દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં જે સોંઘવારી શક્ય બની હતી એને માટે પણ સંભારાતો રહે છે. સ્વાતંત્ર્યસંગ્રામ અને સ્વરાજનિર્માણનાં પચાસેક વરસમાં વ્યાપ્ત એમનું જાહેર જીવન એક સિદ્ધાંતનિષ્ઠ રાજકારણી અને સમર્થ વહીવટકારનું છે.

મોરારજી રણછોડજી દેસાઈ

અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા મોરારજી વલસાડની આવાંબાઈ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થઈને 1913માં મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. સૌથી મોટા સંતાન તરીકે તેમણે કૌટુંબિક જવાબદારીઓ પણ ઉઠાવવાની હતી. નાની વયે 1911માં લગ્ન થઈ ચૂક્યાં હતાં. લગ્નના બે દિવસ પહેલાં જ પિતાએ આપઘાત કર્યો હતો. એટલે માતા અને ભાંડુઓની પણ સંભાળ લેવાની હતી. ભાવનગરના મહારાજાની સ્કૉલરશિપ મળવા સાથે ગોકુળદાસ તેજપાલ બૉર્ડિંગમાં રહેવાનું તથા ટ્યૂશનો કરવાનું ગોઠવાતાં કૌટુંબિક જવાબદારીમાં સહયોગ આપવા સાથે ઉચ્ચ અભ્યાસ શક્ય બન્યો.

ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં બી.એ થયા (1917) બાદ બૉમ્બે પ્રોવિન્શ્યલ સિવિલ સર્વિસમાં 1918ના મેમાં જોડાતાં અમદાવાદ ખાતે પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત થઈ. થાણા, ભરૂચ, ગોધરા અને વળી અમદાવાદ – એમ જવાબદારી વહન ર્ક્યા બાદ 193૦ના મેમાં સ્વરાજની લડતમાં ભાગ લેવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને છૂટા થયા.

આ કામગીરી દરમિયાન ગોરા અધિકારીઓ સાથે ખુશામતનો નહિ પણ સીધી વાતનો ને નિયમસરનો વ્યવહાર, કામના તરત નિકાલનો આગ્રહ, સિફારસ નહિ ગણકારવાનું વલણ, આનાવારી નક્કી કરતાં પૂર્વે સ્થળ પર જઈ પાકની પરિસ્થિતિ જાતે જોવાની ને ખેડૂતો સાથે ચર્ચી લેવાની પ્રણાલી વગેરે એમની કાર્યપદ્ધતિનાં નોંધપાત્ર લક્ષણો હતાં.

દસેક વરસની વયે એમણે બંગભંગ સામેની ચળવળનાં સ્પંદનો ઝીલ્યાં હતાં. લોકમાન્યને સજા થઈ ત્યારે શાળામાં હડતાળ પડાવવામાં અગ્રભાગ લીધો હતો; 1914ના અરસામાં દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડથી મુંબઈ આવ્યા ત્યારે એમના સન્માનમાં સ્વયંસેવક તરીકે જોડાતાં ગૌરવ અનુભવ્યું હતું. 1915માં મુંબઈમાં સર સત્યેન્દ્રપ્રસન્ન સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ અધિવેશન મળ્યું ત્યારે વીસ સ્વયંસેવકોની ટુકડીના કપ્તાન તરીકે જવાબદારી સંભાળી હતી અને ગાંધીજીને પહેલવહેલા જોયા–સાંભળ્યા પણ ત્યારે જ હતા. દરમિયાન ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’નું વાચન ચાલુ હતું અને 1927થી તો ચાલુ નોકરીએ પણ ખાદીનાં કપડાંનો આગ્રહ  અમલમાં મૂક્યો હતો. નોકરી છોડી ત્યારે અભિનંદનનો મેળાવડો યોજવા ઇચ્છનારાઓને એમણે આ શબ્દોમાં વાર્યા હતા : ‘દેશના પૈસા લઈને હું દેશદ્રોહ કરતો હતો…..નોકરી છોડીને હું સુધરી ગયો એટલું જ કહી શકાય, મેં કોઈ બલિદાન આપ્યું નથી.’

નોકરી છોડ્યા પછી તરત જ મોરારજી દેસાઈ કૉંગ્રેસના સભ્ય બન્યા અને લડતનાં કામોમાં પરોવાઈ ગયા. લડતના અનુસંધાનમાં થોડા જ દિવસમાં એમની પણ ધરપકડ થઈ. જેલમાંથી બહાર આવ્યા બાદ ગાંધી-ઇર્વિન સમાધાન અને ગુજરાત પ્રાંતિક સમિતિની નવરચના વખતે મંત્રીઓમાંના એક તરીકે નિમાતાં તેઓ સંગઠનની જવાબદારીમાં ખૂંપી ગયા. 193૦થી 1934નાં વરસો દરમિયાન તેમણે ઓછાવત્તા સમયના ત્રણ કારાવાસ ભોગવ્યા.

1935ના ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ મુજબ ફેબ્રુઆરી, 1937માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી યોજાતાં તેઓ સૂરત જિલ્લામાંથી મુંબઈ ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને બાળાસાહેબ ખેરના પ્રધાનમંડળમાં મુંબઈ ઇલાકાના મહેસૂલ પ્રધાન બન્યા. નાકરની લડતમાં જેમની જમીનો ગઈ હતી તેમને તે પાછી અપાવવાની પ્રક્રિયા શરૂ કરવા ઉપરાંત મહેસૂલ પ્રધાન તરીકે કરેલું એક મોટું કામ ખેડૂતોને સારુ ઋણરાહત અને ગણોતનિયમનનું હતું. ઇનામદારો, તાલુકદારો, જમીનદારો વગેરે ખેતરમાં કશી જ મહેનત કર્યા વગર અડધો ભાગ લઈ જતા હતા. ગણોતનિયમનના કાયદાઓ મારફતે એમાં દુરસ્તીની શરૂઆત થઈ. કેટલાક મોટા કૉંગ્રેસીઓ અને જમીનમાલિકોના વિરોધ છતાં ખેર પ્રધાનમંડળ, એમાં પણ ખાસ તો મોરારજી દેસાઈ ન્યાય અને સમતાની દિશામાં આ પ્રગતિશીલ કદમને વળગી રહ્યા. કાળગ્રસ્ત ‘ફૅમિન કોડ’ને સુધારીને દુષ્કાળરાહતનાં કામોમાં અપાતી ન-જેવી મજૂરીને સ્થાને ધોરણસર ચુકવણી માટેનો નિયમફેર પણ એમને હસ્તક થયો. સહકારી પ્રવૃત્તિ પરનું રાજ્યનું આધિપત્ય ઓછું કરવાનો તથા ખેતીવાડીના શિક્ષણને પ્રત્યક્ષ તાલીમ સાથે સાંકળવાના નિર્ણયો પણ આ ગાળામાં લેવાયા.

