસે છે તેમ તેમ અને તેવી તેવી વર્તનપ્રણાલીઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વર્તનપદ્ધતિઓ કે પ્રણાલીઓ પૂર્વનિશ્ચિત (preconditioned) હોય છે અને તેના દ્વારા બાળકોના વિકાસમાં સામાન્ય મૂળભૂત મરોડ (trends) અને સરખાપણું ઉદભવે છે. જોકે જ્ઞાન અને આવડત અથવા કૌશલ્ય(skills)ની ઉપલબ્ધિ તેને મળતી અવલોકન કરવાની, નકલ કરવાની તથા અનુભવવાની તકો પર આધારિત હોય છે.

વિકાસનો અર્થ મુખ્યત્વે અવયવો અને ખાસ કરીને મગજની ક્રિયાશીલ પાકટતા મેળવવી એવો થાય છે. તેમાં વાતાવરણ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રણાલીઓ તેમજ જનીનીય (genetic) ઘટકોની અસર રહે છે. આમ, કુદરતી પરિબળો તેમજ ઉછેર(nature and nurture)ના આંતરસંબંધ વડે વ્યક્તિગત વિકાસનો ઉપક્રમ ઘડાય છે. વિકાસની કક્ષાનું માપન એ એક નિદાન-ચિકિત્સીય (clinical) પ્રક્રિયા ગણાય છે. તેમાં ચોક્કસ ઉંમરે સામાન્ય રીતે કેટલાં કૌશલ્યો (આવડતો) ઉપલબ્ધ થયાં છે તેની નોંધ લેવામાં આવે છે.

આકૃતિ 2 : સામાન્ય હલનચલનનો ક્રમિક વિકાસ. (અ) 1 મહિને નાક ન દબાય તેમ ઊંધું સૂએ, (આ) 2 મહિને ઊંધું સૂતી વખતે માથું ઊંચકે, (ઇ) 3 મહિને ઊંધું સૂતી વખતે માથું અને છાતી ઊંચકે, (ઈ) 3 મહિને નજર સામેનું રમકડું રમે, (ઉ) 3 મહિને તેડતી વખતે માથાને તથા પીઠને ટેકો જરૂરી, (ઊ) 4 મહિને માથું ટટ્ટાર રાખે, (ઋ) 6 મહિને ટેકાથી બેસે, (એ) 7 મહિને એકલો જાતે થોડી વાર બેસે, (ઐ) 8 મહિને વગર ટેકે બેસે, (ઓ) 1૦ મહિને ઘૂંટણિયાં ભરે.

સામાન્ય વિકાસ : વિકાસની પ્રક્રિયાને સમજવા તથા અવલોકવા માટે પરંપરાગત રીતે બાળકનાં વિવિધ ક્ષેત્રોમાંના વર્તનના જુદા જુદા તબક્કાઓ કે સોપાનોને ઓળખી કાઢવામાં આવેલાં છે. તેમાં મુખ્યત્વે 4 પાસાંનો અભ્યાસ કરાય છે : (1) હલનચલન(motor)નો વિકાસ, (2) સાનુકૂલન (adaptive) અથવા પ્રત્યક્ષ, પરિચયાત્મક અથવા બોધાત્મક (cognitive) વર્તન, (3) ભાષા તથા (4) વ્યક્તિગત અને સામાજિક વર્તન. સમયાંતરિત સોપાનો દ્વારા કરાતા અભ્યાસનો અર્થ એવો થતો નથી કે બાળકનો વિકાસ એક અંતર્ગ્રથિત (integrated) સંપૂર્ણ વ્યક્તિત્વનો સળંગ વિકાસ નથી. આ માટે પાસાંઓમાં સાથે સાથે વિકાસ થતો હોય છે. તેથી ક્યારેક કોઈ એક આવડત (skill) માટેનું પરીક્ષણ કરાય ત્યારે તે એકથી વધુ પાસાંઓને પણ સ્પર્શે છે; જેમ કે, એક સીધી સમક્ષિતિજ રેખા દોરવાની ક્ષમતા હલનચલનનો વિકાસ તેમજ સાનુકૂળ વર્તન પણ સૂચવે છે. તેનો તે સમયનો ભાવાત્મક પ્રતિભાવ તેના સામાજિક વિકાસ વિશે માહિતી આપે છે.

આકૃતિ 3 : સામાન્ય હલનચલનનો વિકાસ. (અ) 9-1૦ મહિને ટેકે ઊભો રહે, (આ) 12 મહિને હાથના ટેકે ચાલે, (ઇ) 13 મહિને વગર ટેકે ચાલે, (ઈ) 2 વર્ષે દડાને લાત મારે તો પડતો નથી, (ઉ) 15 મહિને ગોઠણભેર સીડી ચઢે છે. (ઊ) 2 વર્ષે ટેકે ટેકે સીડી ચઢે, (ઋ) 3 વર્ષે વગર ટેકે સીડી ચઢે.