1939માં કૉંગ્રેસી મંત્રીમંડળના રાજીનામા પછી તેઓ અમદાવાદ પાછા ફર્યા અને પ્રાંતિક સમિતિના મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી સંગઠનનાં કામોમાં લાગી ગયા. 194૦માં કૉંગ્રેસ મહાસમિતિએ પુણેની બેઠકમાં, સરકાર જનતાની અનુમતિ વગર પોતાની સત્તાની રૂએ વિશ્વયુદ્ધમાં ભાગ લેતી હતી, એનો વિરોધ કરવા માટે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે બાદ જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ પછી મોરારજી દેસાઈએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાની સરકારને નોટિસ આપેલી તેથી તેમને પકડવામાં આવ્યા. આ ચોથી વારના કારાવાસમાંથી ઑક્ટોબર, 1941માં તેઓ બહાર આવ્યા. 1942ના ઑગસ્ટની આઠમી તારીખે મુંબઈમાં કૉંગ્રેસ મહાસમિતિએ ‘ક્વિટ ઇન્ડિયા’નો ઐતિહાસિક ઠરાવ કર્યો તે સાથે વળતી વહેલી સવારે પકડવામાં આવેલા આગેવાન કાર્યકરોમાં મોરારજી દેસાઈનો પણ સમાવેશ થતો હતો. 1945ની અધવચે બીજા વિશ્વયુદ્ધના અંત સાથે, દેશના નેતાઓ સાથે બ્રિટિશ સરકારે આ સૌને મુક્ત કર્યા.

બ્રિટિશ સરકાર અને કૉંગ્રેસ વચ્ચેની વાટાઘાટોને પરિણામે કેન્દ્રમાં ને પ્રાંતોમાં નવી પ્રજાકીય સરકારોની રચનાનો માર્ગ મોકળો બનતાં 1946માં બાળાસાહેબ ખેરના નેતૃત્વ હેઠળ મુંબઈમાં બીજું મંત્રીમંડળ રચાયું અને તેમાં બીજા ક્રમે મોરારજી દેસાઈને લેવામાં આવ્યા. એમણે ખેડૂતોને સારુ ઋણરાહતની પ્રક્રિયા પાર પાડી. પૂર્વે ગણોતનું ધોરણ અર્ધા ભાગમાંથી ત્રીજા ભાગનું કર્યું હતું તે હવે ચોથા ભાગનું કર્યું. ખેડૂતોને ઉત્પાદન અને જમીનસુધારણા માટે કરજ વાજબી દરે મળી રહે એ માટે તગાવીપ્રથા ઉપરાંત સહકારી મંડળી ને ગ્રેઇનબૅન્ક જેવાં આયોજનો કર્યાં. ખેડૂતોએ શાહુકારોના ઓશિયાળા ન થવું પડે એ હેતુસર જરૂરી ધિરાણનો ધારો કર્યો. પ્રિવેન્શન ઑવ્ ફ્રૅગ્મેન્ટેશન ઍન્ડ કૉન્સૉલિડેશન ઑવ્ હોલ્ડિંગ્ઝ ઍક્ટ સહિત જમીનસુધારણા માટે વિવિધ પગલાં ભર્યાં જેમાં જમીનધોવાણ અટકાવવા માટે પાળા બાંધવાનો પણ સમાવેશ થતો હતો. સામાજિક સુધારણા અને સમાજકલ્યાણનાં કામોમાં તેમણે દાખલ કરેલો દ્વિપત્ની-પ્રતિબંધક ધારો ઉલ્લેખનીય છે. કેદીઓને એમની મજૂરીની આવકમાંથી પૂરક ખોરાક મળી શકે, લાંબી કેદ ભોગવનારા દર બે વરસે પંદર દિવસ માટે કુટુંબ સાથે રહેવા જઈ શકે વગેરે જેલસુધારા પણ કર્યા. મંદિરોમાં હરિજનપ્રવેશનો કાયદો થયો. વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર નીચેના સ્તરે એક હતાં, તે જુદાં પાડવાની પહેલ કરી. ગરીબોને સરકારી ખર્ચે કાનૂની સહાય મળે તે માટે ભગવતી સમિતિની ભલામણોનો અમલ કર્યો. માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરીને રાજ્યમાર્ગ પરિવહન નિગમ શરૂ કર્યું. નાગરિકો સ્વયંસેવક તરીકે તાલીમ લઈ રમખાણો કે બીજા પ્રસંગોએે શાંતિપ્રયાસમાં સહાયરૂપ થઈ શકે તે ર્દષ્ટિએ ગૃહરક્ષકદળ(homeguards)ની પ્રવૃત્તિનો આરંભ કર્યો. તેની કામગીરી પોલીસની સાથે રહીને ચાલે એવી પરિપાટી વિકસાવી. પ્રાંતિક સ્વરાજ દરમિયાન શરૂ થયેલી દારૂબંધીનો વ્યાપ પણ આ દોરમાં વિસ્તર્યો અને લાભદાયી ઠર્યો.

ખેર નિવૃત્તિ ઇચ્છતા હતા અને તેઓ  તેમજ કૉંગ્રેસી નેતાઓ એમના અનુગામીપદે મોરારજી દેસાઈ જ હોય એમ માનતા હતા; પરંતુ 1952ની પહેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈ વિધાનસભાની વલસાડની બેઠક પર મોરારજી દેસાઈ માત્ર 19 મતે ડૉ. અમૂલ દેસાઈની સામે હારી જતાં એમણે પોતે ખસી જવાનો વિચાર કર્યો; પણ મુંબઈ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત – એ ચારે પ્રદેશ કૉંગ્રેસ સમિતિઓના પ્રમુખો તેમજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કહેવાથી તેમણે ચાલુ રહેવાનું સ્વીકાર્યું. અમદાવાદના મજૂર-વિસ્તારની બેઠક ખાલી પડતાં ત્યાંથી નીચલા ગૃહમાં ચૂંટાઈ આવ્યા. મુખ્યમંત્રી તરીકેના એમના શાસનકાળમાં વહીવટી તંત્ર અને ન્યાયતંત્રને સંપૂર્ણ અલગ કરવાની કામગીરી પૂરી થઈ. મુંબઈમાં અનાજ પરનો કંટ્રોલ ઉઠાવી લઈ લોકોને વાજબી ભાવે અનાજ મળે એવી ગોઠવણ કરી બતાવી.

રાજ્ય પુનર્રચના પંચે 1955માં પોતાનો હેવાલ કેન્દ્ર-સરકારને સુપરત કર્યો, જેને પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો બને અને મુંબઈ કેન્દ્રશાસિત પ્રદેશ રહે એવી ગોઠવણ ઊપસી રહી; પરંતુ મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિની ને અન્ય બિનકૉંગ્રેસી પક્ષોની માગણી મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્રની હતી, જ્યારે ગુજરાત કૉંગ્રેસનો ઠરાવ ત્રણ રાજ્યો માટે હતો. મોરારજી દેસાઈ ભાષાવાર રાજ્યરચના માટે ઉત્સાહી નહોતા. જોકે પંચની ભલામણો સાથે ભાષાવાર રાજ્ય માટેની લાગણીએ સાર્વત્રિક તીવ્રતા ધારણ કરી ત્યારે મોરારજી દેસાઈએ ત્રણ રાજ્યોની માંગમાં જોડાવું પસંદ કર્યું હતું. કેન્દ્ર સરકારે એ પ્રકારનો ખરડો પણ ગૃહમાં રજૂ કર્યો હતો. એવામાં પંડિત પંત વગેરેના સૂચનથી દ્વિભાષી મુંબઈ માટેની દરખાસ્તે વેગ પકડ્યો અને કૉંગ્રેસ કારોબારીએ તે માટેનો ઠરાવ કરતાં તેના અમલની જવાબદારી આ નિર્ણય જેમની પહેલથી નહોતો થયો એ મોરારજી દેસાઈ પર આવી પડી. ઑગસ્ટ, 1956માં દ્વિભાષી મુંબઈ માટેના ઠરાવ સામે ગુજરાતમાં જાગેલ વિરોધને પોલીસદમનને કારણે વેગ મળ્યો. મુખ્યમંત્રી મોરારજી દેસાઈને લાગ્યું કે અમદાવાદમાં લોકો જે હિંસાએ ચડ્યા છે એની સામે પોલીસ કારવાઈ અપૂરતી ઠરશે. આ સંજોગોમાં તેમણે અમદાવાદ પહોંચી હિંસા સામે (મહાગુજરાત આંદોલન સામે નહિ) અનશન પર ઊતરી શાંતિ સ્થાપવાનો નિર્ણય લીધો. એક પ્રશાસક તરીકે નિ:શંક એમનો આ નિર્ણય અરૂઢ પ્રકારનો હતો.

દ્વિભાષી રાજ્યનો નિર્ણય લેવાયો ત્યારથી મોરારજી દેસાઈ કૉંગ્રેસના કેન્દ્રીય નેતાઓને કહી ચૂક્યા હતા કે નવા રાજ્યનું નેતૃત્વ તેઓ નહિ કરે. 1956ના નવેમ્બરની પહેલી તારીખે યશવન્તરાવ ચવ્હાણે દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો અને એ જ મહિનાની 14મી તારીખથી વડાપ્રધાન નેહરુનાં નિમંત્રણ ને આગ્રહથી મોરારજી દેસાઈએ સંઘ સરકારના વેપારઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે કામગીરી શરૂ કરી. નેહરુ, આઝાદ અને પંત પછીના ચોથા ક્રમે એ હતા, પરંતુ મુંદડા-પ્રકરણને પગલે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં 1958ના માર્ચમાં મોરારજી દેસાઈએ નાણાખાતાનો અખત્યાર સંભાળી લીધો હતો. દેશની નાણાકીય જવાબદારી વહન કરતી વખતે એમની ભૂમિકા એ રહી કે યોજનાઓ મહત્વાકાંક્ષી હોય એની સામે આર્થિક સાધનો કેવી રીતે સુલભ થશે એનો પણ પૂરતો વિચાર કરવો જોઈએ. એમણે કહ્યું કે નાણાખાતું શૅરબજાર ન થઈ શકે, ન તો એ સટ્ટાને રસ્તે પોતાની કામગીરી અદા કરી શકે. લાંબી મુદતની લોનોનું આયોજન, કરકસર, પરદેશી આર્થિક મદદ સાથેની શરતોમાં હળવાશ, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજિયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ વગેરે એમના કાર્યકાળનાં ધ્યાનાર્હ કદમ હતાં.

સુવર્ણનિયંત્રણને પરિણામે સોનાની દાણચોરી ઘટી અને એક પાઉન્ડનો દર બજારમાં બાવીસ રૂપિયાનો બોલતો હતો, તે ઘટીને પંદર રૂપિયાનો થયો હતો એ આ નિર્ણયની સફળતા સૂચવે છે. આર્થિક સાધનો ઊભાં કરવાની મોરારજી દેસાઈની મથામણો, પાછળથી તેઓ કેન્દ્રમાં પ્રધાન નહોતા ત્યારે 1965ના ભારત-પાક યુદ્ધ વખતે ખપમાં આવી અને તે વખતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ફળી.