વિકાસનો ક્રમ (sequence of development) : જોકે સામાન્ય રીતે આવડતો (કૌશલ્યો) કેળવવાનો ક્રમ ઘણે ભાગે નિશ્ચિત હોય છે, પરંતુ તે મેળવવાની વય અથવા સમયગાળામાં ઘણી વખત તફાવત રહે છે. મોટાભાગનાં બાળકો કાં તો જે તે આવડત સહેજ વહેલી કે સહેજ મોડી મેળવે છે. જુદું જુદું કૌશલ્ય કેળવવાની આદર્શ વય સામાન્ય રીતે પૂરા દિવસે (full term) જન્મેલા બાળક માટેની ગણાય છે.

જો બાળક વહેલું જન્મેલું હોય તો તેના કિસ્સામાં જેટલો સમય તે વહેલું જન્મ્યું હોય તેટલો સમય તે આદર્શ વયમાં ઉમેરવો પડે છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રોમાંનાં વિકાસલક્ષી કૌશલ્યો શીખવાનો ક્રમ ટૂંકમાં જણાવાયો છે :

(1) હલનચલન(locomotion)નો વિકાસ : દરેક બાળક એક નિયમિત અને વ્યવસ્થિત (orderly) ક્રમ પ્રમાણે વિવિધ હલન-ચલનની ક્રિયાઓ શીખે છે. (જુઓ આકૃતિ 1, 2, 3 અને સારણી.)

આકૃતિ 4 : વિશિષ્ટ હસ્તક્રિયાઓ : (અ) નવજાત શિશુમાં મુષ્ટિગ્રહણ, (આ) 3-4 મહિને બધી આંગળીઓ વડે પકડવા પ્રયત્ન, (ઇ) 4-5 મહિને હથેલીગ્રહણ, (ઈ) 4 મહિને વસ્તુ જુએ પણ પકડી ન શકે, (ઉ) 5મે મહિને વસ્તુ પકડે, (ઊ) 6-7 મહિને અંગૂઠાનો ઉપયોગ શરૂ, (ઋ) 8-9 મહિને અંગૂઠા-આંગળીની પકડ શરૂ, (એ) અંગૂઠા-આંગળી વડે બરાબર પકડે, (ઐ) 8 મહિને દરેક હાથમાં ઘન ટુકડો, (ઓ) 9-12 મહિને અંગૂઠા-આંગળી વડે પકડ બરાબર, (ઔ) 12 મહિને રમકડાની મોટરને ધક્કો મારે, (અં) 18મે મહિને 3 ઘન વસ્તુનો મિનારો કરે.

(2) સહેતુક હસ્તક્રિયાઓ(manipulation)ની આવડત (આકૃતિ 4) : નવજાત શિશુની હથેળીના સંપર્કમાં જે આવે તેને તે મૂઠી વાળીને પકડી લે છે. તેને આદિ મુષ્ટિગ્રહણની પરાવર્તી (primitive grasp reflex) ક્રિયા કહે છે. કોઈ વસ્તુને મૂઠી વાળીને પકડી લેવાની ક્રિયાને મુષ્ટિગ્રહણ (grasping) કહે છે. સ્વૈચ્છિક મુષ્ટિગ્રહણની ક્રિયાનો વિકાસ થાય તે પહેલાં આદિ મુષ્ટિગ્રહણની ક્રિયા જતી રહે છે અને નવજાત શિશુના મૂઠી વાળીને બીડેલા હાથ (હસ્ત) ખૂલે છે. તથા તેની આંખનું અને હસ્તનું હલનચલન એકબીજાંને અનુબંધિત (coordinated) થાય છે.

(3) આંખોના ઉપયોગનો વિકાસ : નવજાત શિશુ અવાજ સાંભળીને કે આંખની કીકીની સ્વચ્છા(cornea)ને સ્પર્શ કરવાની ક્રિયા કરવામાં આવે તો તેની આંખ બંધ કરી દે છે; પરંતુ કોઈ વસ્તુ આંખ તરફ આવતી જોઈને તે આંખ બંધ કરી દેતો નથી; પરંતુ તે તરત રક્ષણાત્મક પ્રતિભાવ દર્શાવે છે. એક મહિનાની ઉંમરે શિશુ હાલતા પદાર્થ સાથે 9૦°ના વૃત્તમાં આંખ ફેરવે છે. જ્યારે તેની મા તેની સાથે વાત કરે છે ત્યારે તે પોતાની માતાને જોયા કરે છે અને થોડા સમયગાળાના વિકાસ બાદ તે પ્રતિભાવ રૂપે હસે છે. લગભગ 3 મહિનાની ઉંમરે તે હાલતા પદાર્થની સાથે 18૦°ના વૃત્તમાં આંખ ફેરવી શકે છે. 3થી 5 મહિનામાં તે જ્યારે ચત્તો સૂતો હોય ત્યારે પોતાના હાથને બરાબર જુએ છે. 5મા મહિને તે દર્પણમાંનું પોતાનું પ્રતિબિંબ જોઈને હસે છે તથા 6ઠ્ઠે મહિને તે પદાર્થને જોવા માટે પોતાના શરીરને ગોઠવે છે. ખૂબ ઝડપથી ખસતા પદાર્થની સાથે તેની આંખને ફેરવવાની ક્ષમતા લગભગ 1 વર્ષે આવે છે.