વચગાળામાં, મોરારજી દેસાઈને કેન્દ્રમાં પ્રધાન થયે આશરે સાડા ત્રણ વરસ થયાં હશે ત્યારે મે, 196૦માં દ્વિભાષી મુંબઈનું વિભાજન થઈ મહારાષ્ટ્ર ને ગુજરાતનાં રાજ્યો અસ્તિત્વમાં આવી ગયાં હતાં. એમને લગભગ બાકાત રાખીને આ નિર્ણય લેવાયો હતો. વલ્લભભાઈ ગયા પછી ગુજરાતનું કૉંગ્રેસ એકમ એકંદરે એમની સાથે સંપર્ક અને પરામર્શ મુજબ કામ કરે તેવી પ્રણાલિકા હતી. જીવરાજ મહેતા પ્રકરણે દર્શાવી આપ્યું તેમ, આ પ્રણાલિકામાં કેટલેક અંશે વિસંવાદી સ્થિતિ સરજાવા માંડી હતી. બીજી પાસ, નવી દિલ્હીના સ્તરે જવાહરલાલ નેહરુ, મોરારજી દેસાઈને એક હદથી આગળ ઇચ્છતા નથી એવું ચિત્ર ઊપસવા લાગ્યું હતું. મૌલાના આઝાદ દિવંગત થયા પછી પંત બીજા ક્રમે હતા અને મોરારજી દેસાઈ ત્રીજા. પંતના નિધન બાદ તેઓ બીજા ક્રમે આવે તેમ જ સંસદીય સ્તરે પક્ષના ઉપનેતા બને એ સ્વાભાવિક હતું. પરંતુ તેઓ બીજા ક્રમે હોય તેમજ ઉપનેતા પણ હોય એ સંજોગોમાં જવાહરલાલ નેહરુના સીધા અનુગામીવત્ લેખાવા માંડે એ નેહરુને કદાચ સ્વીકાર્ય નહોતું. તેથી તેમણે તે માટેના નિયમોમાં ફેરફાર કરાવી મોરારજી દેસાઈને ઉપનેતાપદેથી બાકાત રાખ્યા એ આ દિશામાં પ્રથમ સંકેત હતો, જે પછીથી 1963માં કામરાજ યોજના નિમિત્તે એમને પ્રધાનમંડળમાંથી છૂટા કર્યા તે પરથી માલૂમ પડે છે.

મે, 1964માં જવાહરલાલ નેહરુનું નિધન થતાં પક્ષના નેતાની એટલે કે વડાપ્રધાનની ચૂંટણી ન યોજતાં પ્રમુખ કામરાજે સર્વસંમતિ(consensus)થી નિર્ણય કરવો એવો મત કારોબારીમાં બહુમતીનો રહ્યો. કામરાજે સર્વસંમતિ લાલબહાદુર શાસ્ત્રી માટે હોવાનું જાહેર કર્યું અને એ નવા વડાપ્રધાન થયા.

લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી કામરાજ અને એમના સાથીઓ (તેઓ સિન્ડિકેટ તરીકે ઓળખાતા) ઇન્દિરા ગાંધીની તરફેણમાં હતા. મોરારજી દેસાઈએ સંસદીય પક્ષમાં એમની સામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું, કેમ કે તેમણે સ્પષ્ટતયા જણાવેલું : ‘ઇન્દિરાબહેનને હું આ જગ્યા માટે યોગ્ય ગણતો ન હતો અને તેથી તેમનો વિરોધ કરવાનો મારો ધર્મ સમજતો હતો.’ મોરારજી દેસાઈ હાર્યા. જોકે તે પછી તરતના મહિનાઓમાં એમણે વહીવટી સુધાર પંચના અધ્યક્ષ તરીકે કામગીરી શરૂ કરી દીધી હતી. આ પંચે પોતાના વચગાળાના હેવાલમાં લોકપાલ અને લોક-આયુક્ત માટેની દરખાસ્ત કરી હતી જે અનુક્રમે  મંત્રીઓ અને સચિવોની તપાસ કરી શકે અને આ તપાસહેવાલ સંસદ સમક્ષ રજૂ પણ થઈ શકે.

1967ની ચૂંટણી બાદ ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઈને નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પ્રધાનમંડળમાં જોડાવા નિમંત્ર્યા. વહીવટી પકડ, કોઠાસૂઝ, નિષ્ણાતી પરામર્શ અને શાસકીય સંકલ્પની એમની હંમેશની શૈલીએ મોરારજી દેસાઈ નિયત કામગીરી પાર પાડવામાં પરોવાઈ ગયા. વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ પાર્લમેન્ટરી બૉર્ડના પ્રમુખના ઉમેદવાર તરીકે સંજીવ રેડ્ડીની પસંદગીના નિર્ણય વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી અને તરતના દિવસોમાં જ, 16મી જુલાઈએ, મોરારજી દેસાઈ પાસેથી નાણાખાતું લઈ લીધું. સ્વમાની દેસાઈએ પ્રધાનમંડળમાંથી છૂટા થવા રાજીનામું ધરી દીધું. 19મી જુલાઈએ વડાંપ્રધાને એ સ્વીકાર્યાની એમને જાણ કરી, અને એ જ સાંજે 14 બૅન્કોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય પણ જાહેર કર્યો. તે વખતના કૉંગ્રેસ પક્ષને વફાદાર રહેલા 65 સાંસદો 16મી નવેમ્બરે મળ્યા અને એમણે મોરારજી દેસાઈને નેતા ચૂંટી કાઢ્યા. વળતે મહિને, ડિસેમ્બર, 1969માં ગાંધીનગર ખાતે નિજલિંગપ્પાના પ્રમુખપદે યોજાયેલ વિશાળ અધિવેશનના અરસામાં આ પક્ષ કૉંગ્રેસ(ઓ) એટલે કે ઑર્ગેનિઝેશન કહેતાં સંસ્થા કૉંગ્રેસ તરીકે ઓળખાવા લાગ્યો, જ્યારે ઇંદિરા ગાંધીની સાથે રહેલા પક્ષને કૉંગ્રેસ (આર) એટલે કે રુલિંગ કહેતાં શાસક કૉંગ્રેસની ઓળખ મળી.

સ્વરાજ્ય પછી રાષ્ટ્રીય સ્તરે વિરોધપક્ષ રૂપે કામ કરવાનો કૉંગ્રેસ (ઓ)  અને મોરારજી દેસાઈ બંને માટે આ પ્રથમ અનુભવ હતો. સ્વાતંત્ર્યનાં બાવીસ વરસ બાદ વિપક્ષી નેતા તરીકેની આ નવી કાર્યભૂમિકા મોરારજી દેસાઈએ એમની હંમેશની સ્વસ્થતા ને નિશ્ચયાત્મકતાથી ઊંચકી લીધી. દરમિયાન, ઇંદિરા ગાંધીનો કરિશ્મા ખાસો જામી ગયો હતો અને 1971ની મધ્યસત્ર ચૂંટણીમાં સંસ્થા કૉંગ્રેસ, સ્વતંત્ર પક્ષ, જનસંઘ વગેરેના ‘ભવ્ય જોડાણ’ને એમની કૉંગ્રેસ સામે ખાસ યારી મળી નહિ. ‘સામાન્ય કાર્યક્રમ વિનાનું, સામાન્ય આચારસંહિતા વિનાનું ને બધા મતવિસ્તારોમાં સામાન્ય ઉમેદવારો વિનાનું, થાગડથીગડવાળું જોડાણ’ હોઈ ઇન્દિરા ગાંધી ઠેકડી ઉડાવતાં હતાં એમ નોંધી મોરારજી દેસાઈએ ઉમેર્યું છે, ‘તેમની ઠેકડી વાજબી હતી, કેમ કે પૂર્વે કલ્પ્યું હતું એવું યોગ્ય ને પ્રભાવશાળી જોડાણ રચવામાં અમે નિષ્ફળ ગયા હતા’. આ નિષ્ફળતાનો અંદાજ એ વાત પરથી આવશે કે કૉંગ્રેસના ભાગલા સાથે લોકસભાની દસ ટકા બેઠકોને ધોરણે દેશની સંસદીય તવારીખમાં પહેલી જ વાર સત્તાવાર વિપક્ષનું સ્થાન મેળવનાર સંસ્થા કૉંગ્રેસને 1971માં સૂરતથી મોરારજી દેસાઈ સહિત માત્ર 16 જ બેઠકો મળી હતી.

એ જ વરસે સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય સાથે દેશમાનસમાં ઇંદિરા ગાંધીની પ્રતિભા ખાસી ઊંચકાઈ હતી અને ચોક્કસ મુદ્દા ને મૂલ્યોને ધોરણે એમનો ને એમના પક્ષનો પ્રતિકાર કરવો તે સીધાં ચડાણનો પડકાર ઝીલવા બરોબર હતું.

પણ ઇંદિરા ગાંધીના રાજકારણમાં પક્ષપલટા સમેતની ગેરરીતિઓને છૂટો દોર માલૂમ પડતો હતો; ભ્રષ્ટાચાર પરત્વે ઉદાસીનતાથી માંડીને તેને ‘વૈશ્વિક ઘટના’ કહી છૂટી પડવાનું વલણ જણાતું હતું, મોંઘવારી ને ગરીબી એકધારાં વધતાં હતાં. આ બધાં કારણોસર 1972–73નાં વરસો લોક-ઉદ્રેક ને અજંપાનાં બનતાં ચાલ્યાં હતાં. 1974માં પહેલાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સાથે અને પછીના મહિનાઓમાં બિહારમાં જે. પી. આંદોલનના અજંપાને ગઠિત થવાની તેમ તે મિશે વિપક્ષોને નવા બળની તથા નજીક આવવાની તક આવી મળી. આ નવા રાજકારણના પર્યાયપુરુષ જો જયપ્રકાશ નારાયણ હતા તો ચાલુ રાજકારણમાંથી સંસ્થાકીય વિકલ્પ ઉપજાવવાના રાજકીય પુરુષાર્થના કેન્દ્રમાં ક્રમશ: મોરારજી દેસાઈ ઊપસતા ચાલ્યા હતા. નવનિર્માણ આંદોલનને પરિણામે ગુજરાતમાં ચીમનભાઈ પટેલની કૉંગ્રેસ સરકારને જવાની ફરજ પડી, પણ વિધાનસભામાંથી સંખ્યાબંધ રાજીનામાં છતાં વડાંપ્રધાન રાજ્ય વિધાનસભાના વિસર્જનની માંગણીને વિધાયક પ્રતિસાદ આપતાં નહિ જણાતાં મોરારજી દેસાઈએ આંદોલનમાં હિંસાને અટકાવવા તેમજ વિધાનસભાનું વિસર્જન હાંસલ કરવા 11મી માર્ચે આમરણ અનશનનો આરંભ કર્યો, અને 15મીની રાતે વિધાનસભા વિસર્જનની જાહેરાત થતાં વળતે દિવસે રવિશંકર મહારાજને હાથે પારણાં કર્યાં. 1956 અને 1969 (અમદાવાદમાં કોમી રમખાણ) બાદ જાહેર હેતુસરનાં આ એમનાં ત્રીજાં અનશન હતાં.