(4) સાંભળવાની ક્રિયાનો વિકાસ : ગર્ભાશયમાંનો ગર્ભ અવાજ સાંભળી શકે છે તેવું સાબિત થયેલું છે. 3થી 4 મહિનાની ઉંમરે નવું જન્મેલું શિશુ અવાજની દિશામાં માથું ફેરવે છે અને 6 મહિનાની વયે તે સાંભળેલા અવાજની નકલ કરે છે. 7મે મહિને તે તેના નામથી બોલાવાય ત્યારે પ્રતિભાવ આપે છે અને 9થી 12મા મહિને તે કેટલાક શબ્દોના અર્થો તથા કુટુંબની વ્યક્તિઓનાં નામ જાણતો થાય છે. લગભગ 1 વર્ષે તે અવાજના મૂળસ્થાનની જાણકારી મેળવવામાં મોટાં બાળકો કે પુખ્તવયની વ્યક્તિ જેટલો પાવરધો થઈ જાય છે.

(5) સામાન્ય સમજણનો વિકાસ : જન્મ પછીના થોડાક જ દિવસોમાં સામાન્ય સમજણની શરૂઆત થયેલી જાણી શકાય છે ખાસ કરીને તેની માતા તેને બોલાવતી હોય તે સમયે. તે વખતે ચૂપ થઈ જાય છે. મોઢું ખોલ-બંધ કરે છે અને માથું ઊંચુંનીચું કરે છે. તે 4થી 6 અઠવાડિયાંનો થાય ત્યારે માના બોલાવવા પર હસે છે. 12મે અઠવાડિયે તેને રમકડું આપવામાં આવે તો તે ખુશ થઈ જાય છે અને તેની માને ઓળખવા માંડે છે. 16થી 2૦ અઠવાડિયે તે ખોરાક તૈયાર કરવામાં આવે તેવી ઇચ્છા ધરાવે છે અને ખોરાકને જોઈને ખુશ થાય છે તથા મોટેથી હસે છે. 24મે અઠવાડિયે તે રમકડું લઈ લેવામાં આવે તો અણગમો વ્યક્ત કરે છે. તે તેના ગમા-અણગમા દર્શાવે છે. તેને ઊંચકી લેવાનું દર્શાવવા તે હાથ લંબાવે છે અને જો મોંને કપડામાં ઢાંકીને સંતાડવામાં આવે ત્યારે તે હસે છે. 28મે અઠવાડિયે તે જાતે ક્રિયાઓ શરૂ કરે છે કે અવાજ કરે છે. તેને ન ગમતો હોય તેવો ખોરાક અપાય તો તે હોઠને જોરથી બીડી દે છે. 36મે અઠવાડિયે જો તેને મોં ધોવડાવવું ન હોય તો તે હાથ વડે, મોંને ઢાંકી દે છે. 4૦મે અઠવાડિયે તે આવજો કરવા હાથ હલાવે છે. સામાન્ય સમજણનો વિકાસ સારણીમાં દર્શાવ્યો છે.

(6) આહાર અને પહેરવેશનો વિકાસ : પ્રથમ 4 મહિના સુધી જો ખોરાક જીભના ટેરવા પર મૂક્યો હોય તો તે બહાર કાઢી નાંખે છે. તેથી ખોરાકને મોંની અંદર મૂકવો પડે છે; 4થી 5 મહિને તે પ્યાલાની કિનારી પર પોતાના બંને હોઠને પાસપાસે લાવી શકે છે અને તેથી તે સમયથી પ્યાલા વડે તેને ખવડાવી શકાય છે. 6 મહિનાની ઉંમરે તે ચાવી શકે છે. ધીરે ધીરે તે ચમચી પકડવાનું શીખે છે અને 15મે મહિને જાતે ચમચાથી ખાઈ શકે છે. કપડાં પહેરવાનું શીખવા માટેની ઉંમર જુદી જુદી હોય છે. મોટેભાગે તેમને મળતી તક તે માટે મહત્વની છે. સામાન્ય સમજણવાળું બાળક પોતાની જાતે 3 વર્ષનું થાય ત્યારે જ પૂરેપૂરાં કપડાં પહેરી શકે છે. તે સમયે પણ આગળ-પાછળ અને ડાબા-જમણા ભાગ અંગે જાણકારી આપવી પડે છે. ક્યારેક ત્યારે પણ તેને બટન બીડવામાં મુશ્કેલી પડે છે.