કૉંગ્રેસના વિકલ્પ માટેની વ્યૂહરચના ને મૂલ્યબોધની જે ભૂમિકા તૈયાર થઈ હતી એના પર હવે એક રાજપુરુષ તરીકે મોરારજી દેસાઈએ પુરુષાર્થ કરવાનો હતો. દિલ્હી બેઠા તેઓ જેમ અખિલ ભારતીય સંપર્કોમાં હતા તેમ ઘરઆંગણે ગુજરાતમાં બનતા બનાવો પર નજર રાખી રહ્યા હતા. 1974ના માર્ચમાં વિધાનસભાનું વિસર્જન કર્યા પછી ક્યાંય સુધી સંઘ સરકાર રાજ્યમાં ચૂંટણી ટાળ્યા કરતી હતી. ફેબ્રુઆરી, 1975માં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા પાછળ આગળ ધરાયેલી એક દલીલ તંત્ર દુષ્કાળરાહતમાં રોકાયેલું છે તે પણ હતી. ઑક્ટોબર, 1974થી ફેબ્રુઆરી, 1975ના મહિનાઓમાં, છેલ્લાં ત્રણ વરસથી લાગટ દુષ્કાળગ્રસ્ત સર્વ વિસ્તારોની જાતમુલાકાત પછી મોરારજી દેસાઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે પ્રજાકીય સરકાર વિના પહોંચી શકાય એવી પરિસ્થિતિ આ નથી. દાયકાઓના જાહેર કાર્યકર તરીકેના અનુભવને આધારે આ સ્થળમુલાકાત પછી તેમને ચૂંટાયેલી સરકારની તાકીદ સાફ સમજાઈ હતી અને ગૃહમાં તેમણે તે કહ્યું પણ ખરું. પરંતુ સરકાર ચૂંટણી ન યોજતાં રાષ્ટ્રપતિશાસન લંબાવવાની દરખાસ્ત પર કાયમ રહી. સંસ્થા કૉંગ્રેસે ગુજરાતમાં ત્વરિત ચૂંટણી માટે મોટે પાયે સહીઓ એકત્ર કરી, મોરારજી દેસાઈના નેતૃત્વમાં કૂચ યોજી રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. બીજી પાસ, જે. પી. આંદોલનને વરેલા બિનકૉંગ્રેસી પક્ષ-અપક્ષ સૌ હવે લોકસંઘર્ષ સમિતિ રૂપે એકત્ર આવી રહ્યા હતા. માર્ચમાં રચાયેલી આ સમિતિનો ખયાલ એવો હતો કે સત્યાગ્રહી આંદોલનોથી પ્રજાકીય સરકાર માટે ફરજ પાડવી. પણ ઇંદિરા ગાંધીના એકંદર વલણ વિશેનું મોરારજી દેસાઈનું તારણ એવું હતું કે તેઓ શાંત, સવિનય રજૂઆતને સ્વીકારશે નહિ. એમણે વિચાર્યું કે ‘હવે માત્ર એક વ્યક્તિના સત્યાગ્રહના સ્વરૂપમાં સર્વોચ્ચ બલિદાન અર્પવાનો માર્ગ જ ખુલ્લો રહ્યો છે. વર્ષાકાળ પહેલાં ચૂંટણીઓ કરાવવાને માટે અનિશ્ચિત મુદત સુધીના ઉપવાસ પર મારે ઊતરવું.’ છઠ્ઠી એપ્રિલે, નવી દિલ્હીના એમના નિવાસસ્થાને વાળુ પછી અનશન શરૂ થયાં અને વડાંપ્રધાને ચોમાસા પહેલાં ચૂંટણી યોજવાની તેમજ રાજકીય કાર્યકરો પર મિસા નહિ પ્રયોજવાની લેખિત ખાતરી આપતાં તેરમી એપ્રિલે સાંજે એમણે જયપ્રકાશ નારાયણના હાથે પારણાં કર્યાં. ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ પંદરમી મે હતી એ હિસાબે તૈયારી માટે હવે પૂરો એક મહિનો પણ નહોતો. જે. પી. આંદોલનની આબોહવામાં બનેલા વ્યાપક લોકમતની રુખ સૌ બિનકૉંગ્રેસી બળો એકત્ર પડકાર ઝીલે તેવી હતી. ગુજરાતમાં સંસ્થા કૉંગ્રેસે એકંદરે આ રુખ પારખી એને માન આપવાનું નક્કી કરતાં, લોકસંઘર્ષ સમિતિના ઠરાવથી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં જનતા મોરચાની રચનાનો ઠરાવ થયો અને સંયુક્ત કાર્યક્રમ તથા સંયુક્ત ઉમેદવારનો નિર્ધાર અમલી બન્યો. 17 મી મેથી 9 મી જૂન સુધીના ગાળામાં 79 વરસની વયે મોરારજી દેસાઈ ગુજરાતના બધા જિલ્લાઓમાં ફરી વળ્યા અને 1૦5 સભાઓને સંબોધી. પરિણામો પછી, કિમલોપના બિનશરતી સમર્થન સાથે, જનતા મોરચાએ 19મી જૂને બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વ નીચે સરકાર રચી.

પણ ગુજરાતની ઘટનામાં મોરારજી દેસાઈ જેમ રાષ્ટ્રીય રાજકારણના સ્તરે હોઈ શકતી નવરચનાનો પૂર્વસંકેત આપી શક્યા હતા તેમ ઇંદિરા ગાંધી કૉંગ્રેસની ને પોતાની સત્તા સામે એમાં રહેલો પડકાર પણ જોઈ શક્યાં હતાં. 12મી જૂને ગુજરાતનાં પરિણામો આવી રહ્યાં હતાં ત્યારે જ અલ્લાહાબાદ હાઈકોર્ટે ઇંદિરા ગાંધીની 1971ની ચૂંટણીને રદબાતલ ઠરાવતો તેમજ કોઈ પણ ચૂંટણી લડવા માટે છ વરસ સુધી ગેરલાયક જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. ઇંદિરા ગાંધીએ તત્ક્ષણ સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી મનાઈહુકમ મેળવ્યો. એ જ દિવસોમાં એમની તરફેણમાં પ્રાયોજિત રૅલી કાઢવાનો દોર પણ મોટે પાયે શરૂ થઈ ગયો. અલ્લાહાબાદની વડી અદાલતના ફેંસલાને ધ્યાનમાં રાખી ઇંદિરા ગાંધીને રાજીનામું આપવાની ફરજ પાડવા માટે જયપ્રકાશ નારાયણની ઉપસ્થિતિમાં ભારતીય લોકદળ, ભારતીય જનસંઘ, સંસ્થા કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ અને અકાલી દળના આગેવાનો તેમજ જાહેર જીવનના અગ્રણીઓ મળ્યા અને મોરારજી દેસાઈના પ્રમુખપદે લોકસંઘર્ષ સમિતિ રચવાનો ઠરાવ કર્યો. એ જ સાંજે દિલ્હીના રામલીલા મેદાનમાં એમના પ્રમુખપદે જયપ્રકાશ નારાયણે જંગી જાહેર સભાને સંબોધી અને  શાંતિમય પ્રતિકારની જાહેરાત કરી. પરંતુ છવ્વીસમી જૂનના પરોઢિયે સરકારે આ બંને અગ્રણીઓ સહિત અનેકોને મિસા હેઠળ જેલભેગા કર્યા. પચીસમી જૂનથી અમલમાં આવે તે રીતે આંતરિક કટોકટી જાહેર કરી. જૂન, 1975થી જાન્યુઆરી, 1977ના 19 મહિના દરમિયાન આપખુદ શાસન અને બિનલોકશાહી રીતિનીતિ સામે સ્વાતંત્ર્ય-સંગ્રામ ચાલ્યો. અલબત્ત, જાન્યુઆરીમાં ચૂંટણીજાહેરાત સાથે પરિસ્થિતિ હળવી બની હતી એટલું જ. માર્ચ, 1977માં કટોકટી વિધિવત્ ઉઠાવી લેવાઈ.

ગીતાપાઠ ને ગાયત્રીજાપ સહિત પ્રાર્થના, વ્યાયામ, કાંતણ, વાચન, રાંધેલા ખોરાકને બદલે દૂધ ને ફળનું ભોજન, આ બધાંએ એમને હરિયાણાના એમના એકાન્ત જેલવાસમાં (પહેલાં સોહના અને પછી તાવડુ ખાતે) શરીરની સ્વસ્થતા ને મનની પ્રસન્નતા આપ્યાં અને સ્વતંત્ર ભારતની લોકશાહી તવારીખમાં અભૂતપૂર્વ  કહી શકાય એવા 1977ના ચૂંટણીસંગ્રામ માટે તૈયાર કર્યા. ભાગવત, રામાયણ, યોગવાસિષ્ઠ, નારદભક્તિયોગ આદિ ધાર્મિક વાચન માટેના એમના સહજ વલણમાં આ વખતે ભળેલી વિશેષતા તુલસીરામાયણના સ્વાધ્યાયની હતી : કારાવાસના દિવસોમાં એમણે રામચરિતમાનસનું પાંચ વાર વાચન કર્યું, કર્મ જેટલી જ આવશ્યકતા ભક્તિની પણ છે એવી પ્રતીતિ થઈ. ધાર્મિક ઉપરાંતના વાચનમાં વિશ્વની ગરીબાઈ વિષયક ગુન્નાર મિર્ડાલનું પુસ્તક તેમ ટોફલરકૃત ‘ફ્યુચર શૉક’ તથા સૉક્રેટિસવિષયક પુસ્તકનો સમાવેશ થતો હતો. એકંદરે એમનું વાચન સીમિત પણ સઘન હોવાની ને સમજ કેવળ વાચન કરતાં વધુ તો ગાંધીવિચાર અને રાજકીય વ્યવહાર વચ્ચે યથાસંભવ મેળ પાડવાની કર્મકઠોર મથામણને આભારી હોવાની છાપ ઊઠે છે.

મોરારજી દેસાઈ સહિત સંખ્યાબંધ નેતાઓ ને કાર્યકર્તાઓની મુક્તિ અને ચૂંટણીની જાહેરાત સાથે દેશના જાહેર જીવનમાં નવચેતનનો સંચાર શરૂ થઈ ગયો. જનતાએકીકરણનું કેન્દ્રીય વ્યક્તિત્વ સ્વાભાવિક જ મોરારજી દેસાઈનું હતું. લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેની પસંદગીરૂપ આ ચૂંટણીમાં જનતા પક્ષની અસાધારણ ફતેહ સાથે, નેતાની વરણી જયપ્રકાશ-કૃપાલાણીએ મોરારજી દેસાઈ પર ઉતારી અને 24મી માર્ચે એમના નેતૃત્વ હેઠળ જનતા પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું.

વડાપ્રધાન મોરારજી દેસાઈએ સ્વીકારેલું પ્રથમ કર્તવ્ય લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠાનું હતું. વાણી-વિચાર-અખબારી સ્વાતંત્ર્યના પુન:સ્થાપન ઉપરાંત લોકસભાની મુદતને છ વરસને બદલે પૂર્વવત્ પાંચ વરસની કરવામાં આવી. ચુંવાલીસમા બંધારણીય સુધારાથી ખાનગી મિલકતના અધિકારને ન્યાય્ય (justiciable) કરવામાં આવ્યો. આ સરકારની મોટી સિદ્ધિ ભાવમોરચે અકંદરે સ્થિર સપાટીની તેમ કેટલીક જીવનજરૂરિયાતોમાં સોંઘવારીની હતી. 1971-77ના ગાળામાં 79 પૉઇન્ટ જેટલો ભાવવધારો નોંધાયેલો તે માર્ચ ’77થી જુલાઈ ’79ના ગાળામાં  લગભગ સ્થિર રહ્યો હતો. જનતા સરકારે સૂત્રો હાથમાં લીધાં ત્યારે બેરોજગારોની સંખ્યા 1.13 કરોડ જેટલી હતી. તે આ સવા બે વરસમાં વધી નહિ. ગ્રામવિસ્તારના માર્ગો અને પીવાલાયક પાણી માટે એમણે કરેલી 3૦૦ કરોડ રૂપિયાની ફાળવણી ત્યાર સુધીનો વિક્રમ હતો. એવી જ ઘટના પ્રૌઢશિક્ષણ માટે રૂ. 2૦૦ કરોડની ફાળવણીની હતી. પાછલાં 3૦ વરસમાં 4૦ હજાર ગામોમાં પીવાના પાણીની જોગવાઈ થઈ હતી, જ્યારે આ સવા બે વરસમાં નવાં 46 હજાર ગામો માટે પીવાના પાણીની જોગવાઈ થઈ. કેન્દ્ર-સરકારના જાહેર સેવા આયોગની પરીક્ષાઓ સર્વ માન્ય ભાષાઓમાં આપી શકાય એવો નિયમ થયો. વિદેશનીતિમાં સામાન્યપણે બિનજોડાણવાદની તરફેણમાં પ્રવર્તતી રાષ્ટ્રીય સંમતિને સમયાનુસાર સહેજસાજ ફેરફાર સાથે જારી રાખીને એમણે દક્ષિણ એશિયાઈ પડોશીઓ સાથેના સારા સંબંધોને અગ્રતા આપી હતી.