(7) વાણી અને ભાષાનો વિકાસ : ઉચ્ચારણ 5થી 6ઠ્ઠે અઠવાડિયે શરૂ થાય છે. 12થી 16મે અઠવાડિયે તે હસે છે અને અવાજો કરે છે. 7મે મહિને બા, દા, કા જેવાં એકાક્ષરી ઉચ્ચારણો કરે છે. તેની વાણી અને ભાષાનો ક્રમિક વિકાસ સારણીમાં આપ્યો છે. 3 વર્ષે બાળક ઝડપથી અને સ્પષ્ટતાથી બોલે છે અને જરૂર પડ્યે શબ્દો બદલે છે.

(8) હાજત પર કાબૂ : નવજાત શિશુ માટે પેશાબ તથા મળત્યાગ એક પ્રકારની અવયવલક્ષી પરાવર્તી ક્રિયાઓ (visceral reflexes) છે. 1થી 2 મહિનાની ઉંમરે જ્યારે તેમને યોગ્ય સ્થળે બેસાડવામાં આવે ત્યારે પેશાબ કરવાની સંજોગલક્ષી (conditioned) પરાવર્તી ક્રિયા થાય છે. 15મે મહિને તેનો સ્વૈચ્છિક કાબૂ શરૂ થાય છે. તે સમયે ચડ્ડી પલળે ત્યારે તે માને જણાવે છે. ત્યારબાદ તે પેશાબ થાય તે પહેલાં જણાવતો થાય છે. 16થી 18મે મહિને તે પેશાબ ન કરવો હોય તો ના પાડે છે. 2½ વર્ષે તેની પેશાબની હાજતની ઉતાવળ જતી રહે છે અને તે શૌચાલય સુધી જઈ શકે છે. મળની હાજતનો કાબૂ તે પહેલાં આવી જાય છે.

સારણી : પ્રથમ 3 વર્ષમાં થતા વિકાસના ક્રમનાં કેટલાંક અગત્યનાં સોપાનો
ઉંમર હલનચલન વિશિષ્ટ હસ્તક્રિયાઓ સામાન્ય સમજણ ભાષા અને વાણી સામાજિક વર્તન
4 અઠવાડિયાં જો બેસાડવામાં આવે તો માથું સીધું રાખે છે અને પેટની નીચે હાથ રાખી હવામાં ઊંધો સુવાડાય તો ડોકના સ્નાયુ તંગ કરે છે. પલંગ પર ઊંધો સુવાડીએ તો થોડા સમય માટે દાઢી-(ચિબુક)ને પલંગથી ઊંચે રાખે છે; પરંતુ હાથ ખેંચીને બેસાડીએ તો માથુંં પાછળ રહી જાય છે. મા બોલાવે તો સામે જુએ છે અને મોં ખોલબંધ કરે છે. 9૦°ના ખૂણા સુધી નજર સામેના રમકડાની સાથે આંખ ફેરવે છે. પાસે કોઈ અવાજ થાય તો હલન- ચલન બંધ કરે છે.
6 અઠવાડિયાં જો ચત્તો હવામાં હાથ વડે રખાય તો તે માથુંં ઊંચું રાખે છે અને પલંગ પર ઊંધો સુવાડ્યો હોય તો ચિબુક 45° ઊંચી રાખે છે. હાથથી ખેંચીને બેઠો કરતાં માથુંં પાછળ રહી જતું નથી. મા બોલાવે ત્યારે હસે છે. ચત્તો સૂએ ત્યારે સામેના રમકડાને જુએ છે અને તેની સાથે નજર ફેરવે છે. માણસોના હલનચલન પ્રમાણે આંખ ફેરવવાનું શરૂ કરે છે. હસવાની ક્રિયા વધતી જાય છે.
8 અઠવાડિયાં બેઠો કરીએ તો માથુંં સીધું રાખે છે, પણ તે આગળ તરફ ઢળી પડે છે. હાથ પર હવામાં ચત્તો સુવાડીએ તો માથુંં સીધું રાખે છે. ઝડપથી રમકડાં સાથે નજર ફેરવે છે. આંખોને સ્થિર રાખે છે. એકબીજાની પાસે લાવે છે. તથા લક્ષ્ય પર ધ્યાન આપે છે.
12 અઠવાડિયાં ઊંધો સુવાડીએ તો માથું તથા છાતીનો ઉપલો ભાગ હાથ પર વજન ટેકવીને ઊંચો કરે છે. બેઠો થતાં થોડો સમય માથુંંં સીધું રાખે છે. પોતાના હાથના હલન- ચલનને ધ્યાનથી જુએ છે. પોતાનાં કપડાં ખેંચે છે. મુષ્ટિગ્રહણની પરાવર્તી ક્રિયા (grasp reflex) જતી રહી હોય છે. ઘૂઘરાને હાથમાં સહેજવાર પકડે છે. હાથથી વસ્તુ પકડવા પ્રયત્ન કરે છે. 18૦° સુધી ફરતા રમકડા સાથે નજર ફેરવે છે. બોલાવીએ ત્યારે હસે છે અને અવાજ કરે છે. આસપાસની વસ્તુઓને ધ્યાનમાં લે છે. ગળામાંથી વિવિધ અવાજ કાઢી આનંદ દર્શાવે છે.
16 અઠવાડિયાં બેઠો કરીએ તો માથું ટટ્ટાર રાખે છે. આસપાસ જુએ છે. સૂએ ત્યારે માથુંં એક બાજુ પડી જતું નથી બંને હાથને પાસે લાવીને તેનાથી રમે છે. કપડાંથી એક      મોઢું ઢાંકે છે. વસ્તુને પકડવા જાય છે, પણ તેનાથી આગળ નીકળી જાય છે. ઘૂઘરો રમે છે, હલાવે છે અને ધ્યાનથી જુએ છે. રમકડું જોઈને ઉત્તેજિત થાય છે. તે માનું સ્તન કે દૂધની શીશી જુએ એટલે રસપૂર્વક અવલોકે છે. મોટેથી હસે છે. બેઠો કરીએ એવું તેને ગમે છે, અવાજની દિશામાં માથુંં ફેરવે છે. બીજા માણસને સાંભળીને તેના જેવો અવાજ કરે છે.
2૦ અઠવાડિયાં માથાના હલનચલન પર પૂરેપૂરું નિયંત્રણ મેળવે છે. બેસાડીને સહેજ હલાવીએ તોયે માથું સ્થિર રાખે છે, ખેંચીને બેઠો કરતાં માથુંં પાછળ પડી જતું નથી. હાથથી બરાબર રીતે વસ્તુ પકડે છે. નાહવાના ટબમાં છબછબિયાં કરે છે, અને કાગળનો ડૂચો વાળે છે. હજુ અંગૂઠા તથા આંગળીની મદદથી વસ્તુ પકડતો નથી. પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જુએ એટલે હસે છે. જો ઘૂઘરો પડી જાય તો તે શોધવા નિષ્ફળ પ્રયત્ન કરે ફક્ત વસ્તુને જોઈને સંતોષ પામતો નથી. એને સ્પર્શ કરવા ચાહે છે.