બ્યાસીમે વરસે વડાપ્રધાનપદે પહોંચેલા મોરારજી દેસાઈ અન્યથા સ્વાસ્થ્યપૂર્ણ છતાં એમને સારુ શાન્તાનુકૂલ પવન ને શિવપન્થ નિર્માયેલાં નહોતાં, કેમ કે જે કાળમાં સમર્થ વહીવટકાર તરીકે એમની પ્રતિભા ઊંચકાઈ તે એક, એકંદરે વ્યવસ્થિત ગોઠવાયેલ પક્ષના સરવાળે સ્થિર શાસનનો કાળ હતો. 1977માં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા તે એક પક્ષ કરતાં વધુ તો પક્ષસમવાયના વરાયેલા નેતા તરીકે – જેમાં એમણે સર્વસંમતિના તંગ દોરડા પર નટચાલ ચાલવાની હતી, જે અલબત્ત, એમનો ઇલાકો નહોતો. પ્રધાનમંડળની રચનાના પહેલા દોરમાં સંસ્થા કૉંગ્રેસને વધુ પ્રતિનિધિત્વ મળ્યાની છાપે ઊગમમાં જ અસંતુલનની સ્થિતિ સર્જી હતી. જેની કુમક સંસદીય પાંખને મળી રહે એવો સંગઠનાત્મક ઢાંચો પણ નહોતો. વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ, સત્તાગણિતો અને  ઉચ્ચ અભિલાષો વચ્ચેની ટકરામણે પક્ષપલટાનિષેધ અને લોકપાલથી માંડીને સમૂહમાધ્યમોની સ્વાયત્તતા લગીનાં વચનોને અડધે અટવાયેલાં ને અણપળાયેલાં રાખ્યાં. ચરણસિંહ પ્રકરણ ને બીજાં કારણોસર સર્જાયેલી કટોકટીમાં 15 જુલાઈ, 1979એ પોતે વડાપ્રધાનપદેથી ખસી ગયા છતાં સંસદીય પક્ષના નેતાપદેથી ખસવામાં મોરારજી દેસાઈએ કરેલો વિલંબ એમની એક રાજકીય ચૂક હતી એમ રાજકીય નિરીક્ષકોનું માનવું છે. છતાં જનતા સરકારનું શાસન પછીના ગાળાને મુકાબલે લોકાભિમુખતા અને પ્રામાણિકતાની છાપ ઊભી કરી શક્યું હતું.

જુલાઈ, 1979ના જનતાભંગાણ અને જાન્યુઆરી, 198૦માં ઇન્દિરા ગાંધીના પુનરાગમન પછીનાં વરસો મુંબઈમાં પુત્રપરિવાર સાથે એમણે નિતાન્ત નિવૃત્તિમાં ગાળ્યાં. ગાંધીજી, સરદાર, રાજેન્દ્રબાબુ પછીના ક્રમે 1963માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિપદે આવ્યા હતા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સાથે સંબંધ બાંધવા છતાં વિદ્યાપીઠ પોતાની વિશિષ્ટતાઓ ને વિશેષતાઓ બાબતે સ્વાયત્તતા જાળવી શકે એ  એમનો હંમેશનો આગ્રહ હતો. 1987ના ઑક્ટોબર સુધી, એટલે કે આયુષ્યના બાણુંમા વરસ લગી, વિદ્યાપીઠના પદવીદાન સભારંભમાં સામેલ થવાનો ક્રમ એમણે નૈષ્ઠિકપણે પાળ્યો હતો. 1988માં ‘નિશાને પાકિસ્તાન’ અને 1992 માં ‘ભારતરત્ન’ એમ બે શ્રેષ્ઠ ખિતાબોથી પુરસ્કૃત એવા એકમાત્ર રાજપુરુષ તરીકે ધ્યાનાર્હ બની રહ્યા. 1995ના ફેબ્રુઆરીની 28મીએ રાષ્ટ્રે સોમા વરસમાં એમનો પ્રવેશ કૃતજ્ઞભાવે ઊજવ્યો ત્યારે પ્રસન્ન પ્રતિસાદ આપવા જેટલી શરીર ને મનની એમની જે સ્વસ્થતા પ્રગટ થઈ તે એમની સન્નિષ્ઠ સેવાને અનુરૂપ હતી. પછી થોડા જ વખતે, મગજમાં લોહી ગંઠાતાં, દસમી એપ્રિલે એમણે મુંબઈમાં દેહ મૂક્યો. 12મી એપ્રિલે સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમને અડીને આવેલ ગોશાળાની ભૂમિ પર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે એમની અંત્યેષ્ટિ થઈ. આ સ્થળવિશેષ, હવે, અભયઘાટ તરીકે ઓળખાય છે.

એમનાં લખાણોમાં ત્રણ ખંડોમાં વહેંચાયેલી આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’ નવજીવને પ્રગટ કરેલી મૂળ અંગ્રેજી ‘ઇન માય વ્યૂ’(1966)-નો ગુજરાતી અનુવાદ છે. ઉપરાંત, વહીવટ, અર્થશાસ્ત્ર ને રાજ્યશાસ્ત્ર વિશે સાદી સમજને ધોરણે નાગરિક શિક્ષણની હાથપોથીરૂપ પુસ્તિકાઓ ‘પોલીસ પ્રજાની મિત્ર બની રહે’ (મુંબઈ સરકાર, 1952), ‘કરવેરા શા માટે ?’ (પરિચય, 1962), ‘લોકશાહી સમાજવાદ’ (પરિચય, 1968), ‘સડા વિનાનો વહીવટ’ (પરિચય, 1973) ‘કાયદાથી કોઈ પર નથી’ (ગુજરાત સરકાર, 1979) વગેરે નોંધપાત્ર છે.

પ્રકાશ ન. શાહ