24 અઠવાડિયાં ઊંધો સુવાડીએ તો સીધા હાથ વડે શરીરનો ઉપરનો ભાગ ઊંચો કરે છે. ખેંચી બેઠો કરતાં પહેલાં માથુંં ઊંચું કરે છે અને તેના હાથ હવામાં ખેંચીને બેઠો કરવાનું દર્શાવે છે. ઊંધા-માંથી ગબડીને ચત્તો થાય છે. ઊભો રાખવામાં આવે ત્યારે ઘણું વજન ઝીલે છે. દૂરના પદાર્થ પાસે પહોંચીને તેને હાથમાં પકડે છે. આખા હાથનો ઉપયોગ કરે છે. માટે તેને હથેળીપકડ(palmar grasp) કહે છે. શીશી પર હાથ મૂકે છે. જો હાથમાં એક વસ્તુ હોય તો બીજી વસ્તુ લેતાં પહેલાં પહેલીને છોડી દે છે. હાથમાંથી પડી ગયેલો ઘૂઘરો જો નજરમાં હોય તો પકડવા જાય છે. હોઠથી પરપોટા બનાવે કે મોટી વ્યક્તિની જીભ વડે નકલ કરે છે. જો માથું કપડામાં સંતાડ્યું હોય તો મોટેથી હસે છે. ખોરાકમાં ગમોઅણગમો દર્શાવે છે. સમજી શકાય તેવા અનેક પ્રકારના અવાજો કરે છે. અજાણ્યા માણસો આગળ શરમાય છે.
28 અઠવાડિયાં ઊંધો સુવાડીએ તો એક હાથે શરીર ઊંચકે છે. ઊંધોચત્તો ગબડે છે. જો ટેકો આપીએ તો કેડ અને ઢીંચણના સાંધા સીધા રાખી સહેજ વજન ઊંચકે છે. ખુશીમાં તે સમયે ઊછળે છે. ચત્તો સૂએ તો જાતે માથુંં ઊંચું કરે છે. એક વસ્તુને હાથમાં રાખીને બીજી વસ્તુને પકડે છે. એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુ આપે છે. વસ્તુને ટેબલ સાથે પછાડી અવાજ કરે છે. એક હાથે વસ્તુ પકડવા જાય છે. દરેક વસ્તુ મોંમાં મૂકે છે. જાતે બિસ્કિટ ખાય છે. કાગળ સાથે રમે છે. દર્પણમાંના પોતાના પ્રતિ- બિંબને હાથથી થાબડે છે. અવાજના ભાવને સમજે છે. ખાંસી ખાઈને કે અન્ય અવાજ કરીને બીજા સાથે સંબંધ જોડે છે. જીભ કાઢવા જેવી ક્રિયાની નકલ કરે છે. દા, બા, કા – વગેરે એકાક્ષરી ઉચ્ચારણો બોલે છે. પ્યાલામાંથી પીએ છે. ચાવી શકે છે, માટે ઢીલો ખોરાક લઈ શકે છે.
32 અઠવાડિયાં ટેકો આપવામાં આવે તો બંને પગ પર પોતાનું વજન મૂકે છે. દૂરના રમકડાને  મેળવવા સતત પ્રયત્નશીલ હોય છે. ના પાડીએ તો પ્રતિભાવ આપે છે. દાદા, બાબા – એમ બે ઉચ્ચારણોને જોડે છે.
36 અઠવાડિયાં ફર્નિચરને પકડીને ઊભો છે. 1૦ મિનિટ સ્થિર બસે છે. આગળ તરફ નમ્યા પછી પાછું સમતોલન મેળવે છે. આજુબાજુ વળી શકતો નથી. ઊંધો પડીને ઘૂંટણિયાં ભરવાનો પ્રયત્ન કરીને પાછળ તરફ ખસે છે. ગબડીને આગળ વધે છે. નાની વસ્તુને અંગૂઠા અને આંગળી વચ્ચે પકડે છે. બે ઘન ટુકડાને પાસે લાવીને જાણે કે તે સરખાવે છે. માને મોં ધોતી રોકવા માટે ચહેરા આગળ હાથ લાવે છે. ગમતો ખોરાક જોઈને ખૂબ ખુશ થાય છે. એકાગ્રતાથી રમકડાં રમે છે. સંતાકૂકડી રમે છે. જાણીતા અને અજાણ્યા વચ્ચેનો તફાવત સમજે છે.
4૦ અઠવાડિયાં ટેકો લઈને જાતે ઊભો થાય છે અથવા બેઠો થાય છે.       ઊંધો સૂતો હોય તેમાંથી બેઠો થાય અને બેઠો હોય તેમાંથી ઊંધો સૂઈ જાય છે. બેઠાં બેઠાં પડી જતો નથી. ખાટલા પર હાથથી આગળનું પકડીને પોતાની જાતને આગળ ખેંચે છે. તર્જની અથવા પહેલી   આંગળી વડે વસ્તુને અડે છે. હાથમાંથી વસ્તુને સાચવીને છોડે છે. જો હાથમાંથી વસ્તુ પડી જાય તો ઘણી વખતે તે જાણી જોઈને કરેલું હોય છે. નકલ કરતો હોય ત્યારે તે પગથી લાત મારે છે. બીજાનાં કપડાં ખેંચીને ધ્યાન ખેંચે છે. તાળી પાડીને રમે છે. ઘંટડી વગાડવાનું નકલ કરીને કરે છે. બાંય ચઢાવવા હાથ અને મોજાં પહેરવા પગ લંબાવે છે. લગભગ ડઝન શબ્દો સમજે છે. પણ 2થી3 બોલી શકે છે. ‘ડૅડી ક્યાં છે ?’ તેવા સવાલ તરફ ધ્યાન સચેત થાય છે. આ, બા, ગા જેવાં ઉચ્ચારણોને વાત રીતે બોલે છે. જલ્પન (slobbering) અને બધી વસ્તુ મોંમાં નાંખવાનું ઘટે છે.
44 અઠવાડિયાં ઘૂંટણિયાં ભરીને ચાલે છે. અને તેમાં પેટને જમીનથી દૂર રાખે છે. ઊભાં ઊભાં તે એક પગ ઊંચે કરે છે અને બેસે ત્યારે આજુબાજુ વળે છે. માગવામાં આવે ત્યારે વસ્તુ તે સામેનાની હથેળીમાં મૂકે છે પણ તેને છોડતો નથી. આવજો કહેવા હાથ હલાવે છે. પોતાના મોંને કપડાથી ઢાંકીને સંતાકૂકડી રમે છે. ફરીથી ઉપાડી શકાય તે માટે જાણી જોઈને વસ્તુને હાથમાંથી પાડી નાંખે છે. અર્થપૂર્ણ એક શબ્દ બોલે છે. ‘ના’ પાડવા માથું હલાવે છે.
48 અઠવાડિયાં ફર્નિચરને પકડીને બાજુ પર (ડાબી કે જમણી) ચાલે છે. બંને હાથે ફર્નિચર પકડે છે. બેઠાં બેઠાં તે ગોળ ફરીને વસ્તુ/રમકડું લે છે. સામેની વ્યક્તિ તરફ દડો ગબડાવે છે. રમકડું આપવા-લેવાની રમત કરે છે. સામેની વ્યક્તિના હાથમાં રમકડું મૂકે છે અને છોડી દે છે. નકલ કરીને હસે છે. એકની એક વસ્તુ વારંવાર કરવાની રમત તેને ગમે છે; દા. ત., ઘન ટુકડાઓનો મિનારો રચવો. જોડકણાં ગવાય ત્યારે હાથપગનું હલન- ચલન કરે છે. સામાન્ય ચિત્રોના પુસ્તકમાં રસ પડે છે. અજાણી વ્યક્તિની હાજરીમાં શરમાય છે. અને જાણીતી વ્યક્તિને વળગી પડે છે.
1 વર્ષ એક હાથે પલંગ પકડીને બાજુ પર ચાલે છે. ઘૂંટણિયાં ભરે અથવા હાથ અને બેઠક (buttock) વડે ખસે છે. થોડીક ક્ષણ માટે ઊભો રહે છે. એક હાથમાં બે ઘન ટુકડા પકડે છે. નાક ક્યાં છે ? બૂટ ક્યાંં છે ? તેવું સમજે છે. કહેવામાં આવે તો બચી કરે છે. કહેવાથી રમકડું આપે છે. પ્યાલા નીચે સંતાડેલી વસ્તુ શોધે છે. 2 અથવા 3 શબ્દોને અર્થપૂર્ણ રીતે બોલે છે. બહુ થોડો વખત વસ્તુઓ મોંમાં નાંખે છે.
15 મહિના વગર ટેકે ઊભો થાય છે. ઘૂંટણિયાં ભરીને સીડી ચઢે છે. પહોળા પગે વગર ટેકે ચાલે છે. પગલાં ઊંચાં અનિયમિત હોય છે. પેન્સિલથી લીટી કે નિશાની કરે છે. એ ઘન ટુકડાનો ટાવર કરે છે. જમીન પર વારંવાર વસ્તુ ફેંકે છે. બૂટ કાઢે છે. ડબ્બામાં વસ્તુ મૂકે છે તથા બહાર કાઢે છે. ચિત્રોને રસથી નિહાળે છે જાણીતી વસ્તુઓ કે વ્યક્તિઓને ઓળખી કાઢે છે. ‘બૂટ લાવ’ જેવાં સૂચન સમજે છે. રમકડાની મોટરને ધક્કો મારે છે. રમકડાની બેબીને જમાડે છે. હાથથી બતાવીને કે બોલીને વસ્તુ માંગે છે. શબ્દો તથા અર્થહીન ઉચ્ચારણો સાથે સાથે કરે છે. આંંગળી વડે પકડીને ખાય છે. ચમચી વડે પ્રયત્ન કરે છે. પ્યાલાથી પીએ છે. તેનું કપડું પલળ્યું છે તેવું બતાવે છે.
18 મહિના પગને ઠીક પાસે લાવીને ચાલે છે. ચાલતાં ચાલતાં રમકડાં ખેંચે છે. સળિયો પકડીને સીડી ચઢે છે. હાથનો ટેકો લઈને પણ સીડી ચઢે છે. ઝડપથી દોડે છે. ભાગ્યે જ પડે છે. ખુરશીમાં જાતે બેસે છે. ખુરશી પર ચઢે છે. તે માટે ગોળ પણ ફરે છે. પડ્યા વગર દડો ફેંકે છે. 3 ઘન ટુકડાનો મિનારો રચે છે. ચમચી વડે ખાય ચોપડીનાં 2થી 3 પાનાંને એકસાથે ફેરવે છે. મોજાં કાઢે છે. પૅન્ટની ચેન ખોલે છે. ડબ્બો ખોલે છે. કપડાં ખેંચી કાઢીને રમકડું શોધે છે. નાની વસ્તુઓને ઓળખે છે. ચિત્રોને પણ ઓળખે છે. પોતાનાં કે રમકડાનાં નાક, આંખ, પગ ઓળખી બતાવે છે. માની જેમ કચરો વાળે છે. તાસક ધુએ છે. 6થી 2૦ શબ્દોનો અર્થપૂર્ણ ઉપયોગ કરે છે. વળગવાનું કે વિરોધ કરવાનું કરે છે. હાજતનું નિયંત્રણ આવે છે  મળની બાબતે ખાસ; પેશાબ બાબતે ક્યારેક નહિ.
21 મહિના નકલ કરતાં તે પાછળ ચાલે છે. જમીન પરની વસ્તુ લેતાં પડતો નથી. સીડી પર ચઢતાં દરેક પગથિયે બંને પગ મૂકે છે. 5 કે 6 ઘન ટુકડાનો મિનારો રચે છે. વસ્તુ બતાવવા બીજાને ખેંચે છે. થોડાંક ચિત્રોનાં નામ બોલે છે. કહેલું ફરીથી બોલી બતાવેે છે. પાણી, ખોરાક, સંડાસ માટે કહે છે. રાત્રે સૂવાની ટેવ પડવા માંડે છે. દિવસે કપડાં પલાળી નાંખતો નથી.
2 વર્ષ ઉપરને માળે એકલો જાય છે. અને દરેક પગથિયે બંને પગ મૂકીને ઊતરે છે. 6 કે 7 ઘન ટુકડાનો ટાવર બનાવે છે. પુસ્તકના દરેક પાનને એક એક કરીને ફેરવે છે. બૂટ, મોજાં, પૅન્ટ પહેરે છે. નકલ કરીને ઘન ટુકડાની રેલગાડી બનાવે છે. પણ તેના પર ચીમની મૂકતો નથી. જોઈ જોઈને ઊભી લીટી દોરે છે. સાદી આજ્ઞાઓ પાળે છે. ‘રમકડા બેબીને પાણી પા’, તેની સાથે કાલ્પનિક નાટક કરે છે. મને, તમે જેવા શબ્દો વાપરે છે. ‘પેલું શું ?’ ‘મને આપ’ જેમ 2 શબ્દો જોડે છે. સાંજે પેશાબ કરાવી લેવામાં આવે તો રાત્રે પથારી પલાળતો નથી. મોટાઓનું સતત ધ્યાન આકર્ષે છે. બીજાં રમતાં હોય તો તે જુએ છે. બીજાં પાસે રમે છેે, એકલો રમે છે.
2½ વર્ષ બે પગે કૂદે છે. અંગૂઠાની ટોચ પર ચાલે છે. મોટા દડાને લાત મારે છે. 8 ઘન ટુકડાનો મિનારો રચે છે. મુઠ્ઠીને બદલે અંગૂઠા- આંગળી વચ્ચે પેન્સિલ પકડે છે. નકલ કરીને ઘન ટુકડાની રેલગાડી બનાવે છે અને ચીમની પણ મૂકે છે. જોઈ જોઈને આડી લીટી દોરે છે. પ્યાલામાં ચમચો મૂકે છે. વસ્તુ ગોઠવવામાં મદદ કરે છે. સરખા રંગને સાથે મૂકે છે. સતત બોલે છે. 2૦૦ કે વધુ શબ્દો જાણે છે. વાણીમાં અપરિપક્વતા દેખાય છે. પૂરું નામ બોલે છે. સક્રિય અને ક્યારેક ઉત્પાત કરતો હોય હાથ ધોઈને લૂછે છે.
3 વર્ષ સીડી ચઢતાં વારાફરતી જુદા જુદા પગથિયે એક એક પગ મૂકે છે. (ઊતરતાં આ રીતે કરવાનું તે 4 વર્ષે શીખે છે.) છેલ્લા પગથિયે કૂદકો મારે છે. એક પગ પર થોડી સેક્ધડ ઊભો રહે છે. ટ્રાઇસિકલ ચલાવે છે. હવામાં સીધો આવતો દડો ઝીલે છે. 9 ઘન ટુકડાનો મિનારો રચે છે. કપડાં પહેરે છે અને કાઢે છે. બટન માટે મદદ જોઈએ છે. આગળ, પાછળ કે જમણા ડાબા અંગે સલાહ જરૂરી બને      છે. બટન ખોલે છે. કાચનાં વાસણ સાચવીને વાપરે છે. ટેબલ ગોઠવવામાં મદદ કરે છે. કાતરથી કાપે છે. દોરામાં મોતી પરોવે છે. જોઈને વર્તુળ તથા ચોકડી દોરે છે. જાતે માણસ દોરે છે, સ્પષ્ટ ન પણ સમજાય તેવો હોય. 3 ઘન ટુકડાનો સેતુ જોઈને બનાવે છે. નાનું મોટું ઉપર નીચે વગેરે સમજે છે. વપરાશથી વસ્તુ ઓળખે છે. થોડાંક જોડકણાં આવડે છે. રમકડાંને કપડાં પહેરાવે છે – કાઢે છે. પૂરું નામ અને જાતિ જણાવે છે. સાદી વાત કરે છે. શું, કોણ, ક્યાંના પ્રશ્ર્નો પૂછ્યે રાખે છે. જાતે હાજતે જાય છે. ચમચી અને કાંટાથી ખાઈ શકે છે. કહ્યું માને છે. લાડ કરે છે. વિશ્ર્વાસમાં લેવાય છે. બીજાં બાળકો સાથે રમે છે. વહેંચવાનું સમજે છે.

 નિકીતા શાહ

અનુ. શિલીન નં. શુક્લ